ચામાચીડિયું : ઉડ્ડયન કરનાર કિરોપ્ટેરા શ્રેણીનું એક સસ્તન પ્રાણી. ચામાચીડિયાં ગ્રીક : (પાણિ = હાથ (કર) ptero = પાંખ) 2 ઉપશ્રેણી (megachiroptera અને micro-chiroptera) અને 19 કુળમાં તેમજ 950 ઉપરાંત જાતિઓમાં વહેંચાયેલાં છે. મોટા ભાગનાં ચામાચીડિયાં અંધારી જગાએ વાસ કરતાં હોય છે; કેટલાંક વૃક્ષોની ડાળીઓ પર ઊંધાં લટકતાં જોવા મળે છે અને નિશાચર જીવન પસાર કરતાં હોય છે. ચામાચીડિયાના શરીર પર ફર જેવા વાળ હોય છે, જ્યારે તેની પાંખ મુલાયમ, લવચીક ત્વચાની બનેલી હોય છે. ધ્રુવીય પ્રદેશો બાદ કરતાં તે દુનિયામાં સર્વત્ર ફેલાયેલાં છે. વિશેષત: ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં સારા પ્રમાણમાં જોવા મળે છે.

ચામાચીડિયું

કદ અને દેખાવની ર્દષ્ટિએ જુદી જુદી જાતનાં ચામાચીડિયાંમાં ઘણી ભિન્નતા રહેલી હોય છે. ખુલ્લી જગાએ વાસ કરતાં ચામાચીડિયાં ચળકતા રંગનાં અને ચિહનાંકિત હોય છે, જ્યારે અંધારામાં અને રક્ષિત જગ્યાએ વાસ કરતાં ચામાચીડિયાં કાળી, ભૂરી, લાલ કે પીળી રુવાંટી ધરાવે છે. સામાન્યપણે ચામાચીડિયાનું વજન 5થી 40 ગ્રામ વચ્ચે હોય છે, જ્યારે પાંખનો પ્રસાર 20થી 30 સેમી. હોઈ શકે છે. થાઇલૅન્ડના જંગલી ભૂંડ-નાસિકાવાળા ચામાચીડિયા(hog-nosed bat)નું વજન આશરે 2 ગ્રામ જેટલું હોય છે, જ્યારે ઊડતા શિયાળ (વાગોળ) (flying fox) તરીકે ઓળખાતા ચામાચીડિયાનું શરીર કબૂતર જેટલું અને પાંખનો પ્રસાર 1.5 મીટર કરતાં પણ વધારે હોઈ શકે છે.

ચામાચીડિયાના હાથ પાંખની ગરજ સારે છે. પાંખની આગલી કિનારી બાહુ, અગ્રબાહુ અને પહેલી 3 આંગળીઓની બનેલી હોય છે, જ્યારે પાંખની નીચલી કિનારી ત્રીજી આંગળીથી પગ વચ્ચે પ્રસરેલી હોય છે. અંગૂઠો છૂટો રહે છે. પગ સામાન્યપણે નબળા રહે છે. જોકે કેટલાંક ચામાચીડિયાં પાંખને વાળી પગોની મદદથી ચાલી શકે છે. અન્ય કેટલાંક બિલકુલ ચાલી શકતાં નથી. પગ પરના નહોર તીણા હોય છે. તેની મદદથી ચામાચીડિયું ડાળખી પર લટકે છે.

સૂર્યાસ્ત થતાં તે સજાગ બની ખોરાકની શોધમાં નીકળે છે. તે ખોરાક પકડવા ખુલ્લી જગ્યા, ગાઢ જંગલ અથવા તળાવ ઉપરનાં ક્ષેત્ર જેવી જગ્યાએ જાય છે. મોટા ભાગનાં ચામાચીડિયાં કીટભક્ષી (insectivorus) હોય છે. કેટલાંક નહોરની મદદથી માછલી પકડે છે. બીજાં કેટલાંક, સરીસૃપો કે ઉંદરનું ભક્ષણ કરે છે. થોડાંક ચામાચીડિયાં સ્વજાતભક્ષી (cannibal) પણ હોય છે. વેમ્પાયર ચામાચીડિયું ખોરાક તરીકે અન્ય પ્રાણીઓનું લોહી ચૂસે છે. ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વાસ કરતાં ઘણાં ચામાચીડિયાં વનસ્પત્યાહારી જીવન ગુજારે છે. ફળ ખાનાર ચામાચીડિયાં ફળના કકડા કરી રસને ચૂસે છે. પરાગરજ અને બીજનો ફેલાવો કરવામાં તે મદદરૂપ નીવડે છે. ચામાચીડિયાં ખાઉધરાં હોય છે અને એક રાત્રિમાં પોતાના શરીરના વજનના 50 % જેટલા ખોરાકનું પ્રાશન કરે છે.

જૂજ ચામાચીડિયાં અંધારામાં ગંધગ્રાહી તેમજ પ્રકાશગ્રાહી અંગોની મદદથી માર્ગક્રમણ કરે છે. મોટા ભાગનાં ચામાચીડિયાં માર્ગ શોધી કાઢવા પ્રતિધ્વનિનો ઉપયોગ કરે છે. ઉડ્ડયન દરમિયાન તીવ્ર ગતિના ધ્વનિતરંગો હવામાં છોડે છે. આ તરંગો માનવી માટે અશ્રાવ્ય હોય છે. વિશિષ્ટ હેતુ હાંસલ કરવા અથવા નિર્દિષ્ટ ભક્ષ્યને પકડવા તે ધ્વનિલહરીને નિશ્ચિત દિશાએ વાળે છે. ધ્વનિલહરીને વાળવા કેટલાંક ચામાચીડિયાં નાકના છેડે પાંદડાં જેવું પ્રવર્ધ ધરાવે છે. વળી હોઠની મદદથી પણ તે ધ્વનિલહરીને વાળી શકે છે. પ્રતિધ્વનિના શ્રવણથી ભક્ષ્ય કઈ દિશાએ ઊડે છે અને કેટલે અંતરે છે તેનો ખ્યાલ મેળવે છે.

સમશીતોષ્ણ પ્રદેશમાં વાસ કરતાં કેટલાંક ચામાચીડિયાં સ્થળાંતર (migration) કરી વિપરીત ઠંડીને ટાળે છે. અન્ય કેટલાંક, શીતસમાધિ (hibernation) લે છે. શીતનિદ્રા અનુભવતાં ચામાચીડિયાં શરીરમાં સંઘરેલ ચરબીના દહનથી કાર્યશક્તિ મેળવતાં હોય છે.

સામાન્યપણે નર અને માદા ચામાચીડિયાં અલગ રહેતાં હોય છે. કેટલીક જાતમાં નર અને માદાની વસાહતો પણ જુદી જુદી હોય છે. માત્ર પ્રજનનકાળ દરમિયાન તે એકત્ર થાય છે. પ્રજનનકાળ વસંત, શિશિર કે શરદ ઋતુ હોઈ શકે છે. સમાગમ દરમિયાન મેળવેલ શુક્રકોષોને માદા શરીરમાં સાચવે છે અને અમુક સમય પસાર થતાં અંડકોષનું ફલન થાય છે. વસંત ઋતુમાં ગર્ભધારણ કરતી માદા પરિચર્યા વસાહત(nursing-colony)માં રહેવા જાય છે. ત્યાં સંતાન જન્મે છે અને તેની સંભાળ રાખવામાં આવે છે. બચ્ચાની સંભાળના સમયનો ગાળો આશરે 3 મહિના સુધીનો હોય છે. આ સમય દરમિયાન બચ્ચું માતાને ચીટકીને રહે છે. સામાન્યપણે માદા દર વર્ષે માત્ર એક બચ્ચાને જન્મ આપે છે. જોકે કેટલાંક 2 અને કેટલાંક 4 બચ્ચાંને પણ જન્મ આપતાં હોય છે.

ચામાચીડિયાંની કેટલીક જાતો : (1) વનવાગોળ (Pteropus medius) : ગામડાં કે શહેરમાં માનવવસ્તીના સાન્નિધ્યમાં રહેતાં આ ચામાચીડિયાં માનવથી પરિચિત હોય છે. તે સામાન્યપણે ડાળખી પર લટકીને જીવન પસાર કરે છે. તે વનસ્પત્યાહારી હોય છે. જામફળ, ટેટા, બોર વગેરે ફળો તેમનો મનગમતો ખોરાક છે. તે ખોરાકના કકડા કરી મોંમાં ભરી એકાંત સ્થળે ઉયન કરે છે અને ત્યાં નિરાંતે કકડાને ચૂસે છે. તેથી વનવાગોળના વાસવાળા ઝાડ નીચે ફળોના ટુકડા પથરાયેલા જોવા મળે છે. વનવાગોળ આશરે 25 સેમી. લાંબી હોય છે. તે માર્ચ-એપ્રિલ મહિનામાં બચ્ચાને જન્મ આપે છે. Pteropus gigenticus અમદાવાદમાં મોટા બાગબગીચાઓમાં વડના ઝાડ ઉપર મોટા જૂથમાં જોવા મળે છે.

મલાયામાં વાસ કરતી કૅલંગ અથવા કૅલોન્ગ વનવાગોળની પાંખનો પ્રસાર 1.5 મીટર જેટલો હોય છે.

(2) કેળાભક્ષી વનવાગોળ (cynopterus sphinct gangeticus) : તે કેળના ઉદ્યાનમાં અથવા તેની આસપાસ વાસ કરતી હોય છે. કેળાં તેને ખૂબ ભાવે છે.

(3) માંસાહારી ચામાચીડિયાંની આશરે 100 જેટલી જાતો ભારતમાં વસે છે. ભારતમાં લગભગ બધે સ્થળે મળતું માંસાહારી ચામાચીડિયું (Indian Pipistrella) નાની પૂંછડી ધરાવે છે. તે સંધ્યા ચામાચીડિયું (evening bat) કહેવાય છે. શાસ્ત્રીય નામ Vesperugo abramas. કીટકો તેનો મુખ્ય આહાર હોય છે.

(4) વેમ્પાયર ચામાચીડિયું : તેની નાસિકાના છેડે પાંદડાં જેવું પ્રવર્ધ હોય છે. દક્ષિણ અને મધ્ય અમેરિકાના વેમ્પાયરની એક જાત લોહી ચૂસીને જીવે છે. તે સૂતેલા ભક્ષ્ય પાસે, ચાલીને જઈ, પોતાના તીણા દાંતથી કરડી તેની ચામડીના ટુકડાને અલગ કરે છે અને તે ઘામાંથી લોહી ચૂસે છે. કોઈક વાર તે માણસને પણ કરડે છે. તેની આ ટેવને લીધે પાલતુ જાનવરમાં તેરેબીઝ જેવાં ચેપી જંતુઓનો ફેલાવો કરે છે.

(5) કોળી ચામાચીડિયું (fisherman bat) : તે ખોરાક તરીકે માછલી પકડે છે.

દિલીપ શુક્લ