ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી) : આયુર્વેદીય ઔષધ.
પાઠ 1 : ચંદ્રોદય રસ 40 ગ્રામ, ભીમસેની કપૂર 40 ગ્રામ પ્રથમ ખરલમાં ખૂબ લઢી લઈ, બારીક કરી લઈ, પછી તેમાં જાયફળ, સમુદ્રશોષ(વરધારા)નાં બી, લવિંગ અને કસ્તૂરી 3-3 ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરી, ઉપર્યુક્ત દવામાં મિશ્ર કરવામાં આવે છે. ફરી દવા ખરલ કરી, તેમાં નાગરવેલનાં પાનનો રસ નાંખી તેની ઘૂંટાઈ કરીને 125 મિગ્રા.ની ગોળીઓ બનાવવામાં આવે છે. તેની 1થી 2 ગોળી દૂધ કે મધ કે ચ્યવનપ્રાશાવલેહ સાથે આપવામાં આવે છે.
પાઠ 2 : ચંદ્રોદય, અભ્રક ભસ્મ, ભીમસેની કપૂર, કેસર, લીંડીપીપર, અક્કલગરો તથા સમુદ્રશોષ (વરધારાનાં બી) – આ દરેક 10-10 ગ્રામ તથા કસ્તૂરી 3 ગ્રામ મેળવી, ખરલમાં નાંખી ખૂબ ઘૂંટાઈ કરી, તેમાં નાગરવેલનાં પાનનો રસ નાંખી, 12 કલાક ખરલ કરીને તેની 125 મિગ્રા.ની ગોળી બનાવવામાં આવે છે.
માત્રા : 1થી 2 ગોળી દૂધ કે મધ કે ચ્યવનપ્રાશ કે કૌંચાપાક સાથે આપવામાં આવે છે.
ઉપયોગ : સુવર્ણ મકરધ્વજ કે પૂર્ણ ચંદ્રોદય રસ કરતાં આ દવા વધુ સસ્તી છે. તેથી જ્યાં મકરધ્વજ કે ચંદ્રોદયનો ઉપયોગ બતાવેલ છે, તે બધાં દર્દોમાં અને તે બધી સ્થિતિમાં આ વટી મધ્યમ પ્રકારે કામ કરે છે. તે સસ્તી હોઈ, ગરીબ તથા મધ્યમવર્ગના દર્દીને વધુ અનુકૂળ આવે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા
બળદેવપ્રસાદ પનારા