ચક્રવાકમિથુન : ગુજરાતી કવિ કાન્તનાં પ્રસિદ્ધ ખંડકાવ્યોમાંનું એક. તે 1890માં બ. ક. ઠાકોરે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરેલું. કવિ મણિશંકર રત્નજી ભટ્ટે આ કાવ્યમાં પ્રથમવાર कान्त તખલ્લુસ ધારણ કરેલું. ચક્રવાકયુગલની લોકપ્રસિદ્ધ કથા આ કાવ્યનો વિષય છે. ક્ષણનો પણ વિયોગ અસહ્ય બને તેવો અનન્ય પ્રેમ આ પક્ષી દંપતી વચ્ચે છે. દૈવયોગે તે અભિશાપિત છે. તેથી દિવસભર અનેકવિધ પ્રેમચેષ્ટા વડે સાહચર્ય માણતું જોડું રાત્રિના આગમનની કલ્પના અને ઘટનાથી વ્યગ્રતા અનુભવતું. જળાશયના સામસામા કિનારે બેસીને આખી રાત એકબીજાને કંપિત સ્વરે આર્ત પોકાર કરતું એવી વિરહવ્યથાના વસ્તુનું બીજ :
સાંઝ પડે દિન આથમે ચકવી બેઠી રોય,
ચકવા ! ચલો વહાં જાઇયે જિહાં રૈન નવ હોય.
– જેવી લોકપ્રચલિત પંક્તિઓમાં પણ પડેલું છે.
પ્રેમની પરાકાષ્ઠા અનુભવતા પક્ષીયુગ્મને લાગે છે કે નિષ્ઠુર ઈશ્વરી સત્તા આગળ પ્રણયસુખની આશા રાખવી નકામી છે. નિત્ય આવનાર વિરહમાંથી બચવા નારીહૃદયમાં જન્મતી આશા સામે ધૈર્યવાન પુરુષનું વાસ્તવિક કઠોર આશ્વાસન પણ નિરર્થક નીવડતાં નિરાશાનો એકમાત્ર ઉપાય પ્રેમીયુગલને સૂઝે છે તે વિરહ અને વિરહદગ્ધ જીવનનો ત્યાગ.
ખંડકાવ્યમાં કાન્તની કલાસિદ્ધિ અદ્વિતીય રહી છે. કાવ્યનો આકર્ષક ઉપાડ સૌપ્રથમ ધ્યાન ખેંચે છે. કુતૂહલવૃત્તિને સતેજ કરતું પ્રકૃતિવર્ણન આરંભમાં મૂકતાં કાન્ત કહે છે :
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની,
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની !
પછી તરત જ કિશોર અને રસજ્ઞ વિહગયુગ્મનું ચિત્ર સુરેખ શબ્દરેખાઓથી પ્રત્યક્ષ થાય છે. ‘વિરહસંભવને વીસર્યાં હતાં !’ તે જ સૂર્યાસ્તનો સમય નજદીક આવતાં રોમે રોમે વિરહભયની વેદનાથી બળે છે ! અને અંતે ઊંડી ખીણમાં પડતું મૂકે છે.
જગતમાં રહેલી ગૂઢ વ્યાપક વિષમતા અને અન્યાય સામે કવિનો આક્રોશ છે. કાન્તના કરુણરસના નિરૂપણમાં વીર અને અદભુત રસનું મિશ્રણ ભવ્યતા જન્માવે છે. ‘ચક્રવાકમિથુન’ લખાયું ત્યારે સૃષ્ટિક્રમ આગળ પ્રાણીનું શું ગજું ? – એવી નિરાશાથી સભર કવિચિત્તને પક્ષીયુગલની જેમ મૃત્યુમાં જ સમાધાન દેખાય છે. અહીં કવિનું અજ્ઞેયવાદી (agnostic) માનસ કાવ્યની અંતિમ પંક્તિમાં પ્રગટ થાય છે. પછી કવિને ધર્મશ્રદ્ધા લાધતાં ‘ક્યહિં ય ચેતન એક દિસે નહીં !’ ને બદલે ‘ક્યહિં અચેતન એક દીસે નહીં !’ એમ નાનકડો શાબ્દિક ફેરફાર કરીને કવિ ઇષ્ટ અર્થ નિપજાવે છે. જાણે અજ્ઞાનની અંધરજની જતાં જ તિમિર ટળ્યું અને જ્યોતિ પ્રગટ્યો ! આમાં જીવાત્મા-પરમાત્માના મિલનનો આત્મબલિદાનથી પ્રાપ્ત થતો દિવ્યાનંદ અભિપ્રેત છે કે પછી કવિની શ્રદ્ધાનો પલટો સમગ્ર કાવ્યની ઇબારત સાથે અસંગત છે તે પ્રશ્ન સહૃદયોના તર્કનો વિષય બને છે.
ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યનો પ્રકાર સૌપ્રથમ કાન્તે પ્રયોજ્યો છે. તેમાં એક ચોક્કસ ઘટનાનું ભાવલક્ષી નિરૂપણ થાય છે. ભાવનો ક્રમશ: ઉપચય ને પરાકાષ્ઠા, પ્રસંગનો નાટ્યાત્મક ઉઠાવ ને પલટો, તેને અનુરૂપ પાત્રનિરૂપણ અને આદિ, મધ્ય અને અંત કોરી આપતો કલાકસબ કાન્તની ખંડકાવ્યના સર્જક તરીકેની વિશિષ્ટતા છે. તેમાં ભાવના પલટા સાથે છંદના પલટા અને સહજપણે સધાતી રમણીય પ્રાસરચનાયુક્ત કાવ્યભાષા ધ્યાન ખેંચે છે. ગુજરાતી સાહિત્યમાં નરસિંહરાવથી સુન્દરમ્ સુધીના અનેક કવિઓએ ખંડકાવ્યનો પ્રકાર ખેડ્યો છે; પરંતુ તેમાં કાન્ત અજોડ રહ્યા છે.
નલિની દેસાઈ