ચંદ્રોદયાદિ વર્તિ

January, 2012

ચંદ્રોદયાદિ વર્તિ : આયુર્વેદિક ઔષધિ.

હરડે, વજ, ઉપલેટ,  લીંડીપીપર, કાળાં મરી, બહેડાનાં મીંજ, મન:શીલ તથા શંખનાભિ – આ બધી ચીજો સરખા વજને લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બે દિવસ ખરલમાં દવા ઘૂંટવામાં આવે છે. પછી તેમાં બકરીનું દૂધ થોડું થોડું ઉમેરતાં જઈ, દવા છ કલાક ઘૂંટ્યા પછી તેની લાંબી સળી કે વાટ-વર્તિ-બનાવી સૂકવીને ભરવામાં આવે છે.

ઉપયોગ : કફદોષ પ્રધાન કે માંસવૃદ્ધિથી થયેલા તમામ નેત્રરોગોની આ આંખમાં આંજવાની આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધિ છે. જે ખાસ દોષોનું લેખનનું (ઉખેડવાનું) કામ કરે છે અને ર્દષ્ટિને સ્વચ્છ-તેજસ્વી બનાવે છે. આ દવાની સળી પાણીમાં ઘસી, મધ મેળવીને આંખમાં  અંજાય છે અથવા તાંબાના સપાટ વાસણ પર દવા પાણી સાથે ઘસીને આંખમાં દરરોજ આંજવાથી, નેત્રરોગો – તિમિર (અંધારાં), ખૂજલી, નેત્રપટલ રોગ, અર્બુદ (tumor), અધિમાંસ, ફૂલું તથા રતાંધળાપણું કે કફદોષથી થયેલ અંધત્વ નાશ પામે છે. આ દવા મોતિયાના દર્દમાં તથા ઝામરના દર્દમાં પણ લાભ કરે છે. આ દવાના ચૂર્ણને પાણીમાં મિલાવી, ઉકાળીને, ઘટ્ટ પ્રવાહી રૂપ આપી, તેમાં સરખા ભાગે મધ મેળવીને શીશીમાં ભરી લઈ, કાચની કે સીસાની સળી વડે તેને આંખમાં આંજવાનું વધુ સરળ થઈ પડે છે.

 મધુકાન્ત ભગવાનજી પંડ્યા

બળદેવપ્રસાદ પનારા