ચંદ્રકાન્ત મણિ (moonstone) : ફેલ્સ્પાર વર્ગના ખનિજનો એક અર્ધકીમતી રત્નપ્રકાર. સામાન્ય રીતે પારદર્શક, ક્વચિત્ પારભાસક. ઑર્થોક્લેઝ, આલ્બાઇટ કે લેબ્રેડોરાઇટ જેવાં ફેલ્સ્પાર વર્ગનાં ખનિજ જ્યારે સુંદર, મૌક્તિક ચમકવાળાં હોય અને અનેકરંગિતાનો ગુણધર્મ ધરાવતાં હોય ત્યારે રત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. ચંદ્રકાન્ત મણિમાં જોવા મળતું વિશિષ્ટ સૌંદર્ય તેની આંતરિક સંરચનાને કારણે ઉત્પન્ન થતી વિવિધ સામૂહિક દૃશ્યઅસરને લીધે હોય છે. ઑર્થોક્લેઝ અને આલ્બાઇટથી બનેલા અતિસૂક્ષ્મ પડરચનાવાળા સંયુક્ત ખનિજમાં ભૂરા રંગની વારાફરતી ઓછીવત્તી ઝાંય દેખાય છે. પડ જેટલાં વધુ સૂક્ષ્મ એટલો વધુ ભૂરો રંગ દેખાય. ચંદ્રકાન્ત મણિમાં આ અસર સ્પષ્ટ જોઈ શકાય છે.
ચંદ્રકાન્ત મણિનું નામ દૃશ્યમાન અસર (visual effect) પરથી પાડવામાં આવ્યું છે. દુધિયા અને આછા વાદળી રંગના છાંયની મણિના આંતરિક વિભાગમાં દેખાય છે. ચંદ્રકાન્ત મણિનો ઉપયોગ આભૂષણોમાં પ્રાચાન અને અર્વાચીન સમયમાં પમ વ્યાપક રીતે થઈ રહ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા