ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ

January, 2012

ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ (જ. 6 ઑગસ્ટ 1930, કોલકાતા; અ. 8 માર્ચ 2004, બેંગાલુરૂ, કર્ણાટક) : ભારતમાં દ્રવસ્ફટિક ભૌતિકી (liquid crystal physics) તથા તેના ઉપયોગના મૌલિક પ્રણેતા. ભારતીય ભૌતિકશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઑનર્સ) અને ત્યારપછી એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, બે સુવર્ણચંદ્રક મેળવી, 1950–54 સુધી બૅંગાલુરુની ‘રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં રિસર્ચ સ્કૉલર તરીકે કામ કર્યું. અહીં તેમણે સ્ફટિકીય ધ્રુવણ ઘૂર્ણકતા (crystalline-optical activity) ઉપર કામ કર્યું અને દ્રાવણમાં પ્રકાશ સક્રિય (optically active) ન હોય તેવા સ્ફટિકના ભ્રમિત વિચલન (rotatory dispersion) માટે એક નવું જ સૂત્ર સૂચવ્યું. 1954–57 સુધી કૅમ્બ્રિજની કૅવેન્ડિશ લૅબોરેટરીમાં ‘1851 એક્ઝિબિશન સ્કૉલર’ તરીકે કામ કરી, એક્સ-કિરણો વડે સ્ફટિક બંધારણ ચોકસાઈપૂર્વક નક્કી કરવામાં મુખ્ય તેમજ ગૌણ અસરો વડે ઉદભવતી ક્ષતિનું નિવારણ કરવા માટેની એક સૈદ્ધાંતિક રીત સૂચવી. આનું પ્રાયોગિક સમર્થન યુનિવર્સિટી કૉલેજ, લંડન અને ‘ડેવી ફૅરડે રિસર્ચ લૅબોરેટરી’ – રૉયલ ઇન્સ્ટિટ્યૂટ, લંડનમાં 1959–61 દરમિયાન, રિસર્ચ ફેલો તરીકે કામ કરતાં કર્યું હતું. તે અગાઉ 1957–59 દરમિયાન તેઓ ‘ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ’(D.S.I.R.)ના ફેલો હતા તથા યુનિવર્સિટી કૉલેજ, લંડનના, સ્ફટિકશાસ્ત્ર (crystallography) વિભાગના અધ્યક્ષ તથા શૈક્ષણિક સ્ટાફના સભ્ય તરીકેની કામગીરી બજાવી હતી. મૈસૂરની મૈસૂર યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રનો નવો અનુસ્નાતક વિભાગ શરૂ કરવા માટે 1961માં ત્યાં જોડાયા અને દ્રવ-સ્ફટિક ઉપર કામ શરૂ કર્યું. ત્યાં 1966–71 સુધી સિનિયર પ્રોફેસર તરીકે રહ્યા. 1971–90 દરમિયાન રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ‘લિક્વિડ ક્રિસ્ટલ લૅબોરેટરી’ના પ્રોફેસર અને અધ્યક્ષપદે રહ્યા. 1990થી બૅંગાલુરુના ‘સેન્ટર ફૉર લિક્વિડ ક્રિસ્ટલ રિસર્ચ’ના ડિરેક્ટર તરીકે તેમની નિયુક્તિ થઈ. તેમણે નેમેટિક, સ્મેક્ટિક અને કૉલેસ્ટૉરિક દ્રવ-સ્ફટિકો ઉપર સતત સંશોધનકાર્ય કર્યું છે, જેના યોગદાનનો ક્ષેત્રવિસ્તાર બહુ મોટો છે. પરંતુ આ બધામાં, 1977ની ડિસ્કૉટિક દ્રવ-સ્ફટિકની શોધ માટે તેઓ સૌથી વધુ યાદ રહેશે. ભૌતિકી-રાસાયણિક (physico-chemical) વિચારધારા ઉપર આધારિત, પદાર્થના આ નવા સ્વરૂપનું સંયોજન (synthesis) તેમણે તેમની પ્રયોગશાળામાં કર્યું અને એક્સ-રે વિવર્તન દ્વારા બતાવ્યું કે આ સ્વરૂપ, તકતી આકારના અસંખ્ય અણુઓનું બનેલું છે. તેના પ્રવાહી જેવા ગુણધર્મ એક દિશામાં અને સ્ફટિક જેવા ગુણધર્મ તેની લંબ દિશામાં, લાંબા અંતર સુધી વિસ્તરેલા છે. 1986થી 1991ના સમયગાળામાં, 1986–87માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની પ્રેમ્બૉક કૉલેજમાં ફેલો તરીકે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રોફેસર તરીકે રહ્યા. 1990માં C.S.I.R.ના ભટનાગર ફેલો થયા; અને 1991માં બૅંગાલુરુના જવાહરલાલ નેહરુ સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના માનાર્હ પ્રોફેસર બન્યા.

નાગપુર યુનિવર્સિટીમાંથી ડી.એસસી. તથા કૅમ્બ્રિજમાંથી પીએચ.ડી. અને એસસી.ડી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ) થયા હતા. મૈસૂર યુનિવર્સિટીએ તેમને માનાર્હ પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી હતી. તેમની અન્ય સિદ્ધિઓ નીચે પ્રમાણે છે :

(A) ફેલો તરીકે :

રૉયલ સોસાયટી લંડન; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ, લંડન; ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી (I.N.S.A.); ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ (I.A.S.), ભારત; માનદ ફેલો નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ભારત; CSIRના પ્રવર્તિત ભટનાગર ફેલો.

 (B) સ્થાપક તરીકે :

સ્થાપક ફેલો : ‘ધ થર્ડ વર્લ્ડ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ’;

સ્થાપક સભ્ય : ‘ઇન્ડિયન ફિઝિક્સ ઍસોસિયેશન’;

સ્થાપક પ્રમુખ : ‘ઇન્ટરનૅશનલ લિક્વિડ ક્રિસ્ટલ સોસાયટી’.

 (C) ચંદ્રક, પ્રાઇઝ અને ઍવૉર્ડ :

1. આર. કે. ચાંદોરકર સુવર્ણચંદ્રક અને પ્રખ્યાત ગણપત રાવ સુવર્ણચંદ્રક 1950 – નાગપુર યુનિવર્સિટી

2. C.S.I.R. સિલ્વર જ્યુબિલી ઍવૉર્ડ, 1972

3. ફિઝિકલ સાયન્સીઝ માટેનું ભટનાગર પ્રાઇઝ 1972

4. સાયન્સ માટેનો ફેડરેશન ઑવ્ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ચેમ્બર ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI)નો ઍવૉર્ડ, 1979

5. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)નો સી. વી. રામન ઍવૉર્ડ, 1981

6. ફિઝિક્સ માટેનો મહેન્દ્ર લાલ સરકાર ઍવૉર્ડ 1984

7. કર્ણાટક રાજ્યોત્સવ ઍવૉર્ડ, 1986

8. INSAનો હોમી ભાભા ચંદ્રક, 1987

9. ‘ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑવ્ સાયન્સ, કૉલકાતા’નો સી.વી. રામન શતાબ્દી ચંદ્રક, 1988

10. ‘એમ. પી. કાઉન્સિલ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી’નો સાયન્સ માટેનો જવાહરલાલ નેહરુ ઍવૉર્ડ, 1991

11. INSAનો મેઘનાદ સહા ચંદ્રક, 1992

12. ‘ઇન્ડિયન ફિઝિક્સ ઍસોસિયેશન’નો આર. ડી. બિરલા ઍવૉર્ડ, 1992

13. ‘ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ’નો સી. વી. રામન જન્મશતાબ્દી ઍવૉર્ડ, 1993

14. ‘રૉયલ ચંદ્રક’ રૉયલ સોસાયટી, લંડન, 1994

15. પદ્મભૂષણ, 1998

 (D) પ્રકાશનકાર્ય :

1. ‘લિક્વિડ ક્રિસ્ટલ્સ’ : કૅમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ

2. આંતરરાષ્ટ્રીય સામયિક ‘મોલેક્યુલર ક્રિસ્ટલ્સ ઍન્ડ લિક્વિડ ક્રિસ્ટલ્સ’ (ગૉર્ડન ઍન્ડ બ્રીચ)ના સંપાદક

 (E) સ્મારક વ્યાખ્યાન :

1. યુ.જી.સી., 1971–72

2. માલવિયા – બનારસ હિંદુ યુનિવર્સિટી, 1976

આ ઉપરાંત તેમણે ભારતની તેમજ વિદેશની અનેક સંસ્થાઓમાં વિશિષ્ટ વ્યાખ્યાનો આપ્યાં છે.

દ્રવ-સ્ફટિક ક્ષેત્રે પહેલ કરનાર તથા સતત પ્રદાન કરનાર શિવરામ કૃષ્ણનું સન્માન કરવા, મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (યુ.એસ.) દ્વારા તેમની ષષ્ટિપૂર્તિ પ્રસંગે દ્રવ-સ્ફટિક ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ(symposium)નું આયોજન કરવામાં આવ્યું હતું.

એરચ મા. બલસારા

રાજેશ શર્મા