ચાંચડ : મનુષ્ય, પશુઓ અને પક્ષીઓનાં શરીરમાંથી લોહી ચૂસી બાહ્યપરોપજીવી તરીકે જીવન ગુજારતો ચૂસણપક્ષ (siphonoptera) શ્રેણીના પ્યુલીસીડી કુળનો કીટક. ચાંચડમાં જડબા હોતાં નથી. બકનળી જેવી નળીથી લોહી ચૂસે છે. તેનાં ઈંડાં સુંવાળાં, ચળકતાં અને લંબગોળ હોય છે. તે જમીનની તિરાડોમાં ભરાઈ રહે છે. એક માદા આશરે 450 જેટલાં ઈંડાં મૂકે છે. 1થી 12 દિવસમાં ઈંડાંનું સેવન થતાં નીકળેલી ઇયળો સફેદ અને બદામી રંગના માથાવાળી હોય છે. અને દરેક ખંડ ઉપર વાળની હાર હોય છે. આવી ઇયળો સેન્દ્રિય પદાર્થો પર જીવે છે. ઇયળો 7થી 15 દિવસમાં પુખ્ત બનતાં રેશમી તાંતણા અને કચરાથી બનાવેલ આવરણવાળા કોશેટા બનાવે છે. તે ખોરાક સિવાય મહિનાઓ સુધી જીવી શકે છે. કોશેટામાંથી પુખ્ત ચાંચડ નીકળે છે. તે સામાન્ય રીતે 33 દિવસ જીવે છે. લોહી ચૂસ્યા સિવાય માદા ઈંડાં મૂકતી નથી. મનુષ્ય ઉપરાંત પાલતુ પ્રાણીઓમાં પણ તે ઉપદ્રવ કરે છે. ઉંદર પર જીવતા ચાંચડ મારફત મનુષ્યમાં પ્લેગનો ફેલાવો થાય છે. પ્લેગના જીવાણુ (bacteria) યોરસિના પેસ્ટીસ(Yursina pastis) ચાંચડમાં આશ્રય લે છે. જુદી જુદી જાતના ચાંચડ જુદા જુદા રોગનો ફેલાવો કરી શકે છે. આ કીટકના નિયંત્રણ માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. મેલાથીઓન 5 % ભૂકારૂપ દવા કૂતરાના ચાંચડ માટે વાપરવાથી ચાંચડ મરી જાય છે. ઘરમાં થતા ચાંચડ માટે મેલાથીઓન 1 %નું પ્રવાહી મિશ્રણ દર 100 ચોમી. જગ્યા દીઠ 10 લિટર પ્રમાણે છાંટવું.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ