ચક્રવર્તી, નિખિલ (જ. 3 નવેમ્બર 1913, સિલ્ચર, અસમ; અ. 27 જૂન 1998) : ભારતના અગ્રણી પત્રકાર. 1962માં ‘મેનસ્ટ્રીમ’ના સહ-સ્થાપક તંત્રી અને 1967થી તેના સંપાદક. ઘણાં અખબારોના કૉલમલેખક હતા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી હતી. 1944થી 1946 દરમિયાન ચીનની ‘પીપલ્સ વૉર’ સમયે ખાસ ખબરપત્રી તરીકે સેવા આપેલી. 1957થી 1962 સુધી ઇન્ડિયન પ્રેસ એજન્સીના એડિટર હતા. ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘અમૃતબઝાર પત્રિકા’, ‘ટેલિગ્રાફ’, ‘ડેક્કન હેરલ્ડ’, ‘પેટ્રિયટ’ વગેરેમાં કૉલમલેખક તરીકે તથા વર્તમાન રાજકીય પ્રવાહોના માર્મિક સમીક્ષક તરીકે તે જાણીતા હતા. 1978થી 1980માં પ્રેસ કમિશનમાં કામગીરી બજાવી. શિક્ષણ, સંસ્કાર અને સમૂહમાધ્યમો વિશે ઇન્ડો-યુએસ. સબ-કમિશનમાં કાર્ય કર્યું. 1938થી 1978 સુધી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ ઇન્ડિયાના સભ્ય; પરંતુ પછી કોઈ પક્ષનું સભ્યપદ ધરાવતા નથી. એમનાં પત્ની રેણુ ચક્રવર્તી સામ્યવાદી પક્ષની ટિકિટ પર ત્રણ વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. 1983ના ડિસેમ્બરમાં નૉન-ઍલાઇડ (NAMEDIA) કૉન્ફરન્સનું તેમણે આયોજન કરેલું. 1984થી નૉન-ઍલાઇડ મિડિયા ફાઉન્ડેશનના ચૅરમૅન તેમજ એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના એક સમયના પ્રમુખ. ભારતમાં કટોકટી સમયે ઈસપની નીતિકથાઓ અને બોધકથાઓનો સહારો લઈને એમણે અસંમતિનો અવાજ બુલંદ રીતે રજૂ કર્યો હતો. એમના વિચારો સ્પષ્ટ હતા. જાહેર માહિતી માધ્યમોની તાકાત અને જોખમો એ બંને તરફ તે ધ્યાન દોરતા રહ્યા હતા. તે પદ્મભૂષણ જેવા સન્માનનો અસ્વીકાર કરનાર મૂલ્યનિષ્ઠ પત્રકાર હતા.
પ્રીતિ શાહ