ચંદ્રનગર

January, 2012

ચંદ્રનગર : પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું ભૂતપૂર્વ ફ્રેન્ચ સંસ્થાન. તે કૉલકાતાથી 35 કિમી. દૂર છે અને પૂર્વ રેલવેના હુગલી–હાવરા માર્ગ ઉપર આવેલું છે. કોલકાતા સાથે તે રેલ તથા સડકમાર્ગ દ્વારા જોડાયેલું છે. 1673માં ફ્રેન્ચોએ અહીં તેમની વેપારી કોઠી નાખી વસવાટ કર્યો હતો. 1688માં ઔરંગઝેબે તેમને કાયમી વસવાટ માટે પરવાનગી આપી હતી. 1751માં અંગ્રેજ અને ફ્રેન્ચ પ્રજા વચ્ચે વિગ્રહ થતાં ઍડમિરલ વૉટસને દરિયાઈ માર્ગે તથા રૉબર્ટ ક્લાઇવે ભૂમિમાર્ગે હુમલો કરી તે જીતી લીધું હતું. 1815માં તે ફ્રેન્ચોને પાછું મળ્યું હતું. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે યુરોપમાં યુદ્ધ ફાટી નીકળતાં ભારતમાં ચંદ્રનગરનો કબજો યુદ્ધના પરિણામ પ્રમાણે બદલાતો રહ્યો હતો. 1949માં જનમત લેવાતાં તે ભારત સાથે ભળ્યું અને 1950માં તેનો હુગલી જિલ્લામાં સમાવેશ કરાયો છે.

આઝાદીની લડત દરમિયાન બંગાળના ક્રાંતિકારીઓ અહીં આશ્રય લેતા હતા. ભારતમાં ફ્રેન્ચોની સત્તા ર્દઢ કરનાર દૂપ્લેનું પૂતળું એક ચોકમાં મુકાયેલું છે. અહીં 3 કૉલેજો અને એક કાંતણ મિલ આવેલી છે જેના સૂતરની અગાઉ નિકાસ થતી હતી. આઝાદી પૂર્વે આફ્રિકાનાં ફ્રેન્ચ સંસ્થાનો તથા ફ્રાન્સ સાથે તેનો વેપાર હતો. હાલ આ વેપારી સંબંધો લગભગ કપાઈ ગયા છે.

શિવપ્રસાદ રાજગોર