ચટ્ટોપાધ્યાય, શક્તિ (જ. 25 નવેમ્બર 1933, બકારુ, પ. બંગાળ; અ. 23 માર્ચ 1993, કોલકાતા) : આધુનિક બંગાળી કવિ. બાળપણ ગામડામાં વિતાવ્યું પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ‘રૂપચંદ પક્ખી’, ‘અભિનવગુપ્ત’ તેમના તખલ્લુસ છે.
કૉલેજકાળ દરમિયાન તેમણે લખેલી ટૂંકી વાર્તાઓ ‘આનંદબજાર પત્રિકા’માં પ્રગટ થતી. 1955માં તેમણે ‘કુઓતલા’ નામની નવલકથા આપી. ત્યારબાદ તેઓ કવિતા તરફ વળ્યા. બુદ્ધદેવ બૉઝના ‘કવિતા’ સામયિકમાં તેમનું પ્રથમ કાવ્ય પ્રગટ થયું તે સારી પ્રશંસા પામ્યું. 1950 પછીના કવિઓમાં તેમણે અગ્રસ્થાન મેળવ્યું.
તેમના મુખ્ય કાવ્યસંગ્રહમાં ‘હે પ્રેમ હે નૈશબ્દ્ય’ (1957), ‘હેમન્તેર અરણ્યે આમિ પોસ્ટમૅન’ (1961), ‘ધર્મેવ અચો જિરાફફૅઓ અચો’ (1962), ‘અનન્ત નક્ષત્રવીથિ તુમિ અંધકાર’ (1964), ‘સોનાર માછિ ખૂન કરેછિ’ (1964), ‘ચતુર્દશપદી કવિતા’ (1970), ‘પાતાલ થેકે દેકછિ’ (1971), ‘પરેર કાંથા માટીર બારિ’ (1973), ‘જેતે પારિ કિન્તુ કેન જાબો’(1981)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમણે કાલિદાસ, ઉમર ખય્યામ, ગાલિબ, રિલ્કે, પાબ્લૉ નેરુદા અને લૉરકાની ઘણી કૃતિઓ બંગાળીમાં અનૂદિત કરી છે. તેમનાં કાવ્યોમાં તેમણે મુખ્યત્વે તત્કાલીન યુવાપેઢીની મનોદશા, હતાશા, માનસિક વિછિન્નતા, નશીલાં ઔષધનું વ્યસન તથા તેમની યૌનવૃત્તિનું સુપેરે ચિત્રણ કર્યું છે. તેમને 1975ના વર્ષનો આનંદ પુરસ્કાર અને 1983માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યા છે.
ચન્દ્રકાન્ત મહેતા