ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા પૂરતો મર્યાદિત છે. સામાન્યપણે ઘરચકલીના નરનું માથું કાળા રંગનું હોય છે અને તેની પીઠ પર ભૂખરાં પીછાં હોય છે. પાંખ પરનાં પીછાં રંગે શ્વેત હોય છે. ચાંચનો રંગ ગ્રીષ્મ ઋતુમાં કાળો અને શરદ ઋતુમાં પીળો બને છે. માદા મોટે ભાગે ભૂખરા રંગની હોય છે. ચાંચ શંકુ આકારની હોય છે. અનાજના દાણા એ ચકલીનો મુખ્ય ખોરાક છે; પરંતુ માનવવસ્તીની આસપાસ રહેતી ચકલી રસોડામાં બનાવેલો ખોરાક ખાવા ટેવાયેલી હોય છે. માનવોનાં મકાનોમાં, ઘરની અંદર, દીવાલોનાં બાકોરામાં, પથ્થરમાં, ટિંગાડેલા ફોટાની પાછળ, ટ્યૂબલાઇટની ઉપર અને ઝાડની બખોલ જેવાં સ્થળે તે માળા બાંધે છે. માળા ઘાસ કે પાંદડાંના બનાવેલા હોય છે અને તે ઘુમ્મટ આકારના હોય છે. માદા માળામાં 3થી 7 ઈંડાં મૂકે છે અને તેનું સેવન કરે છે. માતપિતા બચ્ચાંને કીટકો ખવડાવે છે. પંદરેક દિવસ માળામાં રહ્યા બાદ બચ્ચાં સ્વતંત્ર જીવન જીવે છે.

ચકલી

ઝાડચકલી (tree sparrow, P. montonus) : દેખાવમાં ઘરચકલી જેવી પરંતુ કદમાં સહેજ નાની હોય છે. તે મુખ્યત્વે એશિયા અને યુરોપમાં જોવા મળે છે અને ઝાડની બખોલમાં સમૂહમાં માળા બાંધે છે.

પથ્થરચકલી (rock sparrow) : પર્વતીય વિસ્તારોમાં રહેતી હોય છે. તેનાં પીછાં ભૂખરા કે બદામી રંગનાં હોય છે અને ગળા પર પીળું ટપકું હોય છે. તે ભારત, ચીનનો સૂકો પ્રદેશ, દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં જોવા મળે છે. પથ્થરો કે દીવાલની બખોલોમાં માળા બાંધે છે. ઝાડ પર હરતાંફરતાં જીવજંતુઓ તેનો મુખ્ય ખોરાક છે.

સ્પૅનિશ ચકલી : યુરોપ અને એશિયામાં જોવા મળતી સ્પૅનિશ ચકલી ખુલ્લા પ્રદેશોમાં વાસ કરતી હોય છે. પૂર્વ અલ્જિરિયા અને ટ્યૂનિસિયામાં ઘરચકલી અને સ્પૅનિશ ચકલી વચ્ચે આંતર પ્રજનન જોવા મળે છે.

હિમચકલી (snow finches) : તે મૉન્ટીફ્રિંજિલા નામે ઓળખાય છે અને મોટા ટોળામાં 2000થી 5000 મીટર ઊંચાઈએ માળા બાંધીને રહે છે. અન્ય ચકલી કરતાં મોટી હોય છે. નર અને માદા દેખાવે સરખાં હોય છે. સફેદ પૂંછડી હિમ-ચકલીની વિશેષતા છે.

વણકર ચકલી (weaver sparrow) : ટોળામાં રહેતી આ ચકલીનું અસ્તિત્વ આફ્રિકાના સૂકા પ્રદેશ પૂરતું મર્યાદિત છે. તે 10થી 12 સેમી. લાંબી હોય છે અને બદામી રંગનાં પીછાં ધરાવે છે. વણકર ચકલીના માળા અવ્યવસ્થિત બાંધેલા હોય છે. વણકર ચકલીની ચાર જાતિ છે. તેમાંની કાળી ચાંચવાળી ચકલી વ્યાપક વસવાટ ધરાવે છે. ભૂરા માથાવાળી ચકલી અને શ્યામ માથાવાળી સમૂહજીવી ચકલી ઘાસમાંથી માળા બનાવે છે. ડાળી પર બાંધેલ આ માળાને બે દરવાજા હોય છે. બાવળ જેવા એક જ ઝાડ પર સમૂહજીવી ચકલીના 90થી 95 જેટલા માળા જોઈ શકાય છે.

શલ્કી ચકલી : તે સહરાના રણમાં અને અગ્નિ આફ્રિકામાં વાસ કરે છે. તે માનવસાન્નિધ્યમાં રહેવાનું પસંદ કરે છે.

ઉપેન્દ્ર રાવળ