ચંદ્રપુર : પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લાનું વહીવટી મથક. ચંદ્રપુર જૂના સમયમાં ચાંદા તરીકે જાણીતું હતું. તે વર્ધા નદીને કિનારે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 19° 57’ ઉ. અ. અને 79° 18’ પૂ. રે..
બારમીથી અઢારમી સદી દરમિયાન તે ગોંડ સામ્રાજ્યના વિસ્તારમાં હતું. ત્યારબાદ તેને નાગપુરના મરાઠાઓ(ભોંસલે)એ જીતી લીધું. 1854થી 1947 સુધી બ્રિટિશ રાજ્યમાં તે મધ્યપ્રાંતનો ભાગ હતું.
મુખ્ય રેલમાર્ગ અને સડકમાર્ગ પર આવેલું ચંદ્રપુર ખેતી-વેપારનું અગત્યનું કેન્દ્ર છે. કપાસ અહીંની મુખ્ય પેદાશ છે. અહીં સ્થાનિક ખનિજો પર આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. અહીં કોલસાની ખાણો આવેલી છે. અહીંનું કાચકામ વખણાય છે. આ ઉપરાંત ચંદ્રપુર રેશમના કાપડ અને ચર્મકામ માટે પણ જાણીતું છે. અહીં નાગપુર યુનિવર્સિટી સાથે સંકળાયેલી 2 કૉલેજો આવેલી છે.
ચંદ્રપુર ખાતે તોડોબા રાષ્ટ્રીય ઉદ્યાન (116 ચોકિમી.) મગર, વાઘ અને હનુમાન વાનરો માટે જાણીતો છે.
ચંદ્રપુર જિલ્લાનું ક્ષેત્રફળ 11,417 ચોકિમી. છે. આ જિલ્લામાંથી પેનગંગા (વર્ધા) અને વેનગંગા નામની ગોદાવરીને મળતી બે નદીઓ વહે છે. ખેતીના ઉત્પાદનમાં આ જિલ્લો સમૃદ્ધ છે. ડાંગર, બાજરી, તમાકુ અને કપાસ મુખ્ય પાક છે. નદીની ખીણમાંથી જતી નાની ટેકરીઓની હારમાળા જંગલોથી છવાયેલી છે, જેમાંથી મોટા પ્રમાણમાં લાકડું મળી રહે છે. એલ્લાપલ્લીનાં જંગલોમાંથી ઉત્તમ પ્રકારનું સાગનું લાકડું મળે છે.
આ જિલ્લામાં તાંબાની ખાણો પણ આવેલી છે. આ જિલ્લામાં અનાજની મિલો, કપાસ લોઢવાનાં જિન, માટીકામ એ મુખ્ય ઉદ્યોગ છે. જિલ્લાની વસ્તી 21,94,262 (20101) છે. વિસ્તાર 11,417 ચોકિમી. છે.
ગિરીશ ભટ્ટ