ચલાળા : અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દાના ભગતની જગ્યાને લીધે જાણીતું થયેલ મથક. તે 21° 25’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ધારીથી 19 કિમી. અને અમરેલીથી 25.75 કિમી. દૂર છે. ખીજડિયા-ધારી-વેરાવળ રેલવે ઉપરનું સ્ટેશન છે અને બસવ્યવહાર દ્વારા અમરેલી, બગસરા, ધારી, રાજુલા અને જાફરાબાદ સાથે જોડાયેલું છે.
ચલાળા આસપાસનો વિસ્તાર મગફળી ઉગાડનારો વિસ્તાર છે. તે ઉપરાંત કપાસ, બાજરો, જુવાર વગેરેનું પણ વાવેતર થાય છે. તેલની ઘાણીનો ગૃહઉદ્યોગ ચાલે છે.
અહીં કુમાર અને કન્યાઓ માટેની અલગ હાઈસ્કૂલો, પ્રાથમિક શાળાઓ, પુસ્તકાલય તથા બાલમંદિર છે. વૈદ્યકીય સારવાર માટે આરોગ્ય કેન્દ્ર છે. પશુઓ માટે સ્ટોકમેન-સંચાલિત પશુ-દવાખાનું છે. ખાદીના વણાટકામ માટે ચલાળા જાણીતું છે. અહીં અંબર ચરખાનું પરિશ્રમાલય છે.
ચલાળામાં ઓગણીસમી સદીમાં કાળા ખાચરના પુત્ર ખાચર દાના ભગત થઈ ગયા. તેમની સમાધિ અહીં છે. તેમણે અહીં દુ:ખી અને ગરીબો માટે સદાવ્રત શરૂ કર્યું હતું.
શિવપ્રસાદ રાજગોર