ચરબી (tallow) (2) : મુખ્યત્વે પ્રાણીઓના સ્નાયુઓમાંથી મેળવાતો સ્વાદવિહીન, રંગવિહીન સફેદ તૈલી પદાર્થ. સામાન્ય અર્થમાં જાનવરની ચરબી માટે વપરાતો શબ્દ (ટૅલો).
કોઈક વાર લાર્ડ (lard) શબ્દ પણ વપરાય છે, જે ડુક્કરની ચરબી માટે ખાસ વપરાતો શબ્દ છે. ગૌવસા તથા વૃક્કવસા (suet) એ ઘેટાં, ઘોડાં વગેરે જાનવરોનાં કિડની તથા કમર (loins) આજુબાજુની સખત ચરબીમાંથી મેળવાતો સ્વાદવિહીન, રંગવિહીન સફેદ પદાર્થ છે. ટૅલો મુખ્યત્વે પામિટિક, સ્ટીઅરિક તથા ઑલિક ઍસિડના ગ્લિસરાઇડ એસ્ટર છે. આ ચરબી મેળવવા માટે જાનવરના વિવિધ ચરબીજ સ્નાયુઓને કાપી, છોલી, નાના ટુકડા રૂપે મોટા પાત્ર(vat)માં ઉકાળવામાં આવે છે અથવા વરાળ સાથે ગરમ કરવામાં આવે છે. આ ક્રિયા કેટલીક વાર લોખંડના નળાકારમાં વરાળના દબાણ સાથે કરવામાં આવે છે. પાત્ર ઠંડું પડતાં ઉપરના સ્તરને ચરબી યા ટૅલો રૂપે નિતારીને કે સેન્ટ્રિફ્યૂજ કરીને અલગ પાડવામાં આવે છે. તે ઘનસ્વરૂપમાં હોય છે. ટૅલોને જુદો પાડવાની પદ્ધતિ પ્રમાણે તેના પ્રકાર પાડવામાં આવેલ છે. ઉત્તમ પ્રકારનો ટૅલો ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે, જ્યારે નિમ્ન પ્રકારો સાબુ ઉદ્યોગમાં, ચરબીજ ઍસિડના ઉત્પાદનમાં તેમજ ઊંજણ-દ્રવ્યોના ઉત્પાદન માટે વપરાય છે. તેની મીણબત્તીઓ પણ બને છે. હવે સંશ્લેષિત પ્રક્ષાલકોના ઉપયોગને લીધે ટૅલો જાનવરના ખાણ તરીકે તેમજ રસાયણો બનાવવાના આધારદ્રવ્ય તરીકે અને ઊંજણ-દ્રવ્ય તરીકે પણ વપરાય છે.
ગાયના માંસ(beef)ના ટૅલોની વિ. ઘનતા 0.86; ગ. બિં. 40°થી 48° સે.; સાબૂકરણ આંક 190થી 200; આયોડિન આંક 40થી 48. બકરાના માંસ(mutton)ના ટૅલોની વિ. ઘ. 0.85; ગ. બિં. 44°થી 51° સે.; સાબૂકરણ આંક 192થી 198; આયોડિન આંક 35થી 46.
[સરખાવો : ડુક્કરની ચરબી(lard)ની વિ. ઘ. 0.85; ગ.બિં. 33°થી 46°; સાબૂકરણ આંક 190થી 200; આયોડિન આંક 53થી 57°]
જ. પો. ત્રિવેદી