ચરબીજ ઍસિડ : ઍલિફૅટિક શ્રેણીના સંતૃપ્ત તથા અસંતૃપ્ત કાર્બનિક ઍસિડો. ચરબીજ ઍસિડ ગ્લિસરાઇડ તેલો, ચરબીયુક્ત પદાર્થો તથા કુદરતી મીણના જળવિભાજનથી મળે છે. ઍલિફૅટિક ઍસિડ શ્રેણીના પ્રથમ ત્રણ, ફૉર્મિક, એસેટિક તથા પ્રોપિયોનિક ઍસિડ સિવાય બધા ઍસિડ વાસ્તવમાં ચરબીજ ઍસિડ છે.
માત્ર થોડા અપવાદ સિવાય કુદરતમાં મળતા ચરબીજ ઍસિડ બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવે છે. 18 કાર્બનથી વધુ સરળ (straight) શૃંખલાવાળા સંતૃપ્ત ઍસિડ પ્રાણિજ તથા વનસ્પતિજ ચરબીમાં જૂજ પ્રમાણમાં હોય છે જ્યારે 16 કાર્બનથી ઓછા કાર્બનવાળા સંતૃપ્ત ઍસિડ વનસ્પતિજ ચરબીમાં હોય છે. સંતૃપ્ત ઍસિડો પૈકી સૌથી વધુ પ્રમાણ પામિટિક ઍસિડનું મળે છે.
1થી 4 કાર્બન સુધીના ઍસિડ જળદ્રાવ્ય છે. પણ જેમ અણુભાર વધે તેમ તેમની દ્રાવ્યતા ઘટે છે અને કેપ્રોઇક, કેપ્રિલિક તથા કેપ્રિક ઍસિડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. લૉરિક ઍસિડ જેવા ઊંચા અણુભારવાળા ઍસિડ પાણીમાં અદ્રાવ્ય છે. કેપ્રિલિક ઍસિડ સુધીના બધા ઍસિડ પ્રવાહી છે, પણ તે પછીના ઘનસ્વરૂપમાં હોય છે. કેપ્રિક ઍસિડ સુધીના બધા ઍસિડ બાષ્પ-નિસ્યંદનશીલ હોય છે, જ્યારે કેપ્રિક ઍસિડથી ઉપરના ઍસિડમાં માત્ર લૉરિક અને મિરિસ્ટિક ઍસિડ જ સાધારણ માત્રામાં બાષ્પ-નિસ્યંદનશીલ છે. તેની ઉપરના ઍસિડ બાષ્પ-નિસ્યંદનશીલ નથી. અસંતૃપ્ત ચરબીજ ઍસિડ રાસાયણિક રીતે વધુ ક્રિયાશીલ છે તેથી ટૅક્નૉલૉજીની ર્દષ્ટિએ વધુ અગત્યના છે. તેમનાં ગ. બિં. નીચાં હોઈ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે. દ્વિબંધને લીધે તે યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે. તે ગુણધર્મને લીધે તેમનામાંના દ્વિબંધની સંખ્યા નક્કી કરી શકાય છે (આયોડિન આંક).
ઉપશાખાવાળા ચરબીજ ઍસિડ સરળ શૃંખલાવાળા ઍસિડ સાથે સમઘટકતા દર્શાવે છે. દા.ત., વૅલેરિક ઍસિડ C5H10O2ના ત્રણ સમઘટકો છે જે α–મિથાઇલ બ્યૂટિરિક ઍસિડ, આઇસોવૅલેરિક (3-મિથાઇલ-બ્યૂટેનોઇક) ઍસિડ તથા પિવેલિક (ટ્રાઇમિથાઇલ એસેટિક) ઍસિડ તરીકે જાણીતા છે.
અસંતૃપ્ત ઍસિડમાં સમપક્ષ-વિપક્ષ (cis-trans) તથા સ્થાનીય સમઘટકતા જોવા મળે છે. વૅક્સેનિક ઍસિડ સિવાય બાકીના કુદરતી અસંતૃપ્ત ઍસિડ સમપક્ષ સ્થિતિમાં હોય છે તથા સિલીનિયમ (Se) સાથે ગરમ કરવાથી અથવા નાઇટ્રસ ઑક્સાઇડ કે સલ્ફર ડાયૉક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં વિપક્ષરૂપમાં પરિવર્તન પામે છે. દા.ત., ઓલિક ઍસિડ સમપક્ષરૂપ છે તેનું ઇલેઇડિક ઍસિડ વિપક્ષ સ્વરૂપમાં પરિવર્તન થાય છે. આ પ્રક્રિયા ઇલેઇડીન પ્રક્રિયા તરીકે જાણીતી છે.
આવા અસંતૃપ્ત ઍસિડમાં સ્થિતિ (સ્થાનીય) સમઘટકતા નીચે મુજબ દર્શાવી શકાય :
-CH=CH-CH2-CH=CH-CH2-CH=CH-CH=CH-
બિનસંયુગ્મી સંયુગ્મી
કુદરતમાંથી મળતા વનસ્પતિજ કે પ્રાણિજ અસંતૃપ્ત ઍસિડ બિન-સંયુગ્મી હોય છે. પરંતુ આલ્કલી સાથે ગરમ કરવાથી તે સંયુગ્મીમાં ફેરવાય છે, જે વધુ સ્થાયી છે. આ પ્રક્રિયા અપરિવર્તનશીલ છે. આ રીત અસંતૃપ્ત ચરબીજ ઍસિડ પારખવા માટે વર્ણપટદર્શી પરિમાપનમાં ઉપયોગી છે.
કેટલાયે વિસ્થાપિત ચરબીજ ઍસિડ (હાઇડ્રૉક્સિ, કીટો તથા ચક્રીય ઉપશાખા) પણ કુદરતી ચરબીમાં અગત્યના ઘટકો છે. દા.ત., રિસિનોલીઇક ઍસિડ દિવેલમાંથી મળે છે. લીકાનિક ઍસિડ oiticica તેલમાંથી તથા ચૌલમુગરિક ઍસિડ ચૌલમોગરા તેલમાંથી મળે છે. નીચેની સારણીમાં ચરબીજ ઍસિડની વિશેષ માહિતી દર્શાવી છે.
સારણી 1 : સામાન્ય સંતૃપ્ત ચરબીજ ઍસિડ
નામ |
ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ ઍપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) મુજબ નામ |
સૂત્ર | પ્રાપ્તિસ્થાન | ||
બ્યૂટિરિક
ઍસિડ |
n-બ્યૂટેનોઇક
ઍસિડ |
CH3(CH2)2 –
COOH |
માખણમાંની
ચરબી |
||
કેપ્રોઇક
ઍસિડ |
n-હેક્સેનોઇક
ઍસિડ |
CH3(CH2)4 –
COOH |
માખણ, નારિયેળ,
ખજૂરીનું તેલ |
||
કેપ્રિલિક
ઍસિડ |
n-ઑક્ટેનોઇક
ઍસિડ |
CH3(CH2)6 –
COOH |
માખણ, નારિયેળ,
ખજૂરીનું તેલ |
||
કેપ્રિક
ઍસિડ |
n-ડેકેનોઇક
ઍસિડ |
CH3(CH2)8 –
COOH |
માખણ, નારિયેળ
ખજૂરીનું તેલ |
||
લૉરિક
ઍસિડ |
n-ડોડેકેનોઇક
ઍસિડ |
CH3(CH2)10 –
COOH |
નારિયેળ, ખજૂરી,
પ્રાણિજ તથા વનસ્પતિજ ચરબી |
||
મિરિસ્ટિક
ઍસિડ |
n-ટેટ્રાડેકેનોઇક
ઍસિડ |
CH3(CH2)12 –
COOH |
નારિયેળ, ખજૂરી,
પ્રાણિજ તથા વનસ્પતિજ ચરબી |
||
પામિટિક
ઍસિડ |
n-હેક્સાડેકનોઇક
ઍસિડ |
CH3(CH2)14 –
COOH |
બધી પ્રાણિજ તથા
વનસ્પતિજ ચરબી |
||
સ્ટીઅરિક
ઍસિડ |
n-ઑક્ટડેકનોઇક
ઍસિડ |
CH3(CH2)16 –
COOH |
પ્રાણિજ ચરબી | ||
એરાચીડિક
ઍસિડ |
n-આઇકોસેનોઇક
ઍસિડ |
CH3(CH2)18 –
COOH |
મગફળી તેલ | ||
બિહેનિક
ઍસિડ |
n-ડોકોસેનોઇક
ઍસિડ |
CH3(CH2)20 –
COOH |
રાઈ, મગફળી,
સરસવ |
||
લિગ્નોસેરિક
ઍસિડ |
n-ટેટ્રાકોસેનોઇક
ઍસિડ |
CH3(CH2)22 –
COOH |
મગફળીમાં અલ્પ
પણ મુખ્યત્વે કુદરતી ચરબી |
||
વિસ્થાપિત સંતૃપ્ત ચરબીજ ઍસિડ | |||||
આઇસોવૅલેરિક
ઍસિડ |
3-મિથાઇલ
બ્યૂટેનોઇક ઍસિડ |
(CH3)2 –
CHCH2COOH |
ડૉલ્ફિન તથા
પોરપસ માછલીનું તેલ |
||
સારણી 2 : અસંતૃપ્ત ચરબીજ ઍસિડ | |||||
નામ | IUPAC
મુજબ નામ |
સૂત્ર | પ્રાપ્તિસ્થાન | ||
(ક) એક દ્વિબંધવાળા | |||||
કેપ્રોલિઇક
ઍસિડ |
9-ડેસીનોઇક
ઍસિડ |
C9H17COOH | દૂધની ચરબી | ||
લોરોલિઇક
ઍસિડ |
9-ડેસીનોઇક
ઍસિડ |
C11H21COOH | દૂધની ચરબી | ||
મિરિસ્ટોલિઇક
ઍસિડ |
9-ટેટ્રાડેસીનોઇક
ઍસિડ |
C13H25COOH | દૂધની તથા
પ્રાણિજ ચરબી |
||
પામિટોલિઇક
ઍસિડ |
9-હેક્સાડેસીનોઇક
ઍસિડ |
C15H29COOH | દરિયાઈ પ્રાણીનું
તેલ, સરીસૃપ- (reptile)નું તેલ |
||
પેટ્રોસેલિનિક
ઍસિડ |
6-ઑક્ટાડેસીનોઇક
ઍસિડ |
C17H33COOH | પાર્સલિ તથા
ધાણાનું તેલ |
||
ઓલિક ઍસિડ | 9-ઑક્ટાડેસીનોઇક
ઍસિડ |
C17H33COOH
વનસ્પતિ તેલ; |
પ્રાણિજ તથા
બીફ, મટન, ડુક્કરમાંનું તેલ |
||
વેક્સોનિક
ઍસિડ |
11-ઑક્ટાડેસી-
નોઇક ઍસિડ |
C17H33COOH | થીજવેલું
(hydrogeneted) વનસ્પતિનું તેલ |
||
ગૅડોલિઇક
ઍસિડ |
9-આઇકોસીનોઇક
ઍસિડ |
C19H37COOH | દરિયાઈ જીવોનું
તેલ, જાજોબા તેલ |
||
સીટોલિઇક
ઍસિડ |
11-ડોકોસીનોઇક
ઍસિડ |
C21H41COOH | દરિયાઈ તેલ | ||
ઇરુસિક
ઍસિડ |
13-ડોકોસીનોઇક
ઍસિડ |
C21H41COOH | સરસવ, રાઈનું
તેલ |
||
સિલાકોલિઇક
ઍસિડ |
15-ટેટ્રાકોસીનોઇક
ઍસિડ |
C23H45COOH | દરિયાઈ પ્રાણી
તથા માછલીના લિવરનું તેલ |
||
(ખ) 2 દ્વિબંધવાળા | |||||
લિનોલિઇક
ઍસિડ |
9, 12- ઑક્ટાડેકે-
ડાઇનોઇક ઍસિડ |
C17H31COOH | મહદ્ અંશે બીજ-
માંની ચરબી; જૂજ પ્રાણિજ ચરબી |
||
(ગ) 3 દ્વિબંધવાળા | |||||
હીરાગોનિક
ઍસિડ |
6,10,14- હેક્સ-
ડેકા-ટ્રાઇનોઇક ઍસિડ |
C15H25COOH | સાર્ડીનનું તેલ | ||
લિનોલિનિક
ઍસિડ |
9,12,15-
ઑક્ટડેકટ- ટ્રાઇનોઇક ઍસિડ |
C17H29COOH | અળસી તથા
અન્ય બીજમાંનું તેલ |
||
(ઘ) 4 દ્વિબંધવાળા | |||||
મોરોક્ટિક
ઍસિડ |
4,8,12,15-
ઑક્ટડેકા ટેટ્રાનોઇક ઍસિડ |
C17H27COOH | માછલીનું તેલ | ||
ઍરેચીડોનિઇક | 5,8, 11,14-
આઇકોસા ટેટ્રા- ડેકેનોઇક ઍસિડ |
C19H31COOH | ગ્રંથિલ અંગોમાંની
ચરબી, મગજ, લેસિથિન |
||
4, 8, 12, 16-
આઇકોસા – ટ્રેટાનોઇક ઍસિડ |
C19H31COOH | વહેલનું તેલ | |||
(ચ) ઘણા દ્વિબંધવાળા | |||||
ક્લુપાનોડોનીઇક
ઍસિડ |
4, 8, 12, 15, 19
– ડોકોસા-પેન્ટા – ઇનોઇક ઍસિડ |
C21H33COOH | માછલીનું તેલ | ||
નીસીનિક
ઍસિડ |
4, 8, 12, 15,
18, 21 કોસાહે- ક્સે નોઇક ઍસિડ |
C23H35COOH | સાર્ડીન તથા
બીજી માછલીનું તેલ |
||
1940માં 2-ઇથાઇલ હેક્સેનોઇક ઍસિડ CH3(CH2)3-CH(C2H5)COOHની ઔદ્યોગિક અગત્ય શોધાઈ, કારણ તેનાં ધાત્વીય લવણો (octets) શુષ્કક (drier) તથા સ્થાયીકારક દ્રવ્યો (stabilizer) વગેરે રૂપે પૉલિવાઇનિલ રેઝિનમાં વપરાવા લાગ્યાં. ચરબીજ ઍસિડ પ્રગાઢક દ્રવ્યો (thickening agent) તરીકે પેઇન્ટ તથા વાર્નિશ-લૅકરમાં વપરાય છે. આ ઉપરાંત રબર, સંશ્લેષિત રેઝિન, કાપડ, ડિટર્જન્ટ તેમજ ઔષધ ઉદ્યોગોમાં પણ ચરબીજ ઍસિડો વપરાય છે. ધાતુ ઉપર સંરક્ષી પડ ચડાવવાં, સૌંદર્ય પ્રસાધનો, ગુંદર અને આસંજક દ્રવ્યો (adhesives) બનાવવા માટે પણ તે વપરાય છે.
જ. પો. ત્રિવેદી