ચટ્ટોપાધ્યાય, બંકિમચન્દ્ર (જ. 26 જૂન 1838, કૉલકાતા; અ. 8 એપ્રિલ 1894, કૉલકાતા) : બંગાળી નવલકથાના પિતા. તેમના પિતા જાદવચંદ્ર ચેટ્ટરજી ડેપ્યુટી કલેક્ટર હતા. તેમના ત્રણેય ભાઈઓ શ્યામચંદ્ર, સંજીવચંદ્ર અને પૂરણચંદ્ર ઉચ્ચ કોટિનું શિક્ષણ પામેલા અને સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. બંકિમચંદ્રે વતનમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.માં પ્રથમ સ્થાને આવ્યા (1858) અને ઘણાં ઇનામો પ્રાપ્ત કર્યાં. કૉલેજકાળ દરમિયાન તેઓ જે કાવ્યો રચતા તે કાવ્યો અને લેખો ‘સંવાદ પ્રભાકર’ સામયિકમાં પ્રગટ થતાં. હૂગલી કૉલેજમાંથી તેઓ પ્રેસિડેન્સી કૉલેજમાં કાયદાનો અભ્યાસ કરવા જોડાયા અને 1869માં બી.એલ.ની ડિગ્રી મેળવી.
બી.એ. થયા પછી તેમને ડેપ્યુટી મૅજિસ્ટ્રેટ અને જેસ્સોરના કલેક્ટર તરીકે નીમવામાં આવ્યા. 33 વર્ષ સુધી તેમણે નોકરીમાં રહીને બંગાળનાં વિવિધ સ્થળોની જમીન તથા ત્યાંના લોકો વિશે મૂલ્યવાન અનુભવ મેળવ્યો. જેસ્સોરમાં તેઓ બંગાળના અગ્રણી નાટ્યકાર દીનબંધુ મિત્રના સંપર્કમાં આવ્યા અને બંને ગાઢ મિત્રો બન્યા. 1859માં તેમનાં પત્નીનું અવસાન થતાં તેમણે બીજી પત્ની રાજલક્ષ્મીદેવી સાથે લગ્ન કર્યાં, જે જીવનભર તેમની સાથે રહ્યાં.
સૌપ્રથમ તેમણે ‘રાજમોહન્સ વાઇફ’ નામની અંગ્રેજી નવલકથા ‘ઇન્ડિયન ફિલ્ડ’ નામના સામયિકમાં ક્રમશ: પ્રગટ કરી. તેનાથી અસંતુષ્ટ થઈને તેમણે પોતાની માતૃભાષામાં 1865માં ‘દુર્ગેશનંદિની’ નવલકથા લખીને બંગાળને સાચી નવલકથાનું સ્વરૂપ પ્રદાન કર્યું. તેમની અન્ય નવલકથાઓમાં ‘કપાલકુંડલા’ (1866), ‘મૃણાલિની’ (1869), ‘વિષવૃક્ષ’ (1873), ‘ઇન્દિરા’ (1873), ‘ચન્દ્રશેખર’ (1875), ‘કૃષ્ણકાન્તેર વીલ’ (1878), ‘આનંદમઠ’ (1882) તથા ‘દેવી ચૌધરાણી’ (1887) મુખ્ય છે. ‘રાજસિંહ’, ‘કપાલકુંડલા’ તથા ‘ચન્દ્રશેખર’ ઐતિહાસિક નવલકથાઓ છે. આનંદમઠ નવલકથામાં આવતું ‘વન્દે માતરમ્’ ગીત ભારતનું પ્રથમ રાષ્ટ્રગીત બન્યું. ‘રજની’ નવલકથામાં તેમણે પહેલી વાર આત્મકથન-શૈલી દાખલ કરી. 1872માં બહેરામપુરમાં તેમણે ‘બંગદર્શન’ નામના માસિકનું સંપાદન સંભાળ્યું.
બંગાળી નિબંધસાહિત્યમાં પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે. તેમણે દર્શન, ધર્મ, ઇતિહાસ, રાજકારણ અને વિજ્ઞાન – એમ અનેક વિષયોની છણાવટ ‘વિવિધ પ્રબંધ’ (1887) નામક નિબંધસંગ્રહમાં કરી છે. ‘કૃષ્ણચરિત્ર’ તેમનો સંશોધનગ્રંથ છે. ‘કમલાકાન્તેર દફતર’ (1875) નામની હાસ્યકથાને તેમણે 1885માં ‘કમલકાન્તા’ તરીકે વિકસાવી હતી. ‘લોકરહસ્ય’ (1874) તેમના કટાક્ષભર્યા નિબંધોનો સંગ્રહ છે. ‘રાજસિંહ’ (1882) તેમની એકમાત્ર સાચી ઐતિહાસિક નવલકથા છે. ‘સીતારામ’ (1887) તેમની છેલ્લી નવલકથા છે.
કલકત્તા યુનિવર્સિટી સેનેટના સભ્ય રહીને તેઓ શૈક્ષણિક સંસ્થાનો સાથે સંકળાયેલા રહ્યા અને પાઠ્યપુસ્તકો તથા સિલેક્શનનું સંપાદન કર્યું. તેમની નવલકથાઓના આધારે નાટકો રચાયેલાં અને તેની ભજવણી પણ કરવામાં આવી હતી. તેમની બધી નવલકથાઓ મોટા ભાગની ભારતીય ભાષાઓ તથા અંગ્રેજી, જર્મન અને વિદેશી ભાષાઓમાં અનૂદિત કરવામાં આવી છે.
ચન્દ્રકાન્ત મહેતા