ચંદ્રસૂરિ (ઈ. સ. 1137માં હયાત) : જૈન મુનિ. આચાર્ય ચંદ્રસૂરિ મલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર શિષ્ય હતા. એક વાર આ ચંદ્રસૂરિ વિહાર કરતા ધોળકા આવ્યા ત્યારે ત્યાંના ધવલ નામના શ્રેષ્ઠીએ તેમને ‘મુનિસુવ્રતચરિત’ રચવા વિનંતી કરી. તેથી આશાવલ્લીપુરી-(આશાવળ)માં નાગિલ શ્રેષ્ઠીના પુત્રોના ઘેર રહીને 1137માં એમણે 11,000 શ્લોકોનું ‘મુનિસુવ્રતચરિત’ લખ્યું. આ ગ્રંથના અંતમાં એમણે 100 શ્લોકની પ્રશસ્તિ મૂકી છે જેમાંથી એમના ગુરુ, દાદા-ગુરુ, કેટલાંક નગરો અને શ્રેષ્ઠીઓ વિશે માહિતી મળે છે. એમાં જણાવ્યા પ્રમાણે જૈનોનો એક સંઘ અણહિલવાડ પાટણથી ગિરનારની યાત્રા કરવા નીકળ્યો ત્યારે છેલ્લો મુકામ વંથળીમાં કર્યો હતો. સોરઠના એ સમયના ચૂડાસમા રાજા ખેંગારની આ સંઘને લૂંટવાની ઇચ્છા થઈ; પરંતુ મલધારી હેમચંદ્રસૂરિએ એને ઉપદેશ આપી એના મનમાંથી દુષ્ટ વિચારો દૂર કરી સંઘને લૂંટફાટની ગંભીર આપત્તિમાંથી બચાવ્યો હતો. આ પ્રશસ્તિમાંથી પાટણ, ભરૂચ, આશાવલ્લી, હર્ષપુર, વંથળી, ધોળકા, ધંધૂકા, રણથંભોર, સાંચોર વગેરે સ્થળોની તથા મહાઅમાત્ય સાન્તુ, અણહિલપુરનો શ્રેષ્ઠી સીયા, ધોળકાનો શ્રેષ્ઠી ધવલ, આશાવલ્લીનો શ્રીમાળી શ્રેષ્ઠી નાગિલ વગેરે મહાજનોની માહિતી મળે છે. આ પ્રશસ્તિમાં શાકંભરીનો રાજા પૃથ્વીરાજ, ગ્વાલિયરનો રાજા ભુવનપાલ, સોરઠનો રાજા ખેંગાર અને અણહિલપુરના રાજા સિદ્ધરાજ જયસિંહનો ઉલ્લેખ છે. આમ ચંદ્રસૂરિરચિત આ પ્રશસ્તિમાંથી ઘણી ઐતિહાસિક અને મહત્વની માહિતી મળે છે. ચંદ્રસૂરિએ ‘મુનિસુવ્રતચરિત’ ઉપરાંત ‘સંગ્રહણી’, ‘ક્ષેત્રસમાસ’ વગેરે પ્રાકૃત ગ્રંથો પણ લખ્યા છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી