ચલમ (જ. 18 મે 1894, ચેન્નાઈ; અ. 4 મે 1979, અરુણાચલમ્) : સુપ્રસિદ્ધ તેલુગુ નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ વેંકટચલમ્ ગુડિપતિ હતું. તેમનો જન્મ ચેન્નાઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કોમ્મુરી શંભાશિવ અને માતાનું નામ વેંકટ સુબ્બમ્મા હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેનાલી અને કાકિનાડામાં લીધા બાદ ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
1911માં કૉલેજમાં જોડાતાં પહેલાં તેમનાં લગ્ન ચિટ્ટી રંગનાયકમ્મા સાથે થયાં હતાં. હાઈસ્કૂલ પૂરી કરતાં પહેલાં તેમણે તમામ હિંદુ પૌરાણિક કથાઓનો અભ્યાસ કર્યો હતો. તેમના નાનાએ તેમને દત્તક લીધા બાદ તેમની અટક કોમ્મુહીમાંથી ગુડિપતિ થયેલી. તે બ્રાહ્મણ હોવા છતાં જનોઈ પહેરતા ન હતા, બધી જ્ઞાતિઓની વ્યક્તિઓમાં ભળતા અને બિનશાકાહારી પણ બનેલા. અભ્યાસ પૂરો કરીને તેઓ કાકિનાડામાં શિક્ષક તરીકે જોડાયા અને બ્રાહ્મોસમાજની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. પાછળથી તેઓ શાળાના ઇન્સ્પેક્ટર બન્યા, અને ત્રીસ વર્ષ સુધી સેવા આપી.
બ્રાહ્મો તરીકે તેઓ દેવુપલ્લી વેંકટ કૃષ્ણ શાસ્ત્રી જેવા પ્રતિષ્ઠિત કવિના સંપર્કમાં આવ્યા અને ભાવનાશીલ બન્યા. તે પહેલાં તેઓ ક્રાન્તિકારી વિચારો ધરાવતા હતા અને સમાજના નિષેધો અને અવરોધો પર પ્રહાર કરતા હતા. નારી-મુક્તિ માટે દલીલો કરતા પાશ્ચાત્ય વિચારકો મેટરલિંક, હેવલોક ઍલિસ અને અન્યની કૃતિઓનો તેમણે અભ્યાસ કર્યો. વળી તેઓ માલા પિચમ્મા અને ચિન્તા દીક્ષિતુલુ જેવા સત્યના શોધકો દ્વારા છેવટે અરુણાચલમમાં રમણમહર્ષિના શરણે ગયા. તેથી તેમના સંઘર્ષો શમ્યા અને તેમને પરમ આનંદની અનુભૂતિ થઈ.
સાહિત્યિક શૈલીમાં તેઓ ગાય દ મૉપાસાંને અનુસર્યા. તેમની પ્રથમ વાર્તા ‘રુકિમણી’ 1921માં પ્રગટ થઈ. તેમણે 10 નવલકથાઓ, 26 નાટિકાઓ, 7 નાટકો, 8 નિબંધસંગ્રહો, 2 કાવ્યસંગ્રહો અને 83 વાર્તાસંગ્રહો આપ્યા છે. યુવાનવયે તેમણે ‘ધર્મ સાધની’માં ‘ચેટ્ટુકુ ટેગાકુ સંવાદમ્’ (ડિસ્કશન બિટવિન ધ ટ્રી ઍન્ડ ધ ક્રીપર, 1910) શીર્ષક હેઠળ આપ્યું. તેમની પ્રથમ બે નવલકથાઓ – ‘શશીરેખા’ અને ‘દૈવમિચ્છિના ભાર્યા’ તથા નાટકો ‘પદ્મારાણી’ અને ‘ચિતરંગી’ આપ્યાં છે. તેઓ મછલીપટ્ટમમાં કામ કરતા હતા ત્યારે તેમણે ‘હરિશ્ચંદ્ર’, ‘સાવિત્રી’ અને ‘બિડ્ડાલ શિક્ષણ’ લખેલાં.
તેમની અન્ય કૃતિઓમાં ‘વિવાહમ્’, ‘સત્યમ્, શિવમ, સુંદરમ્’, ‘સ્ત્રી’, ‘મૈદાનમ્’, ‘હમ્પી કન્યાલુ’, ‘જીવિતા આદર્શમ્’, ‘વેન્નેલા ટોટા’, ‘મૃત્યુવુ’, ‘પ્રેમઆલેખેલુ’, ‘અમીના’ (4 ભાગમાં), ‘બ્રહ્માણિકમ્’, ‘આનંદમ્’, ‘કવિ’, ‘હૃદયમ્’, ‘સ્ટેશન પમ્પુ’, ‘જયદેવ’, ‘ત્યાગમ્’, ‘પુરુરવા’, ‘બુજ્જિગડુ’, ‘યમુદિમુન્ડુ ચલમ’, ‘રમણસ્થાન’ અને ‘ગીતાંજલિ’નો સમાવેશ થાય છે.
‘શશીરેખા’માં તેમણે સૌંદર્યને જ સત્ય રૂપે આલેખ્યું છે. તેમણે તેમની કૃતિઓમાં પુરાણકથાઓમાંથી રૂઢિઓ અને ક્ષુલ્લક બાબતોને અવગણી, અંતર્નિહિત તથ્યો અને સત્યોને બહાર લાવવા પ્રયત્ન કર્યો છે. તેમની તેલુગુ ભાષા અંગ્રેજી ભાષાની લઢણો, પદો અને રૂઢિપ્રયોગોથી સંમિશ્રિત હતી.
અનિલા દલાલ