ચશ્માં : ચશ્માંનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઈ. સ. 150માં કલાડિઅસ ટૉલેમસે ગ્રીક અને રોમન લોકોને કાચના વાસણમાં પાણી ભરીને એ વાસણનો ઉપયોગ પદાર્થને મોટો કરીને જોવામાં થતો હોવાનું નોંધ્યું છે. 1270માં માર્કો પોલોએ ચીનના લોકો દૃષ્ટિ સુધારવા માટે દૃગકાચનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારથી પ્રથમ બહિર્ગોળ કાચનો ઉપયોગ મોટી ઉંમરના લોકો માટે થવા માંડ્યો. પંદરમી સદીમાં અંતર્ગોળ કાચ વાપરવાની શરૂઆત થતાં લઘુદૃષ્ટિ દોષવાળા લોકોને એનો ફાયદો મળવા માંડ્યો. કાન ઉપર રહે એવી દાંડી સાથેનાં ચશ્માં પ્રથમ ઍડવર્ડ સ્કાર્લેટે 1727–30 દરમિયાન તૈયાર કર્યાં. એક જ દૃગકાચ (મૉનોકેલ) ચશ્માંની પ્રથા 1806થી શરૂ થઈ. ઓગણીસમી સદીમાં દૃગકાચ અને ચશ્માંમાં ખૂબ પ્રગતિ થઈ. ચશ્માંને બદલે સ્પર્શ દૃગકાચ (કૉન્ટેક્ટ લૅન્સ)ની પ્રથમ કલ્પના 1845માં સર જૉન હર્શેલને આવી. આજકાલ સ્પર્શ દૃગકાચની ખૂબ બોલબાલા છે, પરંતુ અનુભવી નેત્રચિકિત્સકો તેને સૌંદર્ય પ્રસાધનથી વધારે મહત્વ આપતા નથી.
વક્રીભવનની ખામીને કારણે દૂરનું કે નજીકનું સ્પષ્ટ ન જોઈ શકવાની આંખની ખામીને દૂર કરતી પ્રયુક્તિ (device). પ્રકાશનાં કિરણો જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે ત્રાંસાં થાય છે. આ ક્રિયાને વક્રીભવન (refraction) કહે છે. દૂરથી આવતાં કિરણો આંખના વિવિધ પારદર્શક ભાગો – આંખની સ્વચ્છા (cornea), અગ્રખંડમાંનું પ્રવાહી, નેત્રમણિ તથા પશ્ચખંડમાંના પ્રવાહીમાંથી પસાર થાય છે ત્યારે તેમનું વક્રીભવન થાય છે. તેને કારણે તે ર્દષ્ટિપટલ(retina)ના ર્દષ્ટિબિંદુ (macula) પર એકઠાં થાય છે. ત્યાંથી ઉદભવતી સંવેદનાઓ ચેતા (nerve) દ્વારા મગજ સુધી પહોંચે છે. જો બહારથી આવતાં કિરણો ર્દષ્ટિબિંદુ પર એકઠાં થવાને બદલે તેની આગળ કે પાછળ એકઠાં થઈ શકે તેવી રીતે વાંકાં થયેલાં હોય તો તેનાથી ઉદભવતું પ્રતિબિંબ અસ્પષ્ટ બને છે અને તેને આંખની વક્રીભવનની ક્ષતિ અથવા ખામી (error of refraction) કહે છે (આકૃતિ 1).
આંખનાં પારદર્શક માધ્યમો, અને ખાસ કરીને નેત્રમણિમાં વિકૃતિ હોય તો અથવા ર્દષ્ટિપટલ અને નેત્રમણિ વચ્ચેનું અંતર યોગ્ય પ્રમાણમાં ન હોય તો આ ખામી ઉત્પન્ન થાય છે. આવા સમયે ર્દક્કાચની મદદથી બહારથી આવતાં કિરણોને ર્દષ્ટિબિંદુ પર એકઠાં કરવાં પડે છે. આ ર્દક્કાચને નાકની દાંડી અને બંને કાનની મદદથી યથાસ્થાને રાખવાના ઉપકરણને ચશ્માં કહે છે.
ર્દક્કાચ કે નેત્રમણિના વક્રીભવનાંક (refractory index) તથા સપાટીના વળાંક(curvature)ને આધારે તેની વક્રીભવનક્ષમતા (refracting power) નક્કી થાય છે. ર્દક્કાચની વક્રીભવનક્ષમતા દર્શાવવાનો એકમ ડાયૉપ્ટર છે. દૂરથી આવતાં પ્રકાશનાં સમાંતર કિરણો ર્દક્કાચમાંથી વક્રીભૂત થઈને જે એક સ્થળે એકઠાં થાય છે તેને ર્દક્કાચનું સ્પષ્ટકબિંદુ (focal point) કહે છે. ર્દક્કાચ અને ફોકલબિંદુ વચ્ચેના અંતરને સ્પષ્ટક અંતર (focal distance) કહે છે. જેટલું ફોકલ અંતર ઓછું તેટલી તેની વક્રીભવનક્ષમતા વધુ હોય છે. ડાયૉપ્ટર = 100 ÷ ફોકલ-અંતર (સેમી.). તેથી જેટલું ફોકલ-અંતર ઓછું તેટલો ડાયૉપ્ટર વધુ. બહિર્ગોળ ર્દક્કાચ માટે તે ધન સંખ્યામાં અને અંતર્ગોળ ર્દક્કાચ માટે તે ઋણ સંખ્યામાં દર્શાવાય છે (આકૃતિ 2).
સ્વચ્છાની વક્રીભવનક્ષમતા 42 ડાયૉપ્ટર છે તથા દૂરથી આવતાં કિરણો માટે નેત્રમણિની વક્રીભવનક્ષમતા 20 ડાયૉપ્ટર છે. જ્યારે નજીકનું વાંચવાનું હોય ત્યારે નેત્રમણિના કદમાં અને જાડાઈમાં ફેરફાર થાય છે અને તેથી તેની વક્રીભવનક્ષમતા વધીને 36 ડાયૉપ્ટર થાય છે. નેત્રમણિનો વક્રીભવનાંક 1.40 હોય છે જ્યારે કિનારી પાસે તે ઓછો હોય છે.
વક્રીભવનની ક્ષતિઓ (આકૃતિ 3) : કોઈ પણ પ્રકારની વક્રીભવનની ક્ષતિ વગરની સામાન્ય આંખને યોગ્ય ર્દષ્ટિ અથવા સમર્દષ્ટિવાળી (emmetropic) આંખ કહે છે. આવી આંખમાં દૂરથી આવતાં પ્રકાશનાં કિરણો સીધેસીધાં ર્દષ્ટિબિંદુ પર એકઠાં થાય છે. જો તેવું ન થાય તો તેવી આંખને અયોગ્ય ર્દષ્ટિ અથવા વિષમર્દષ્ટિવાળી (ammetropic) આંખ કહે છે. તે બે પ્રકારની છે : દીર્ઘષ્ટિવાળી અથવા દૂરર્દષ્ટિવાળી (hypermetropic) આંખ, જે દૂરનું સ્પષ્ટ જોઈ શકે પણ નજીકનું બરાબર ન જોઈ શકે અને લઘુર્દષ્ટિવાળી (myopic) આંખ, જે નજીકનું જોઈ શકે પરંતુ દૂરનું બરાબર ન જોઈ શકે.
દીર્ઘર્દષ્ટિ(hypermetropia)વાળી આંખમાં 6 મીટર કે વધુ દૂરથી આવતાં કિરણો ર્દષ્ટિપટલ પર એકઠાં થાય છે; પરંતુ નજીકથી આવતાં કિરણો ત્યાં એકઠાં થઈ શકતાં નથી. તેના બે ઉપપ્રકારો છે : (1) બાળપણનો વિકાર અને મોટી ઉંમરનો વિકાર, બાળપણના દીર્ઘર્દષ્ટિના વિકારવાળી આંખમાં આંખનો ડોળો નાનો હોય છે અને તેમાં શરીરની વૃદ્ધિ સાથે વક્રીભવનકારી ઉપકરણો(સ્વચ્છા, નેત્રમણિ, આંખના પ્રવાહી)ની વૃદ્ધિના પ્રમાણમાં આંખના ડોળાની વૃદ્ધિ ઓછી હોય છે અને તેથી તે નાનો રહી જાય છે. તેને કારણે પ્રકાશનાં કિરણો ર્દષ્ટિપટલની પાછળ કોઈક કાલ્પનિક બિંદુએ એકઠાં થઈ શકે છે. આ ક્ષતિ સુધારવા બહિર્ગોળ ર્દક્કાચની જરૂર પડે છે. બાળકની વૃદ્ધિ સાથે જો આંખનો ડોળો મોટો થાય તો આ ક્ષતિ દૂર થાય છે. (2) મોટી ઉંમરે (40થી 45 વર્ષે) નજીકનું જોવાની ક્ષમતા ઘટે છે. તેને બેતાલાં (presbiopia) કહે છે. તેનું કારણ નેત્રમણિની ઘટેલી સ્થિતિસ્થાપકતા અને તેની આસપાસના સ્નાયુની નબળાઈ હોય છે. જ્યારે સામાન્ય વ્યક્તિ નજીકનું જુએ ત્યારે તેના નેત્રમણિની આસપાસનો સિલિયરી સ્નાયુ સંકોચાય છે અને તેથી નેત્રમણિને લટકાવતો રજ્જુબંધ (suspensary ligament) ઢીલો થાય છે અને નેત્રમણિ જાડો થાય છે. તેથી તેની વક્રીભવનક્ષમતા વધે છે અને તે નજીકથી આવતાં કિરણોને ર્દષ્ટિપટલ પર એકઠાં કરે છે. આ સમયે બંને આંખો નાક તરફ સહેજ વંકાય છે અને કનીનિકા (pupil) નાની થાય છે. આ ત્રણે ક્રિયાઓને અનુકૂલન(accomodation)ની ક્રિયાઓ કહે છે (આકૃતિ 4).
મોટી ઉંમરે આ ક્રિયાઓ નબળી પડે છે અને તેથી બેતાલાંનો વિકાર થાય છે. આ બંને ઉપપ્રકારોમાં બહિર્ગોળ ર્દક્કાચવાળાં ચશ્માં વાપરવાથી આ પ્રકારની ર્દષ્ટિની ખામી દૂર કરી શકાય છે. આવાં ચશ્માંના ર્દક્કાચનો ડાયૉપ્ટર ધન સંખ્યા દ્વારા દર્શાવાય છે અને તેને પૉઝિટિવ નંબર કહે છે.
લઘુર્દષ્ટિ(myopia)ની ખામીવાળી આંખ લાંબી હોય છે અને તેથી ર્દષ્ટિપટલની આગળ કિરણો એકઠાં થાય છે. આ ખામીને દૂર કરવા અંતર્ગોળ ર્દક્કાચવાળાં ચશ્માંની જરૂર પડે છે. આવા ર્દક્કાચનો ડાયૉપ્ટર ઋણ સંખ્યા દ્વારા દર્શાવાય છે. તેને સાદી ભાષામાં નેગેટિવ નંબર કહે છે.
અબિંદુબિંબિતા (astigmatism) : આંખની સ્વચ્છા કે નેત્રમણિની સપાટી કે આકારની અનિયમિતતાને કારણે જો બહારથી આવતાં કિરણો ર્દષ્ટિપટલ પર એક બિંદુ પર એકઠાં ન થઈ શકતાં હોય તો તેને અબિન્દુબિંબિતા વિકાર કહે છે. પ્રકાશનાં કિરણો એક સ્થળે એકઠાં ન થઈ શકવાને કારણે પ્રતિબિંબ ઝાંખું બને છે (આકૃતિ 5).
આ પ્રકારની ખામીને દૂર કરવા માટે નળાકારી (cylindrical) અથવા નળાકારી અને ગોળ-આકારી (spherical) ર્દક્કાચ-સમૂહનો ઉપયોગ કરાય છે. સપાટીની અનિયમિતતાને કારણે ઉદભવતી અબિંદુબિંબિતા, દીર્ઘર્દષ્ટિ તથા એક આંખમાંનો નેત્રમણિ દૂર કર્યો હોય ત્યારે કૉન્ટેક્ટ લેન્સ પણ ઉપયોગી રહે છે.
બહિર્ગોળ ર્દક્કાચમાંથી વક્રીભૂત કિરણો હંમેશ એક બિંદુ પર એકઠાં થતાં નથી. ર્દક્કાચની કિનારી પાસેથી વક્રીભૂત કિરણો સહેજ આગળ એકઠાં થાય છે. સામાન્ય આંખમાં આ વિકારને અટકાવવા કનીનિકા નાની થાય છે અને નેત્રમણિના મધ્યભાગની વક્રીભવનક્ષમતા વધુ હોય છે. તેવી જ રીતે જુદા જુદા રંગનાં કિરણો પણ જુદા જુદા ખૂણેથી વક્રીભૂત થાય છે. માટે પ્રતિબિંબની કિનારી પર મેઘધનુષ્ય જેવા રંગો ઉદભવે છે. આ વિકાર ઘટાડવા આંખનાં વિવિધ પારદર્શક માધ્યમો સક્ષમ હોય છે અને મગજ પણ આવા વિકારને અવગણે છે.
ર્દષ્ટિપટલનિરીક્ષા (retinoscopy) : આંખની વક્રીભવનની ખામીને કારણે ઉદભવતી ક્ષતિ શોધવાની આ એક નિદાનપદ્ધતિ છે. અંધારા ખંડમાં 1 મીટરને અંતરેથી વચ્ચે કાણાવાળા દર્પણમાંથી તપાસનારી વ્યક્તિ દર્દીની આંખમાં જુએ છે. એક બાજુ પરથી આવતો પ્રકાશ દર્પણમાંથી પરાવર્તિત થઈને દર્દીની આંખના ર્દષ્ટિપટલ પર પડે છે અને ત્યાં તેનું પ્રતિબિંબ રચાય છે. જો આંખ સામાન્ય હોય તો દર્પણનું સ્થાન ખસેડવાથી તે જ દિશામાં પ્રતિબિંબ ખસતું લાગે છે. આવું જ દીર્ઘર્દષ્ટિવાળી આંખમાં થાય છે. પરંતુ લઘુર્દષ્ટિવાળી આંખમાં તેથી ઊંધી દિશામાં પ્રતિબિંબ ખસે છે. આનું કારણ આંખમાં એક બિંદુ પર એકઠાં થતાં કિરણો ર્દષ્ટિપટલ પર એક સ્થળે ભેગાં થવાને બદલે આગળ અથવા પાછળ ભેગાં થાય છે. આ તપાસ કરવા માટે કનીનિકા પહોળી કરાય છે અથવા જેવી હોય તેવી જ રખાય છે. ર્દષ્ટિપટલ- નિરીક્ષામાં આંખમાંથી પરાવર્તિત થતું લાલ બિંબ જોવા મળે છે. ર્દષ્ટિપટલનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે નેત્રાંત:દર્શક (ophthalmoscope) વપરાય છે.
ર્દષ્ટિની તીવ્રતા (acuity of vision) : સ્પષ્ટતાથી જોઈ શકવાની ક્ષમતાને ર્દષ્ટિની તીવ્રતા કહે છે. આંખમાં વક્રીભવનની ખામી હોય તો ર્દષ્ટિની તીવ્રતા ઘટે છે. તેને કારણે ઝાંખું અને અસ્પષ્ટ દેખાય છે. તેને શાસ્ત્રીય રીતે બહારના વિસ્તારમાંનાં બે અલગ બિંદુઓને અલગ રીતે પારખવાની ક્ષમતા કહે છે. તેને કારણે પદાર્થની કિનારી અને વળાંકોને સ્પષ્ટપણે જોઈ શકાય છે. બે બિંદુ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને પારખવાની ક્ષમતાને સ્પષ્ટીકરણનો ઉંબર-સ્તર (resolution threshold) કહે છે. જે ઓછામાં ઓછા પ્રકાશમાં જોઈ શકાય તેને ર્દષ્ટિનો ઉંબર-સ્તર (visual threshold) કહે છે. આ બંને અલગ અલગ પ્રકારની ક્ષમતાઓ છે. ર્દષ્ટિની તીવ્રતાને સ્પષ્ટીકરણના સ્તર સાથે સંબંધ છે. ર્દષ્ટિની તીવ્રતા ઓછી હોય તો તે શોધી કાઢવા માટે સ્નેલેનનો ચાર્ટ અથવા લૅન્ડોલ્ટનો ચાર્ટ ઉપલબ્ધ હોય છે. તેના વડે આંખની વક્રીભવનક્ષમતાનો અંક શોધી કાઢીને કેટલા ડાયૉપ્ટરના ર્દક્કાચવાળાં ચશ્માં પહેરવાં પડશે તે શોધી શકાય છે (આકૃતિ 6 અને 7).
સંશોધન માટે લૅન્ડોલ્ટનો ચાર્ટ વપરાય છે, જ્યારે તબીબી પરીક્ષણ અને ચશ્માંનો નંબર કાઢવા માટે સ્નેલેનનો ચાર્ટ વપરાય છે. દર્દીને 6 મીટર દૂરથી વાંચવાનું કહેવામાં આવે છે. 1 મિનિટ જેટલો ર્દષ્ટિકોણ (visual angle) કરતાં બે બિંદુઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ જોઈ શકાય એવી રીતે આ ચાર્ટ બનાવેલા હોય છે. તેથી સ્નેલેનના ચાર્ટ પરના 6 મીટરના અંતરે વંચાયેલી પ્રથમ લીટી 60 મીટરના અંતર સુધીની ર્દષ્ટિની તીવ્રતા દર્શાવે છે. દરેક લીટીની આગળ 60, 36, 24, 18,
12, 9, 6, 5, 4 એમ આંકડા લખેલા હોય છે જે તે લીટીને તેટલા મીટરના અંતરેથી સ્પષ્ટ જોઈ શકાશે એવું દર્શાવે છે. તેથી જો 6 મીટર દૂર બેઠેલી વ્યક્તિ 6 મીટરવાળી લીટીને સ્પષ્ટપણે વાંચી શકે તો તેની ર્દષ્ટિની તીવ્રતા 6/6 કહેવાય છે અને તે સામાન્ય (normal) ર્દષ્ટિ સૂચવે છે. જો તે 5 મીટરવાળી લીટી વાંચી શકે તો તે વધુ સારી ર્દષ્ટિતીવ્રતા સૂચવે છે. પરંતુ જો તે 12 મીટરવાળી લીટી સુધી જ વાંચી શકે તો તેની ર્દષ્ટિની તીવ્રતાને 6/12ની સંજ્ઞા વડે દર્શાવાય છે. 6/30થી 6/60 સુધીની સંજ્ઞાઓ ર્દષ્ટિની ઓછી તીવ્રતા સૂચવે છે. ત્યારબાદ જુદા જુદા ડાયૉપ્ટરના ર્દક્કાચવાળાં ચશ્માં પહેરાવીને યોગ્ય ર્દષ્ટિ (6/6) થાય તે માટે ચશ્માંનો નંબર કાઢી આપવામાં આવે છે. તે સમયે ગોળાકાર ને નળાકાર પ્રકારની ક્ષતિ હોય તો તે પણ શોધી કઢાય છે (આકૃતિ 7).
નાની ઉંમરે શિશુઅવસ્થામાં ર્દષ્ટિની તીવ્રતા ઓછી હોય છે અને તે લગભગ 4–5 વર્ષની ઉંમરે સરખી થાય છે.
નજીકની ર્દષ્ટિની તીવ્રતા માટે પણ ચાર્ટ ઉપલબ્ધ હોય છે. તેના વડે નજીકની ર્દષ્ટિની તીવ્રતાની ખામી તથા તેના ઉપચાર માટેનાં ચશ્માંનો નંબર કાઢી શકાય છે.
શિલીન નં. શુક્લ
રોહિત દેસાઈ