ચક્રવર્તી, ઉત્પલેન્દુ (જ. 12 માર્ચ 1948, કૉલકાતા; અ. 20 ઑગસ્ટ 2024, કોલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રનિર્માતા. 1967થી 1971 દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચળવળના આગેવાન હતા. આધુનિક ઇતિહાસના વિષયમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસાના આદિવાસીઓમાં શિક્ષક તરીકે સેવા આપી. આ સમયનો તેમનો અનુભવ તેમના પ્રથમ દસ્તાવેજી ચિત્ર ‘મુક્તિ ચાઇ’માં દેખાય છે.
આ ફિલ્મ ચર્ચાનો વિષય બની હતી. આદિવાસીઓના શોષણ ઉપરની તેમની પહેલી રાજકીય ફિલ્મ ‘મોયના તાદંતા’ (1980) હતી. 28મા રાષ્ટ્રીય પુરસ્કાર મહોત્સવમાં આ ફિલ્મને પારિતોષિક અર્પણ થયું (1980). 1982માં બીજી ફિલ્મ ‘ચોખ’નું તેમણે નિર્માણ કર્યું. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેના પુરસ્કાર ઉપરાંત નવમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ‘રજતમયૂર’નો પુરસ્કાર પ્રાપ્ત થયો. 1984માં બનાવેલી દસ્તાવેજી ફિલ્મ ‘મ્યૂઝિક ઑવ્ સત્યજિત રે’ કૅન ચિત્રમહોત્સવમાં પ્રદર્શિત થઈ હતી. 1985માં તેમણે પહેલી હિંદી ફિલ્મ ‘દેબશિશુ’ બનાવી. આ ફિલ્મને 39મા લોકાર્નો ચિત્રમહોત્સવમાં બે ઇનામો મળ્યાં હતાં (1986). 1989માં તેમણે ‘છંદનીર’ નામક ચલચિત્રનું સર્જન કર્યું હતું.
પીયૂષ વ્યાસ