ચતુર્મુખ પ્રાસાદ : જૈન મંદિરનું વિશિષ્ટ સ્થાપત્ય-સ્વરૂપ. આમાં મધ્યના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ચતુર્મુખ જિનમૂર્તિઓનાં સમ્મુખ દર્શન થાય એવી રીતે ચારેય દિશાઓમાં એક એક પ્રવેશદ્વાર ઊભું કરવામાં આવેલ હોય છે. આમાં એક જ તીર્થંકરની ચાર પ્રતિમાઓ અથવા તો જુદા જુદા ચાર તીર્થંકરોની પ્રતિમાઓને પીઠથી એકબીજી સાથે એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તીર્થંકરોનાં મુખ ચારેય દિશાને અભિમુખ થાય. ચાર પ્રવેશદ્વારો કરવાને લઈને આ પ્રકારના સ્થાપત્યમાં અન્ય આનુષંગિક ફેરફારો પણ કરવામાં આવે છે; જેમ કે તેમની પ્રત્યેક બાજુના પ્રવેશદ્વાર પાસે મંડપની રચના કરતાં ચાર મંડપો અને ક્વચિત્ એ મંડપની સાથે સંયોજાતી ચાર પ્રવેશચોકીઓની પણ રચના થતી ર્દષ્ટિગોચર થાય છે. આ રીતે સમગ્ર સંયોજન તારાકૃતિ ધારણ કરે છે. સાધારણ રીતે ચૌમુખ પ્રાસાદના ગર્ભગૃહ પર વિતાન ઘાટનું શિખર કરવામાં આવે છે અને એમાંય ઘણું કરીને સંવરણા પ્રકારનો દાદરી ઘાટ અપાતો ર્દષ્ટિગોચર થાય છે. રાણકપુરનું ચૌમુખ મંદિર અને શત્રુંજય પરનું ચૌમુખ મંદિર (રચના ઈ. સ. 1619) આનાં સરસ ર્દષ્ટાંત પૂરાં પાડે છે.
પ્રવીણચંદ્ર પરીખ