ચરેરી (કાળિયો) : જુદા જુદા વિસ્તારમાં ચરેરી, ચરમી, ચરમો, કાળિયો, કાળો ચરમો, ચરેરિયું વગેરે નામોથી ઓળખાતો જીરાનો રોગ. રોગની શરૂઆત થયા પછી તે ઝડપથી ફેલાય છે. આ રોગ દર વર્ષે વધતા-ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે.
રોગની શરૂઆત સામાન્ય રીતે પાક વાવ્યા પછી 30થી 40 દિવસે જ્યારે ફૂલ બેસવાનાં થાય ત્યારે થાય છે. શરૂઆતમાં છોડના બધા જ ભાગો ઉપર નાના સફેદ ડાઘ જોવા મળે છે, જે ઉપદ્રવ વધતાં ભૂખરા લાલ રંગના બને છે અને છેવટે કાળા રંગના ધાબામાં ફેરવાય છે. અંતે આખો છોડ કાળો છીંકણી રંગનો બની જાય છે. રોગ લાગેલા છોડને દાણા બેસતા નથી અને બેઠા હોય તો તે ચીમળાયેલા, ઘણા જ નાના, રંગે કાળા તથા વજનમાં હલકા હોય છે અને અનુકૂળ સંજોગો હોય તો રોગ આખા ખેતરમાં પ્રસરે છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે.
આ રોગને ઠંડું ભેજવાળું હવામાન વધારે માફક આવે છે. પવન, કમોસમી વરસાદ (માવઠું) તેમજ વાદળવાળા દિવસો રોગ માટે બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ પેદા કરે છે. ઝાકળ અને ધુમ્મસ પણ રોગનું પ્રમાણ વધારે છે.
કાબૂમાં લેવાના ઉપાયો : (1) પાકની કાપણી વખતે રોગિષ્ઠ છોડના અવશેષો બાળી નાખવા અને પાકની ફેરબદલી કરતા રહેવું. (2) રોગ બીજ દ્વારા ફેલાતો હોવાથી વાવવા માટે રોગમુક્ત બિયારણ વાપરવું અને બીજને વાવતાં પહેલાં સેરેસાન ડ્રાય અથવા એગ્રોસાયજી એન. નામની ફૂગનાશક દવાનો પટ આપવો (2 ગ્રામ દવા 1 કિગ્રા. બીજમાં ભેળવવી). (3) અગાઉ જણાવ્યા મુજબનું અનુકૂળ વાતાવરણ ઉદભવે અથવા રોગની શરૂઆત જણાય કે તુરત જ ડાયથેન-ઝેડ-78 અથવા ડાયથેન-એમ-45નું 0.2 ટકા લેખે દ્રાવણ 10થી 15 દિવસના ગાળે ત્રણથી ચાર વખત બી પાકટ થાય ત્યાં સુધી છાંટવું. છોડ પર દવાનો એકસરખો અને સંપૂર્ણ છંટકાવ થવો જરૂરી હોય છે. (4) જીરાની એમ.સી. – 43 જાત વાવવા માટે પસંદ કરવી હિતાવહ ગણાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ