ચણોઠી (ગુંજા) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. ગુંજા; હિં. ગુંજા, ઘુઘચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; મ. ગુંજ; ક. ગુલુગુંજે, એરડુ; તે. ગુલવિંદે; ફા. ચશ્મે ખરૂસ્; અં. ક્રેબ્સ આઇ, ઇંડિયન લિકરિસ, વીડ ટ્રી) છે. તે બહુવર્ષાયુ અરોમિલ (glabrescent) વીંટળાતી આરોહી વનસ્પતિ છે. તેની તરુણ શાખાઓ મોટે ભાગે લીલાશ પડતી પીળી હોય છે. તે સમગ્ર ભારતમાં થાય છે અને બાહ્ય હિમાલયમાં 1050 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. પર્ણો સંયુક્ત, યુગ્મ પીછાકાર (paripinate), પર્ણિકાઓ 10–20 જોડ, સંમુખ, અંડાકાર, પ્રતિઅંડાકાર (obovate) કે લંબચોરસ અને બુઠ્ઠી હોય છે. પુષ્પનિર્માણ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં થાય છે. પુષ્પવિન્યાસ મજબૂત, જાડો, દાત્રાકાર (falcate) અને કલગી (raceme) પ્રકારનો હોય છે. પુષ્પો આછાં જાંબલી, પીળાં કે સફેદ રંગનાં, ગુલાબી છાંટવાળાં અને પતંગિયાકાર હોય છે. ફળ ચપટાં, શિંબી, ચંચુવત્ અને રેશમી હોય છે. બીજ અંડાકાર, સિંદૂરી રંગનાં ચળકતાં તથા પૉલિશવાળાં હોય છે અને નાભિ(hilum)ની ફરતે કાળું ટપકું હોય છે.
આકૃતિ : (અ) ચણોઠીની પુષ્પ-ફળ સહિતની શાખા, (આ) બીજ
મૂળ, પર્ણો અને બીજનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. મૂળ અને પર્ણો ગ્લિસિરહાઇઝિન ધરાવે છે. જે જેઠીમધનું મુખ્ય ઘટક છે. તેનો જેઠીમધની અવેજીમાં કફ અને શ્લેષ્મ(catarrhal)ના રોગોમાં ઉપયોગ થાય છે. તેથી તેને ‘ભારતીય જેઠીમધ’ (ઇંડિયન લિકરિસ) કહે છે. મૂળ મૂત્રલ, પૌષ્ટિક અને વમનકારી (emetic) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ પરમિયો, કમળો અને હીમોગ્લોબિનમેહ (haemoglobinuric) પિત્તના ઔષધોની બનાવટમાં થાય છે.
મૂળનું ચૂર્ણ પ્રિકોલ [(C37H70O4, ગ.બિં. 78–80° સે.), એબ્રોલ (C42H62O5, ગ.બિં. 305°–306° સે.), ગ્લિસિર્હાઇઝિન (1.5 %) અને બે આલ્કેલૉઇડ, એબ્રેસિન (C18H21N3O3, ગ.બિં. 218–220° સે.) અને પ્રિકેસિન (ગ.બિં. 234–236° સે.)] ધરાવે છે. મૂળના પેટ્રોલિયમ ઈથર અને આલ્કોહૉલીય નિષ્કર્ષો ઉંદરોને મૈથુન પછી (100 મિગ્રા./કિગ્રા./દિવસ) 1થી 5 દિવસ માટે આપતાં તેઓ ભ્રૂણારોપણ (nidation) અટકાવે છે. આલ્કોહૉલીય નિષ્કર્ષ ઇસ્ટ્રોજનરોધી સક્રિયતા દાખવે છે.
પર્ણો સ્વાદે મીઠાં હોય છે. તેઓ કાચાં ખવાય છે. તેનો શાકભાજી તરીકે અને પાનમાં ઉપયોગ થાય છે. પર્ણોમાં ગ્લિસિરહાઇઝિન (9.6%), સંતૃપ્ત આલ્કોહૉલ (C30H62O, ગ.બિં. 88° સે.), સ્ફટિકમય સંયોજન (C18H26O8, ગ.બિં. 280° સે.) અને પિનિટોલ હોય છે. પર્ણોનો કાઢો શરદી, કફ અને શૂલ(colic)માં વિપુલ પ્રમાણમાં વપરાય છે. પર્ણોનો રસ ઘાંટો બેસી ગયો હોય ત્યારે આપવામાં આવે છે. તેને તેલ સાથે મિશ્ર કરી સોજા ઉપર લગાડવામાં આવે છે. પર્ણો પિત્તદોષ (biliousness) અને સફેદ ડાઘ (leucoderma) ખસ અને ચામડીનાં બીજાં દર્દોમાં ઉપયોગી છે.
બીજ ઝેરી હોય છે. ઉઝરડાવાળાં બીજ ઢોરોના વિષાક્તન (poisoning) અને માનવહત્યાના હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમનો ઉપયોગ ગર્ભપાતક (abortifacient) તરીકે પણ થાય છે. બીજનો નિષ્કર્ષ ચાંદાં અને ચામડીના રોગો ઉપર ઉપયોગી છે. તેનાં બીજ ચેતાતંત્રના રોગોમાં વપરાય છે. તેનો મલમ રાંઝણ (sciatica), ખભાનો સાંધો જકડાઈ જવો અને લકવામાં ચોપડવામાં આવે છે. તે અતિસાર અને મરડામાં ઉપયોગી છે તથા કૃમિહર (anthelmintic) ગુણધર્મ ધરાવે છે. તેનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus, આંત્ર તથા મરડાના સમૂહનાં બૅક્ટેરિયા અને કેટલીક રોગજન ફૂગની વૃદ્ધિ અટકાવે છે.
બીજનું મુખ્ય વિષાળુ ઘટક ઍબ્રિન છે; જે એરંડીના બીજના રિસિન જેવું ટૉક્સાલ્બ્યુમિન છે. ઍબ્રિન શક્તિશાળી પ્રકોપક છે અને સંરોપણ(inoculation)ને સ્થાને સોજો અને નીલલાંછન (ecchymosis) ઉત્પન્ન કરે છે. તેનું પૃથક્કરણ ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિનોઝમાં થાય છે. આ બંને સંયોજન વિષાળુ હોય છે અને ગરમી આપતાં નિષ્ક્રિય બને છે. બીજમાં હીમોગ્લુટિન અને ઍબ્રેલિન નામનો ગ્લુકોસાઇડ, ઍબ્રાઇન [(C12H14O2N2, ગ.બિં. 295° સે.), હાઇપેફૉરાઇન, કોલાઇન, ટ્રાઇગોનેલાઇન, પ્રિકેટોરાઇન (C14H11NO6, ગ. બિં. 218–220° સે.)] અને N N–ડાઇમિથાઇલટ્રિપ્ટોફેન મિથોકૅટાયનનો મિથાઈલ ઍસ્ટર હોય છે. ઍબ્રાઇન મુખ્ય આલ્કેલૉઇડ છે. મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં આ બેઝ હોય છે. બીજને 5βકૉલોનિક ઍસિડ, સ્ટિગ્મેસ્ટૅરોલ અને β-સિટોસ્ટૅરોલ તથા એક સ્ફટિકમય (C21H30O2, ગ.બિં. 124° સે.) અને બીજા તૈલી સ્ટિરૉઇડીય ઘટકોથી અલગ તારવવામાં આવ્યાં છે.
ઍબ્રિન (0.15 %) અત્યંત વિષાળુ પ્રોટીન છે. [વિનાશક માત્રા50 (LD50), 0.029 મિગ્રા./કિગ્રા. ઉંદરનું વજન]. ઉંદરમાં થયેલાં સંશોધનો દર્શાવે છે કે ઍબ્રિન એર્લિક જલોદર અર્બુદ(Ehrlich ascites tumor)ની વૃદ્ધિ અટકાવે છે. બીજનો પ્રોટીન નિષ્કર્ષ યોશિદા સાર્કોમા (Yoshida sarcoma) (fibrosarcoma) ઉપર અર્બુદરોધી (anti-tumor) સક્રિયતા દર્શાવે છે. અર્બુદકોષો ઉપર તેના નિષ્કર્ષની કોષવિષાળુ (cytotoxic) અસર હોય છે. શુષ્ક બીજમાંથી બે વિષાળુ અને નવદ્રવ્યરોધી (neoplasm inhibitory) પ્રોટીન–ઍબ્રિન A અને ઍબ્રિન C અલગ કરવામાં આવ્યાં છે.
ચૂર્ણિત બીજ ગર્ભાશયનાં કાર્યોને ખલેલ પહોંચાડે છે અને સ્ત્રીઓમાં ગર્ભધારણની ક્રિયા અટકાવે છે. બીજનો પેટ્રોલિયમ ઈથર નિષ્કર્ષ ઉંદરમાં ફળદ્રૂપતારોધી (antifertility) સક્રિયતા દાખવે છે. જલીય નિષ્કર્ષ સગર્ભતા (pregnancy) અને ગર્ભવિકાસ ઉપર પ્રતિકૂળ અસર નિપજાવે છે.
બીજાવરણના રંગદ્રવ્યમાં મૉનોગ્લુકોસાઇડ ઍન્થોસાયનિન અને ઍબ્રેનિન તથા અન્ય ઍન્થોસાયનિનો હોય છે. બીજાવરણમાં ગૅલિક ઍસિડ હોય છે. બીજમાંથી આછા લાલ રંગનું તેલ (2.5 %) પ્રાપ્ત થાય છે. તે માનવ-કેશની વૃદ્ધિ ઉત્તેજે છે.
ઘણા જૂના સમયથી સોનીઓ બીજ(રતી)નો ઉપયોગ વજન કરવા માટે કરે છે.
આયુર્વેદ અનુસાર ચણોઠીની લાલ, ધોળી અને કાળી એવી ત્રણ જાતો થાય છે. તે મધુર, કડવી, ગરમ, તૂરી, બલકર, ત્વચાને હિતકર, કેશ્ય, રુચ્યા, ઠંડી અને વૃષ્ય હોય છે. તે નેત્રરોગ, વિષ, પિત્ત, ઉંદરી, વ્રણ, કૃમિ, ચળ, કફ, તાવ, મુખરોગ, મસ્તકરોગ, વાયુ, ભ્રમ, દમ, તૃષા, મદ અને મોહનાશક ગણાય છે. તેનાં બીજ ઊલટીકર્તા અને શૂળનાશક હોય છે.
ચણોઠીનો ઉપયોગ આધાશીશી, વીર્યવૃદ્ધિ, ધાતુ પડતી હોય તો તે અટકાવવા, ટાલ, અવાજ સાફ કરવા, મોઢામાંના ફોલ્લા, લાલ મેહ, રતવા, ખરજવું, મૂત્રકૃચ્છ્ર, ઉપદંશ, શિરોરોગ, સિંદૂરનું વિષ, વાયુરોગ, ગાંઠ, ઉધરસ, ગંડમાળા અને અંધારાં આવવાં – એ બધામાં થાય છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ