ચંદ્રવૃત્તિ (પાંચમી સદી) : બંગાળના બૌદ્ધમતાવલંબી વૈયાકરણ ચંદ્રગોમીએ (ઈ. સ. 400) 6 અધ્યાયમાં લખેલું લૌકિક સંસ્કૃત ભાષાનું સૂત્રાત્મક વ્યાકરણ. તેની ઉપર સ્વોપજ્ઞવૃત્તિ પણ રચી છે. ભર્તૃહરિએ વાક્યપદીય(2.481)માં પતંજલિકૃત ‘વ્યાકરણ-મહાભાષ્ય’નો પુનરુદ્ધાર કરનાર તરીકે જે ‘ચંદ્રાચાર્ય’નો ઉલ્લેખ કર્યો છે, તે જ આ ચાંદ્ર વ્યાકરણ લખનાર ચંદ્રગોમી હોવા સંભવ છે. ચાંદ્ર વ્યાકરણનાં ઉપાંગો તરીકે વર્ણસૂત્ર, પરિભાષાપાઠ, ઉણાદિસૂત્રો, ધાતુપાઠ, ગણપાઠ અને લિંગાનુશાસન મળે છે. આ વ્યાકરણ જાણે પાણિનીય વ્યાકરણની પુન: સંશોધિત આવૃત્તિ હોય એવું લાગે છે. પાણિનીય વ્યાકરણમાં વાર્તિકો અને મહાભાષ્ય દ્વારા જે સુધારાવધારા સૂચવાયા છે તે બધાને ચાંદ્ર વ્યાકરણમાં સમાવી લેવાયા છે. અલબત્ત, પાણિનિએ જે પ્રત્યાહાર, અનુવૃત્તિ, અનુબંધ વગેરેની તાંત્રિક વ્યવસ્થાઓ ઊભી કરી છે તેનું અહીં અનુસરણ કરવામાં આવ્યું છે. તથાપિ પાણિનિએ પ્રયોજેલી ‘ટિ’, ‘ઘુ’, ‘ભ’ જેવી એકાક્ષરી કૃત્રિમ સંજ્ઞાઓનો અહીં ત્યાગ કરવામાં આવ્યો છે. તેથી તેને ‘ચંદ્રોપજ્ઞમ્ અસંજ્ઞકમ્ વ્યાકરણમ્’ પણ કહેવાય છે. જોકે અહીં પાણિનીય વિષયાનુક્રમ બદલવામાં આવ્યો છે, તોપણ તેને પ્રક્રિયાગ્રન્થના સ્વરૂપની આવશ્યકતા રહે છે. તિબેટમાંથી મળેલી એક હસ્તપ્રતને આધારે લીબિશે તેનું પ્રકાશન કર્યું હતું. ત્યારપછી ક્ષિતીશચંદ્ર ચટ્ટોપાધ્યાયે પુણેથી બીજું સંસ્કરણ બહાર પાડ્યું છે.
વસંતકુમાર મ. ભટ્ટ