ચંદ્ર તિથિપત્ર (lunar calendar) : ચંદ્રની ગતિસ્થિતિનાં નિરીક્ષણો પરથી તારવેલા નિયમોને આધારે રચવામાં આવેલું પંચાંગ. સંસ્કૃતિના છેક ઉદગમથી ચંદ્ર અને સૂર્યનો સમયમાપક તરીકે ઉપયોગ થતો આવ્યો છે; પરંતુ સૂર્યની અપેક્ષાએ ચંદ્રની ગતિ તદ્દન અનિયમિત અને વિષમ છે. તેથી ચંદ્રનો સમયમાપક તરીકે ઉપયોગ પ્રમાણમાં અગવડભર્યો છે. ચંદ્રની ગતિ કેટલી અગવડભરી છે એનો ખ્યાલ એ હકીકત ઉપરથી આવશે કે એની આકાશી સ્થિતિ સાધવા માટે જે સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં વપરાતી સંજ્ઞાઓની કુલ સંખ્યા અંદાજે 1500 જેટલી છે અને તે બધાં સૂત્રો છાપેલાં 20 પૃષ્ઠો જેટલી જગ્યા રોકે છે !
ચંદ્રની આવી વિચિત્રતાને કારણે ઊભી થતી ગણતરીની મુશ્કેલીમાંથી બચવા, ઈ. પૂ. 3000 વર્ષ પહેલાંના મિસરવાસીઓએ સમયમાપક તરીકે ચંદ્રને રદ કરીને સૂર્ય પર પસંદગી ઉતારી હતી. વાસ્તવમાં તો આજનું ગ્રૅગરિયન પંચાંગ, પ્રાચીન મિસરવાસીઓએ અમલમાં મૂકેલા સૌર-પંચાંગ પરથી જ ઊતરી આવેલું છે.
મિસરવાસીઓ જેવા કેટલાક અપવાદ બાદ કરતાં, એ કાળની મોટા ભાગની પ્રાચીન પ્રજાઓએ સમયમાપક તરીકે ચંદ્રને જ વધુ મહત્વનો ગણ્યો છે. આ પ્રજાઓમાં મુખ્યત્વે સુમેરિયન, બૅબિલોનિયન, વૈદિક ભારતીય, ગ્રીક, ચીન વગેરેનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓએ ચંદ્રને ‘માસકૃત્’ એટલે કે ‘મહિનો બનાવનાર’ કહ્યો છે અને સિદ્ધાંત જ્યોતિષના સમય પહેલાં સમયમાપક તરીકે સૂર્ય કરતાં ચંદ્રને વધુ મહત્ત્વનો ગણ્યો છે. અન્ય પ્રજાઓનો મત પણ એવો જ રહ્યો છે. લગભગ દરેક પ્રાચીન પ્રજાનાં શાસ્ત્રોમાં જોવા મળે છે કે ‘ચંદ્રનું સર્જન સમયના નિયમન માટે થયું છે.’
આ પ્રજાઓએ સમયમાપનમાં ચંદ્રની સાથે સાથે સૂર્યને પણ જોડ્યો. જેમ કે માસ માટે ચંદ્ર પર પસંદગી ઉતારી, તો વર્ષની ગણના માટે સૂર્યને આધાર બનાવ્યો; પરંતુ આ બંનેને સાથે વાપરવા જતાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા.
ચંદ્રોદય અને ચંદ્રાસ્તનો રોજેરોજનો સમય એકસરખો હોતો નથી. ચંદ્ર ધીરે ધીરે નાનેથી મોટો થતો જઈને વળી પાછો ક્ષીણ થતો જાય છે. આમ ચંદ્રની વૃદ્ધિની તેમજ ક્ષયની કળાઓનું એક નિયમિત ચક્ર જોવા મળે છે. આ ક્રમબદ્ધ ચક્રની અવધિ 29½ દિવસ જેટલી છે. ચોકસાઈથી દર્શાવતાં આશરે 29.53059 જેટલા દિવસ એટલે કે 29 દિવસ, 12 કલાક, 44 મિનિટ અને 2.8 સેકન્ડ જેટલો સમય લાગે છે. ચંદ્રકળાનું 29½ દિવસનું આ ચક્ર જ સઘળી સંસ્કૃતિઓની કાલગણનાના પાયામાં રહેલું છે.
આમ, ચંદ્રની કળાઓના આધારે, પૂનમથી પૂનમ કે અમાસથી અમાસ સુધીનો, સરળતાથી માપી શકાય તેવો 29½ દિવસનો જે કુદરતી સમય-એકમ મળે છે તેને ‘માસ’ કહે છે અને એ ચંદ્રઆધારિત હોઈ એને ‘ચાંદ્ર માસ’ કહે છે. પહેલા પ્રકારના, એટલે કે પૂનમથી પૂનમ પ્રકારના ચાંદ્ર માસને ‘પૂર્ણિમાંત-માસ’ અને બીજા પ્રકારના, એટલે કે અમાસથી અમાસ સુધીના ચાંદ્ર માસને ‘અમાંત-માસ’ કહે છે. ઉત્તર ભારતમાં પૂર્ણિમાંત-માસ અને ગુજરાત તથા દક્ષિણ ભારતમાં અમાંત-માસ પ્રચલિત છે. આ કારણે ગુજરાતમાં વદ (કૃષ્ણ) પક્ષમાં આવતા તહેવારોના મહિના, ઉત્તર ભારતમાં એક માસ જેટલા આગળ આવતા નામવાળા હોય છે. ઉદા. તરીકે, ઉત્તર ભારતમાં કૃષ્ણાષ્ટમી સમયે ભાદરવો માસ અને દિવાળી સમયે કારતક માસ હોય છે.
ચાંદ્ર પંચાંગ યુતિ (અમાવાસ્યા) અને વિયુતિ(પૂર્ણિમા)ના સમય તથા તિથિ(સૂર્યથી ચંદ્ર 12° કે તેના પૂર્ણાંક ગુણક અંશનું અંતર રાખે તે સમય)ની ખરી ગણતરી ઉપર આધાર રાખે છે. આ ગણતરી માટે પંચાંગકારો, પુરાણા ત્રણ સિદ્ધાંતમાં આપવામાં આવેલાં ચંદ્રગતિ માટેનાં સૂત્રોનો ઉપયોગ કરે છે. આ સૂત્રો અશુદ્ધ હોવાથી જરૂરી શુદ્ધિ કરી તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આવી શુદ્ધિને ‘વીજ’ કહે છે. આ શુદ્ધિઓને, ઉપર્યુક્ત સિદ્ધાંતકારોના સમય પછી, ભારતીય ખગોળશાસ્ત્રીઓએ અપનાવેલ છે.
લાંબા અનુભવે જણાયું કે ચંદ્રકળાઓના ચક્રના અવલોકન પરથી રચવામાં આવેલું આવું પંચાંગ બહુ સંતોષકારક ન હતું, કારણ કે 29½ દિવસના ચાંદ્ર માસને હિસાબે 12 માસનું એક વર્ષ ગણવા જઈએ તો વર્ષના દિવસ 354 થાય. પણ વર્ષ માટે તો સૂર્યનો આધાર લેવાયો હતો. અને એમાં તો 354 નહિ, પણ 365¼ દિવસ લાગતા હતા. હકીકતે, ‘વર્ષ’ શબ્દ જ વર્ષા નામની ઋતુ પરથી આવ્યો છે. એક વર્ષા ઋતુથી બીજી વર્ષા ઋતુ સુધીનો સમયગાળો એક વર્ષ ગણાય છે. વર્ષ દરમિયાન છએ છ ઋતુઓ આવી જાય છે. આમ પ્રાચીન પ્રજાએ ઋતુ ઋતુની વિશેષતાઓ પુનરાવર્તિત થવાના સમયગાળાને ‘વર્ષ’ તરીકે માનેલું. તે પૃથ્વીને સૂર્યની આસપાસની એક પ્રદક્ષિણા પૂરી કરતાં લાગતો સમય છે. આમાં બધી જ ઋતુઓ આવી જતી હોઈ તેને ‘ઋતુવર્ષ’ પણ કહે છે. અમુક ઉત્સવો તેમજ ખેતીનું સઘળું સમયપત્રક સૂર્યઆધારિત વર્ષને અનુલક્ષીને જ થતું હોઈ એને ‘વ્યવહારુ વર્ષ’ પણ કહે છે. આજે પણ આપણું વ્યવહારનું વર્ષ તો આ જ છે. એને ‘અયન-વર્ષ’ કે ‘સાયન-વર્ષ’ કે પછી ‘સાંપાતિક-વર્ષ’ પણ કહેવાય છે.
આ રીતે ઋતુના ચક્ર સાથે સંકળાયેલા સૂર્યઆધારિત વ્યવહારુ વર્ષમાં લગભગ 365 દિવસ થતા હતા, જ્યારે ચાંદ્ર પંચાંગના હિસાબે 354નો આંકડો મળતો હતો. આમ 29½ દિવસવાળા 12 ચાંદ્ર માસમાં કુલ 354 દિવસ થાય જે એક સૌર વર્ષ કરતાં લગભગ 11 દિવસ જેટલા ઓછા છે. તેથી પ્રત્યેક બીજા વર્ષે પ્રત્યેક માસનો આરંભ 11 દિવસ વહેલો થાય અને 3 વર્ષમાં 33 દિવસની ઘટ પડે છે. આ કારણે પ્રત્યેક ઋતુ, નક્કી કરેલા માસે જ પ્રતિવર્ષ આવે તેવું ગોઠવવા માટે, દર 2 કે 3 વર્ષે વર્ષના છેલ્લા મહિનાને 2 વાર ગણીને એક 13મો માસ ઉમેરવાનો શિરસ્તો ચાલુ થયો. આ રીતે, અમુક નિશ્ચિત વર્ષે વધારાનો જે માસ ઉમેરવામાં આવ્યો, તેને વધારાનો કે ‘અધિક માસ’ કહે છે. ભારતીય પરંપરામાં અધિક માસની વ્યવસ્થા ઠેઠ ઋગ્વેદમાં જોવા મળે છે. યજુર્વેદમાં અધિક માસોને ‘સંસર્પ’ અને ‘મલિમ્લુચ’ જેવાં નામ આપવામાં આવ્યાં છે. આધુનિક ભારતીય પંચાંગમાં મહિનાનો વર્ષ સાથે મેળ બેસાડવા દર 5 વર્ષે 2 અધિક માસ ઉમેરવાનો શિરસ્તો છે. એ રીતે, ભારતીય પંચાંગ માત્ર ચાંદ્ર નહિ, પણ ચાંદ્ર-સૌર પંચાંગ છે.
પ્રાચીન બૅબિલોનિયન પંચાંગ તેમજ પ્રાચીન યહૂદી પંચાંગ કેવળ ચાંદ્ર પંચાંગ જ હતાં. તેવી જ રીતે, મુસ્લિમ પંચાંગ પણ એના આરંભથી જ, સંપૂર્ણપણે ચાંદ્ર પંચાંગ છે અને તેને સૌર વર્ષ સાથે કશી નિસ્બત નથી. તેમાં અધિક માસ જેવી કોઈ વ્યવસ્થા નથી. મુસ્લિમ વર્ષ 12 ચાંદ્ર માસનું બને છે અને સાંજના આકાશમાં બાલ-ચંદ્ર(crescent moon)નાં દર્શનથી દરેક માસનો આરંભ થાય છે. તેથી દરેક મહિનાના 29 અથવા 30 દિવસ થાય છે. અને વર્ષ 354 કે 355 દિવસનું થાય છે. આમ, મુસ્લિમ પંચાંગમાંનું બેસતું વર્ષ, ઋતુને હિસાબે પાછળ હઠતું જાય છે અને લગભગ 32½ સૌર વર્ષના ગાળામાં એક ચક્ર પૂરું થાય છે. મુસ્લિમોનું વર્ષ કેવળ ચાંદ્ર વર્ષ છે.
આધુનિક ખ્રિસ્તી પંચાંગના મહિના ચાંદ્ર માસ નથી. ખ્રિસ્તી વર્ષ સૌર વર્ષ છે અને એમાં કુલ દિવસ 365 છે. ચોથા ભાગના દિવસનો મેળ મેળવવા દર 4 વર્ષે એક દિવસ ઉમેરવાની એમાં વ્યવસ્થા છે. આવા વધારાના દિવસવાળા વર્ષને પ્લુતવર્ષ (Leap year) કહે છે. શતાબ્દી વર્ષને 400 વડે નિ:શેષ ભાગી શકાય તેને પણ પ્લુત વર્ષ ગણાય છે.
ગૂંચવાડિયા ચાંદ્ર અને ચાંદ્ર-સૌર પંચાંગનો વિકાસ અને એમાં કરવા જરૂરી એવા શુદ્ધિસંસ્કારો જુદી જુદી પ્રજાએ પોતપોતાની રીતે કર્યા. પણ આ બધું કરવામાં આકાશના સતત અવલોકનની આવશ્યકતા ઊભી થઈ. સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને એના અનુસંધાને નક્ષત્રો અને તારાઓના વેધ લેવાયા. આ રીતે ખગોળનો ખૂબ વિકાસ થયો જેના મૂળમાં ચાંદ્ર-સૌર અને ચાંદ્ર પંચાંગોનો ફાળો ઘણો મોટો છે. આ રીતે ચંદ્ર-તિથિપત્રોના વિકાસમાં આડપેદાશ તરીકે ખગોળ વિકસ્યું. આથી ઊલટું, મિસરવાસી કે અન્ય જે જે પ્રજા કેવળ સૌર પંચાંગને જ અનુસરી તે ચોક્કસપણે સગવડભર્યું હતું પણ જિજ્ઞાસુ વૃત્તિ માટે તે રોધક નીવડેલ. સૂર્યને અનુસરવાને કારણે રાત્રિ-આકાશનું નિરીક્ષણ આ પ્રજાએ ઓછું કર્યું.
સુશ્રુત પટેલ