ચાકી (nut) : ચોરસ (4 પાસાંવાળું) અથવા ષટ્કોણીય (6 પાસાંવાળું) પ્રિઝમ આકારવાળું અને બોલ્ટના બાહ્ય આંટા સાથે જોડાણ કરીને યંત્રના ભાગોને ચુસ્ત રીતે જકડી રાખનારું સાધન.
ઇજનેરી ઉદ્યોગમાં હંગામી બંધક (fastener) તરીકે ચાકીનો ઉપયોગ બોલ્ટ અથવા સ્ક્રૂ સાથે થાય છે. તે યંત્ર અથવા સંરચના(structure)ના ભાગોને મજબૂત રીતે જોડી રાખે છે; પરંતુ જરૂર પડે ત્યારે જોડેલા ભાગોને ચાકી ખોલી સહેલાઈથી છૂટા પાડી શકાય છે. આ પ્રકારની પરિવર્તનક્ષમતા (flexibility) રિવેટ કે વેલ્ડિંગ જેવા કાયમી બંધકમાં મળતી નથી. ચાકીના આ પરિવર્તનક્ષમતાના ગુણને કારણે એવું ભાગ્યે જ કોઈ યંત્ર, સાધન, સંરચના અથવા ઘરગથ્થુ સાધન હોય છે જેમાં ચાકીનો બોલ્ટ સાથે ઉપયોગ થયો ન હોય.
સામાન્યત: ચાકી ચોરસ અથવા ષટ્કોણીય પ્રિઝમ આકારની હોય છે. તેના પ્રિઝમમાં વચ્ચોવચ બોલ્ટની દાંડીના વ્યાસ જેટલા માપનું પોલાણ હોય છે, જેમાં આંતરિક બાજુએ આંટા પાડેલા હોય છે. આ આંટા અલગ અલગ પ્રકારના અને જુદા જુદા અંતરાલ(pitch = બે ક્રમિક આંટા વચ્ચેના અંતર)ના હોય છે. સામાન્યત: ચાકીને, આંટાના પ્રકાર, વચ્ચેના પોલાણનું માપ તથા આંટાના અંતરાલના આધારે ઓળખવામાં આવે છે. ચાકીનું બોલ્ટ સાથે જોડાણ કરવા અથવા તેને છૂટી પાડવા પાના(spanner)નો ઉપયોગ થાય છે. ચાકીમાં પ્રિઝમના ઉપરના ખૂણા 30°ના ખૂણે અપકોણીય (chamferred) કરેલા હોય છે, જેને લઈને ચાકી ઉપર પાનું આસાનીથી બેસી શકે છે અને ચાકીના ખૂણાની ધાર વાગવાનો ભય રહેતો નથી. ચાકીના અંદરના આંટા, તેના બહારનાં માપ, ઊંચાઈ વગેરે જુદા જુદા માનક (standard) મુજબ નક્કી કરેલાં હોય છે.
પાના વડે બોલ્ટ ઉપર ચુસ્ત રીતે બેસાડેલી ચાકી થડકાર કે ધ્રુજારી (vibration) તથા વપરાશને કારણે ઘણી વખત ઢીલી પડી જાય છે અને તેને ફરી બરાબર બેસાડવામાં ન આવે તો ઘણી વખત નીકળી પણ જાય છે. આ રીતે ચાકી નીકળી જવાને કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. આમ એક બાજુ ચાકીની પરિવર્તનક્ષમતા યંત્રોના ભાગ છૂટા કરવા હોય ત્યારે મદદરૂપ બને છે તો બીજી બાજુ તે જ પરિવર્તનક્ષમતા અકસ્માત પણ નિપજાવી શકે છે. તેથી ચાકીને ઢીલી પડી જતી અટકાવવી જરૂરી છે. જોકે સમય પસાર થતાં, કાટ લાગવાથી અથવા આંટામાં કચરો જમા થવાથી ચાકી ઢીલી થતી અટકે છે; પરંતુ તે અવરોધ સામાન્ય પ્રકારનો હોય છે અને તેના ઉપર ભરોસો રાખી શકાય નહિ. તેથી ચાકીને ઢીલી થતી અટકાવવા માટે બંધન-ચાકી (lock nut) અથવા કેટલીક યાંત્રિક પ્રકારની બંધન રચનાઓ (locking devices) ઉપયોગમાં લેવામાં આવે છે. બંધન-ચાકી વાપરવામાં આવે ત્યારે મુખ્ય તથા બંધન એમ બંને ચાકીઓને બે બાજુથી અપકોણીય કરેલી હોય છે. મુખ્ય ચાકી પાના વડે કસીને બેસાડ્યા બાદ તેના ઉપર બંધન-ચાકીને કસીને બેસાડવામાં આવે છે. આ પ્રકારની રચના ચાકીને ઢીલી પડતી અટકાવે છે.
ચાકીના જુદા જુદા પ્રકારોનો આધાર તેનો કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે તેના ઉપર રહેલો છે.
હાથથી ફેરવીને બેસાડી શકાય તેવી ચાકીને વિંગ-નટ કહે છે. આનો ઉપયોગ હૅક્સો-બ્લેડમાં થાય છે. ફલૅન્જ્ડ-ચાકી(આકૃતિ નં.3)માં 6 પાસાંવાળી ચાકીમાં નીચે સમતલ તકતી લગાડેલ હોય છે જે વધારે જગ્યાની પકડ આપે છે. કૅપ-ચાકી(આકૃતિ 4)માં 6 પાસાંવાળી ચાકી ગોળાકાર ટોપી જેવી હોય છે જે બોલ્ટના ઉપરના ભાગને ખવાતો અટકાવે છે. ડોમ-ચાકી (આકૃતિ 5)માં ઉપરનો ભાગ ઘુમ્મટ આકારનો હોય છે. કૅપ્સ્ટન-ચાકી(આકૃતિ 6)માં વર્તુળાકાર સપાટીમાં કાણાં પાડેલાં હોય છે, જેની મદદથી પાના વડે ચાકી ફેરવી શકાય છે.
લૉકચેક-ચાકી(આકૃતિ 7)માં બે ચાકી એકબીજી સાથે મજબૂતાઈથી જકડવામાં આવે છે, જેથી ધ્રુજારીથી તે ફરતી નથી.
સ્પિલ્ટ પિન(આકૃતિ 8)માં ચાકી, બોલ્ટમાં કાણું પાડી પિન પસાર કરી તેના છેડા ખોલીને વાળી નખાય છે, જેથી પિન નીકળી ન જાય. આમ પિન ચાકીને ફરતી અટકાવે છે. કાપેલી ચાકી(sawn nut) (આકૃતિ 9)માં ચાકીને અડધે સુધી કાપી તેમાં સેટ-સ્ક્રૂ કે નાનો બોલ્ટ બેસાડવામાં આવે છે જેથી બોલ્ટ અને ચાકી વચ્ચેના આંટા એકબીજા સાથે દબાણથી જકડી શકાય.
કેસલ ચાકી(આકૃતિ 10)માં ચાકીના ઉપરના ભાગમાં ખાંચા પાડેલા હોય છે અને બોલ્ટમાં પણ કાણાં પાડેલાં હોય છે. તેમાંથી પિન પસાર કરી ચાકીને ફરતી અટકાવાય છે.
લૉકિંગ સ્ક્રૂની મદદથી (આકૃતિ 11) ચાકીની એક બાજુ પાસાની અડોઅડ નાનો સ્ક્રૂ બેસાડીને તેને ફરી જતી અટકાવી શકાય છે.
લૉકિંગ પ્લેટ(આકૃતિ 12)માં ચાકીની આસપાસ ખાંચાવાળી પ્લેટ ચુસ્ત બેસાડીને તેને ફરી જતી અટકાવી શકાય છે.
હરેશ જયંતીલાલ જાની
વાય. કે. ત્રિવેદી