ચક્રવર્તી, કૌશિકી (જ. 24 ઑક્ટોબર,  1980,  કોલકાતા) : પતિયાલા ઘરાનાના પથદર્શક,  વિદુષી.

માતા ચંદના અને પદ્મભૂષણ મેળવનાર પિતા અજય ચક્વર્તીનાં પુત્રી કૌશિકી નાનપણથી જ સંગીત પ્રત્યે રુચિ ધરાવતાં. માત્ર બે વર્ષની ઉંમરે, શબ્દ બરાબર બોલતાં શીખ્યા પહેલાં તે સ્વર ઓળખી કાઢતાં. કૉલકાતાની પાથા ભવન શાળામાં તેમણે અભ્યાસ કર્યો.

જોગમાયા દેવી કૉલેજમાંથી તત્ત્વજ્ઞાનના વિષયોમાં પ્રથમ કક્ષામાં સ્નાતક થયા બાદ આ જ વિષયોમાં તેમણે જાદવપુર યુનિવર્સિટી, કૉલકાતાથી અનુસ્નાતકની પદવી મેળવી.

નાનપણથી જ તેઓ પિતા સાથે દેશવિદેશમાં સંગીતના કાર્યક્રમો માટે ફરતાં. માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે સૌપ્રથમ વાર જાહેરમાં કૉલકાતા રોવિંગ ક્લબ(rowing club, હોડીતરણ મંડળ)માં તરાનાની પ્રસ્તુતિ કરી હતી. પિતાના ગુરુ પાસે જ્ઞાન પ્રકાશ ઘોષ અકાદમીમાં તેમણે 10 વર્ષની ઉંમરે ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. તેઓ 2002માં વિદ્વાન બાલમુરલી કૃષ્ણ પાસે

કર્ણાટકી સંગીતમાં પણ નિપુણ થયાં. 2004માં સંગીત રિસર્ચ અકાદમીમાંથી સ્નાતક થયાં. પિતાની શ્રુતિનંદન સંગીત શાળા તેમનામાં રહેલી આવડતને સતત મઠારતી રહી. ખયાલ અને ઠૂમરી ગાયનમાં તેમણે કુશળતા પ્રાપ્ત કરી. તાન લેતી વખતે સાડા ત્રણ સપ્તક સુધી તેમનો અવાજ એટલો આસાનીથી સરકતો કે સાંભળનાર અચંબામાં મુકાઈ જાય. 20 વર્ષની ઉંમરથી સળંગ પાંચ વર્ષ સુધી તેમણે Dover Lane Music Conferenceમાં ગાયું. ખયાલ ગાયનની સાથે તેમણે સમકાલીન લોકપ્રિય સંગીતને પણ સ્થાન આપ્યું.

2003માં લંડનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમની ગાયન પ્રસ્તુતિને ‘Pure’ નામથી રેકૉર્ડ કરીને બહાર પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તેમના પિતા અજય ચક્વર્તીએ હાર્મોનિયમ પર સંગત કરેલી. કૅલિફૉર્નિયા ખાતે સ્પ્રિંગ ફેસ્ટિવલમાં, ITC સંગીત સંમેલન, સવાઈ ગંધર્વ ભીમસેન સંગીત મહોત્સવ, પરંપરા કાર્યક્રમ(લૉસ એન્જલસ) દરેકમાં તે છવાઈ ગયાં.

2011માં પુણે ખાતે શ્રી કિશોરી આમોનકરના સંગીતક્ષેત્રે પ્રદાન નિમિત્તે હિરક મહોત્સવ પ્રસંગે દ્વિદિવસીય સંગીત સમારોહમાં તેમણે રાગ તોડીની કર્ણપ્રિય પ્રસ્તુતિ કરી હતી. આ જ વર્ષે મુંબઈના NCPA દ્વારા યોજાયેલા,  રાગને તેના ચોક્કસ પ્રહર પ્રમાણે (સવારથી સાંજ સુધી) રજૂ કરવાના એક અનોખા કાર્યક્રમમાં તેઓ શ્રી ઉલ્હાસ કશાળકર અને શ્રી દેવકી પંડિત સાથે જોડાયાં હતાં.

કૌશિકીજી એક ટીવી ચૅનલ પર દર રવિવારે બંગાળી ભાષામાં પ્રસારિત થતો એક રસપ્રદ ટોક શો (talk show) ચલાવી રહ્યાં હતાં,  જેમાં રવીન્દ્ર સંગીત, લોકસંગીત, નઝરુલગિતી વગેરે જેવા અનેક પ્રકારો પ્રસ્તુત થતા.

આ કાર્યક્રમમાં લોપામુદ્રા મિત્રા, જોય સરકાર જેવા ઘણા મહેમાનોએ હાજરી આપી છે. માત્ર સ્ત્રીઓ થકી ચાલતું એક અનોખું જૂથ ‘સખી’ તેઓ ચલાવી રહ્યાં છે, જે ભારત દેશના મહાન પૌરાણિક અને ઐતિહાસિક સ્ત્રીપાત્રો ગંગા, લક્ષ્મી, દ્રૌપદી, કુંતી, સીતા, સરસ્વતી, દુર્ગા વગેરેને સમર્પિત છે. આ જૂથ દ્વારા 2015માં કલા મંદિર, મુંબઈ ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં કૌશિકીજીના ગાયન સાથે તબલાં પર શ્રી શાઓની તલવારકર, પખાવજ પર મહિમા ઉપાધ્યાય, વાંસળી પર દેબોપિયા ચેટર્જી, વાયોલિન પર નલિની શંકર હતાં. ભક્તિ દેશપાંડે દ્વારા કથક નૃત્યની પ્રસ્તુતિ કરાઈ હતી. આ જ કાર્યક્રમ 90 મિનિટ માટે કાર્નેગી હૉલ, ન્યૂયૉર્કમાં પણ પ્રસ્તુત થયો. ‘ચિત્રાંગદા’ ફિલ્મમાં તેમણે પડદા પર પ્રત્યક્ષ ગીત પ્રસ્તુત કર્યું હતું. ચૅપ્લિન, તીન કન્યા, પાંચ અધ્યાય, કાદંબરી વગેરે ફિલ્મોમાં તેમણે ગીતો ગાયાં છે.

માર્ચ 2024માં નીતા અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર  ખાતે અરુણા સાંઇરામ અને અન્ય શાસ્ત્રીય ગાયકો સાથે મળીને તેમણે ભારતની દિગ્ગજ મહિલાઓ જેવી કે શોભા ગુર્તુ, ગૌહર જાન, બેગમ અખ્તર, એમ. એસ. સુબ્બલક્ષ્મી વગેરેને યાદ કરી, અંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો હતો. તેમના અન્ય આલબમમાં ‘ફૂટસ્ટૉપ્સ’ ( 1998), ‘અ જર્ની બીગીન્સ’ (2002)થી માંડીને ‘પંખ’ (2025) સુધી ઘણાં બધાં આલબમ બહાર પડ્યાં છે. શાસ્ત્રીય સંગીતના રેકૉર્ડિંગમાં ધ બેસ્ટ ઑફ કૌશિકી ચક્રવર્તી  ઉપરાંત રાગ આધારિત ઘણા આલાપ સાથેની માહિતી ઉપલબ્ધ છે. આ જ વર્ષે(2026) ‘દદઁ કી બાત’ અને શાંતનુ મોઈત્રા સાથે ભારતનાં અલગ અલગ રાજ્યોમા રજૂ થયેલ ‘પંખ’એ પણ ખૂબ ધૂમ મચાવી છે.

તેમનો ગાન ભંડાર શુદ્ધ શાસ્ત્રીય,  ખયાલ,  દાદરા,  ઠૂમરી,  ભજન બધું જ સમાવી લે છે. તેમને 1995મા જાડુભટ્ટ ઍવૉર્ડ, વિશ્વ સંગીત માટે બીબીસી રેડિયોના ૩ ઍવૉર્ડ(2005), ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પુરસ્કાર (2010), આદિત્ય બિરલા કલાકિરણ પુરસ્કાર (2013), નારીશક્તિ પુરસ્કાર (2019) એવાં સંખ્યાબંધ સન્માનોથી નવાજિત કરવામાં આવ્યાં છે.

બીજલ બુટાલા