ચંદ્રામૃત રસ : આયુર્વેદિક ઔષધિ.
પાઠ તથા નિર્માણ : સૂંઠ, મરી, લીંડી પીપર, હરડે, બહેડાં, આમળાં, ચવક, ધાણા, જીરું અને સિંધવ આ 10 વસ્તુઓ 10-10 ગ્રામ લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં મૂકી, તેમાં બકરીનું દૂધ નાંખતા જઈ 6 કલાક ખરલ કરવામાં આવે છે. તે પછી તેમાં શુદ્ધ પારો, શુદ્ધ ગંધક અને લોહભસ્મ 20-20 ગ્રામ તથા ફુલાવેલ ટંકણખાર 40 ગ્રામ તથા મરી ચૂર્ણ 20 ગ્રામ ઉમેરવામાં આવે છે. પ્રથમ પારા-ગંધકને અલગ ઘૂંટીને કાજળી બનાવ્યા પછી તેમાં બીજાં દ્રવ્યોનું ચૂર્ણ મેળવી, ખરલમાં બધું ઘૂંટી, ફરી બધું ખરલમાં સાથે લઈ, તેમાં બકરીનું દૂધ મેળવેલ ચૂર્ણ ભેળવી, જરૂર પૂરતું બકરીનું દૂધ નાંખી 3 કલાક ખરલ કરીને 365 મિગ્રા.ની ગોળી બનાવવામાં આવે છે.
માત્રા–અનુપાન : વયસ્કને 1થી 2 ગોળી દિનમાં 2થી 3 વાર દર્દના પ્રકાર મુજબ આપવામાં આવે છે. બકરીનું દૂધ, કળથીનો ઉકાળો, આદાનો રસ, મધ કે પાણી સાથે આપવામાં આવે છે.
ગુણધર્મ–ઉપયોગ : આ રસયન-ઔષધિ વાતપિત્તપ્રધાન, વાત-કફપ્રધાન, પિત્ત-કફપ્રધાન (દ્વિદોષજ); વાતજ અને પિત્તજ ખાંસી, રક્તયુક્ત ખાંસી, સૂકી ખાંસી, કફવાળી ઉધરસ, શ્વાસયુક્ત ખાંસી, તાવ સાથેનો શ્વાસ; તૃષા, દાહ, ભ્રમ, ગુલ્મ, બરોળવૃદ્ધિ, ઉદરરોગ, આફરો, કૃમિ, હૃદયરોગ, પાંડુરોગ, જીર્ણ જ્વર વગેરે રોગોનો નાશ કરે છે. ભારે ખાંસીને તો એ 1-2 દિનમાં જ મટાડી દે છે અને અગ્નિ (પાચનશક્તિ), બળ તથા વીર્યને પણ વધારે છે. ફેફસાંમાં કફ વધુ ભરાયો હોય અને તાવ પણ રહેતો હોય ત્યારે આ દવા ભારંગ્યાદિ ક્વાથ, દ્વાત્રિદસાંખ્ય ક્વાથ કે વાસા(અરડૂસી)દિ ક્વાથ સાથે વાપરવાથી સારો લાભ થાય છે. આમ જુદી જુદી જાતની ખાંસી મટાડવામાં તે અસરકારક છે.
બળદેવપ્રસાદ પનારા