ચાંચ : ખોરાકને પકડવા કે માળો બનાવવા માટેનું પક્ષીનું એક અગત્યનું અંગ. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતા પક્ષી માટે ઉષ્ણ કટિબંધ, અતિશીત ઉત્તર ધ્રુવપ્રદેશ, ઊંચા પહાડનું શિખર, ખીણમાં આવેલી ગુફા, હિમપ્રદેશ કે ગીચ વન જેવાં રહેઠાણો અનુકૂળ હોય છે. તે ત્યાં ઉપલબ્ધ વિવિધ પ્રકારનો આહાર લે છે.
અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની જેમ પક્ષીને મુખ પર બે જડબાં હોય છે અને તેના આગલે છેડે ચાંચ આવેલી હોય છે. સસ્તનોમાં માત્ર નીચલું જડબું ગતિશીલ (kinetic) હોય છે. પક્ષીઓમાં બંને જડબાં ગતિશીલ હોય છે. ચાંચ શૃંગી પદાર્થની બનેલી હોય છે. પક્ષીને દાંત હોતા નથી. ખોરાકને ખેંચવા, ખોરાક પરની પકડ મજબૂત બનાવવા, ભોંકવા, ચીરવા, ખોરાકના ટુકડા કરવા માટે પક્ષી મુખ્યત્વે ચાંચ પર આધાર રાખે છે. મુખગુહાની અંદરની સપાટી ખરબચડી હોવા ઉપરાંત તે શૂળ, શલ્કો, તાંતણા જેવા પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો ખોરાકને પકડવા અને તેને અન્નનળી તરફ ધકેલવા સહાય કરે છે અને ભક્ષ્યને મોંમાંથી છટકી જતાં અટકાવે છે. ઘણાં પક્ષીઓમાં મુખગુહાની એક અથવા બંને સપાટીએ લાંબી ખાંચો આવેલી હોય છે. તે પણ ખોરાકને અન્નનળી તરફ ખસેડવામાં મદદ કરે છે.
ચાંચનું કદ, તેનો આકાર, તેની મજબૂતાઈ, તીક્ષ્ણ ધારવાળી ચાંચ વગેરે ખોરાક ગ્રહણ કરવા ઉપયોગી છે.
મોટે ભાગે ચાંચ રંગે કાળી હોય છે. જોકે તેનો રંગ પીળો, લાલ કે વાદળી હોય છે. રંગને લીધે પ્રજનનકાળ દરમિયાન સાથીઓ એકબીજાને આકર્ષે છે.
(1) બીજ ચણનાર પક્ષીની ચાંચ : ચાંચ નાની, સીધી અને શંકુ આકારની હોય છે. ફળમાં ચાંચ ઘૂસાડીને ચમચીના જેમ તેને પકડીને મોંમાં મૂકે છે. ચકલી, કબૂતર અને કદમાં નાનાં ઘણાં પક્ષીઓ બીજાહારી હોય છે.
શંકુવૃક્ષ (coniferous tree) પરના બીજને ગ્રહણ કરનાર ક્રૉસ-બિલ પક્ષીનાં જડબાં એકબીજાં પર ચડી ગયેલાં હોય છે. અને તે મૂળમાં રહેલાં સૂકાં બીજને ઉખાડીને ખાવા ટેવાયેલાં હોય છે.
(2) ખોરાક કાપતી પક્ષીની ચાંચ : પોપટને ખોરાકને પકડી ખાતાં ઘણાએ જોયો હશે. વટાણાની શિંગને છોલી તે સૌપ્રથમ દાણાને અલગ કરે છે. ત્યારબાદ તેના ઉપલા સ્તરને ઉખેડી માત્ર અંદર રહેલ ગર્ભને તે આરોગે છે. જુવાર કે બાજરીના દાણાને પણ ખોતરીને માત્ર ગર્ભ ખાય છે. વળી રસયુક્ત ટમેટાં જેવામાં તીણી ટોચની મદદથી કાણું પાડી રસને ચૂસે છે.
કાગડા અને મહાકાગ (Indian tree pie) જેવાં પક્ષીઓની ચાંચ પ્રમાણમાં સહેજ લાંબી અને મજબૂત હોય છે. ટોચની ધાર સહેજ તીક્ષ્ણ હોય છે. કાગડા મિશ્રાહારી હોય છે. તે ખોરાકના ટુકડા અલગ કરીને અથવા ખોરાકમાં ચાંચ ઘુસાડીને ખોરાકને મોંમાં ધકેલે છે.
(3) કીટકભક્ષી પક્ષીઓની ચાંચ : કોશિયો (king crow) અબાબીલ (swift), નીલકંઠ, પતરંગા (bee-eater) જેવાં કીટકભક્ષી પંખીઓ હવામાં અધ્ધર ઊડતાં પક્ષીઓને પકડી તેનું ભક્ષણ કરે છે. મોટા ભાગનાં કીટકભક્ષી પક્ષીઓ ઊડતી વખતે મોં ખુલ્લું રાખે છે અને ઉયન કરતાં કીટકોને પકડી ઝડપથી મોં બંધ કરી દે છે. કીટક (દા.ત., વાણિયો) કદમાં સહેજ મોટો હોય તો લીલું કીટકભક્ષી (green bee-eater) પકડેલ ભક્ષ્યને પછાડી ત્યારબાદ ખોરાકને મોંમાં ધકેલે છે. લાલપીઠ લટોરી (red backed shrike) તો પોતાના મજબૂત તીક્ષ્ણ જડબાની મદદથી પકડેલાં ડાળખીનો ઉપયોગ શૂળની જેમ કરી તીતીઘોડા જેવા કીટકોને પ્રથમ ભોંકીને ખોરાકને ખાય છે.
ઢોર બગલો (cattle egret) જાનવરની પાછળ ફરતો જોવા મળે છે. તે ઢોરનાં પગલાંથી ચમકીને ઊડતા કીટકોને પકડી ખાય છે.
હુડહુડ (hoopoe) જમીન પરના કીટક અને અન્ય જંતુઓને પકડીને ખાય છે. તેની ચાંચ સહેજ લાંબી અને ટોચ તીણી હોય છે. ખોરાક ગ્રહણ કરતી વખતે સૌપ્રથમ ચાંચને બંધ કરી તેને પોચી જમીનની અંદર ઘુસાડે છે. ત્યારબાદ મોં પહોળું કરી જડબાંનો ઉપયોગ ચીપિયાની જેમ કરી ખોરાકને પકડીને મોંમાં લે છે.
લક્કડખોદ(wood pecker)ની ચાંચ તીણી, લાંબી અને અત્યંત મજબૂત હોય છે. ચાંચની મદદથી લાકડામાં કે છાલમાં કાણું પાડી ત્યાં વસતા કીટકોને પકડે છે. જો ખાંચામાં કીટકો રહેતા હોય તો તેને પકડવા જીભનો ઉપયોગ કરે છે.
ઘણાં પક્ષીઓ પાણીમાં તરતા કીટકોને પકડીને ખાતાં હોય છે. આવાં પક્ષીઓની ચાંચ પહોળી હોવાથી કીટકોને સહેલાઈથી પકડી શકાય છે.
(4) મત્સ્યભક્ષી પક્ષીઓની ચાંચ : સામાન્યપણે માછલાં ખાનાર પક્ષીઓની ચાંચ લાંબી અને સીધી હોય છે. પ્રમાણમાં જડબાંની કિનારી સહેજ ધારવાળી જ્યારે ટોચ બુઠ્ઠી હોય છે. માછલીને જોઈને તરત જ ઝડપથી ચાંચને પાણીમાં બોળે છે અને માછલીને આડી પકડે છે. ચાંચની કિનારી ધારવાળી હોવાથી માછલી છટકી શકતી નથી.
માછલી પકડનાર પક્ષીઓ નદી કે તળાવ કિનારે, કૂવાની પાળ પર અથવા તો ડાંગરની ક્યારીમાં પણ કોઈક વાર જોવા મળે છે. કેટલાંક પક્ષીઓ દરિયાકિનારે ફરતાં હોય છે. કેટલાંક વળી પાણીની સપાટીથી સહેજ ઉપર ઊડતાં હોય છે અને માછલીને જોતાંની સાથે ઝડપથી પકડે છે. માછલીખાઉ પક્ષીઓ જિંગા, કરચલા, દેડકાં જેવાંને પણ પકડતાં હોય છે. સર્પગ્રીવ જળકાગડા (snake bird)ની ડોક લાંબી હોય છે જેથી ઊંડાઈએ વાસ કરતી માછલીને પણ તે પકડી શકે છે. કલકલિયો (king-fisher), સારસ (crane) અને સફેદ ગળાવાળા ઢોંક (white necked stork), ફાટી ચાંચ (open bill stork), ધોકડા વગેરે વિવિધ પ્રકારનાં બગલાં (herons) જળચર પ્રાણીઓને પકડીને ખાય છે.
કેટલાંક બગલાં અને ટર્ન જેવાં પક્ષીઓની ચાંચ લાંબી હોવા ઉપરાંત તીણી હોય છે. આવી ચાંચ ભાલાની જેમ ભોંકીને માછલીને પકડે છે. પૅન(pelican)ની ચાંચ લાંબી અને ચપટી હોય છે. તેના નીચલા જડબા સાથે કોથળી હોય છે. પૅન પાણીને ઉછાળીને માછલી પકડે છે અને વધારાની માછલીને કોથળીમાં સંઘરે છે.
(5) પાણીને ઉલેચવા અને કાદવને ખસેડવા માટે અનુકૂલન પામેલી ચાંચ : પાણીમાં અને જળાશયોની આસપાસ રહેતાં બતક, ચકવો (brahmin duck), રાજહંસ (barheaded goon), ગયણો (shoveller), સુરખાબ (flamingo), કાજિયા (cormorant), કાંકરોલી (ibis) અને ચમચો (spoon-bill) જેવાં પક્ષીઓની ચાંચ લાંબી અને મોટે ભાગે ચપટી હોય છે. વળી બતક જેવાં પક્ષીઓને તો મુખગુહામાં તાંતણા જેવા લાંબા પ્રવર્ધો હોય છે. આવાં પક્ષીઓ ચાંચની મદદથી પાણીને ઉછાળીને તળિયે આવેલ કાદવને ખસેડીને નાનાંમોટાં જળચર પ્રાણીઓ ઉપરાંત પાંદડાં, તાંતણા જેવી વનસ્પતિને પકડી, ગાળણક્રિયા દ્વારા પાણીને બહાર ફેંકે છે. પૅન પક્ષી પણ પોતાની ચાંચનો ઉપયોગ પાણીને ઉલેચવા કરે છે.
(6) માંસભક્ષી પક્ષીઓની ચાંચ : સમડી (black kite), બાજ (sparrow hawk), ધોળવો ગરુડ (tawny eagle) જેવાં પક્ષીઓ નાનાંમોટાં પ્રાણીઓને જીવતાં પકડીને ખાતાં હોય છે. આ પક્ષીઓની ઉપલી ચાંચ ઝડપી હલનચલન (highly kinetic) કરે છે. તેની ટોચ અત્યંત મજબૂત અને તીણી હોય છે. સમડી તો ચાંચની મદદથી હાડકાંને પણ તોડે છે. તે ટોચની મદદથી માંસને ફાડે છે અને તેને ચીરીને ટુકડા કરી ખાય છે. આ પક્ષીઓ સામાન્યપણે પગના તીણા નહોરની મદદથી જીવતાં પ્રાણીઓને પકડી અને ઊંચકીને સલામત સ્થળે લઈ જઈને નિરાંતે ખાય છે.
ગીધ જેવાં પક્ષીઓ મરેલાં ઢોર, ગધેડા અને ઊંટ જેવાં પ્રાણીઓના માંસનું ભક્ષણ કરે છે. પરિસરને સ્વચ્છ રાખનાર ગીધ માનવસ્વાસ્થ્યની ર્દષ્ટિએ અત્યંત ઉપયોગી પ્રાણી છે.
(7) ફૂલોનો રસ ચૂસક પક્ષીઓની ચાંચ : સક્કરખોર (sun bird) જેવાં પંખીઓ ફૂલોની અંદર આવેલા સ્વાદિષ્ટ રસને ચૂસી તેનું ભક્ષણ કરે છે. શરીરના કદના પ્રમાણમાં આવાં પક્ષીઓની ચાંચ લાંબી અને નળિયાકાર હોય છે. તે ફૂલની પાસે અધ્ધર ઉડ્ડયન કરી એક જ જગ્યાએ સ્થિર બનીને પોતાની ચાંચને ફૂલની અંદર ઘુસાડે છે અને મધુર રસનું પાન કરે છે.
ચાંચની અન્ય ઉપયોગિતા : ચાંચનો ઉપયોગ ખોરાક પકડવા અને ગ્રહણ કરવા પૂરતો મર્યાદિત નથી. દુશ્મનો સાથે લડવામાં પણ ઘણી વાર પક્ષીઓ ચાંચનો ઉપયોગ કરે છે. માળો બાંધવામાં, પાંદડાં, ઘાસ, નાની ડાળખી, તાંતણા જેવી સામગ્રીને ચાંચની મદદથી તે ભેગી કરે છે ને માળો બાંધવા ચાંચની મદદથી કાદવ પણ એકઠો કરે છે. દરજીડો ઝાડ પરનાં 3-4 પાંદડાંને સીવી તેમાંથી માળો બનાવે છે. અહીં ચાંચનો ઉપયોગ સોય તરીકે થાય છે. સુગરી (weaver bird) પક્ષી ચાંચનો ઉપયોગ માળો ગૂંથવામાં કરે છે.
ઉપેન્દ્ર રાવળ