ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં ગિરિનગરના સુદર્શન તળાવનો બંધ તૂટી જતાં જળાશય ખાલીખમ થઈ ગયું ને પ્રજાજનોમાં હાહાકાર પ્રવર્ત્યો. ચક્રપાલિતે બંધ સમરાવી જળાશયને બીજે વર્ષે તૈયાર કરી દીધું. ગુ. સં. 138(ઈ. સં. 457–58)માં પરમ ભાગવત ચક્રપાલિતે ગિરિનગરમાં ઘણું દ્રવ્ય ખર્ચીને ચક્રધારી વિષ્ણુનું ઉત્તુંગ મંદિર બંધાવ્યું, જે નગરના શિર પર પ્રભુત્વ કરતું હોય તેવું દેખાતું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી