ચંદેલ વંશ અને રાજ્ય : ચંદ્રથી ઉત્પન્ન થયેલ મનાતા ચંદ્રત્રેય નામના ઋષિના વંશજો. રજપૂતોની 36 શાખાઓમાં ચંદેલાની ગણતરી કરવામાં આવે છે. આ વંશના શરૂઆતના રાજાઓ કનોજના ગૂર્જર પ્રતિહાર વંશના સામંતો જેવા હતા. ચંદેલ રાજવંશની સ્થાપના નન્નુક નામના રાજાએ ઈસુની નવમી સદીની પ્રથમ પચીશી દરમિયાન કરી હતી. એનું મુખ્ય મથક ખર્જુરવાહક (અત્યારનું ખજુરાહો) હતું. એ બુંદેલખંડમાં દેવગઢ તથા ઝાંસીની વચ્ચે જૂના છત્તરપુર રાજ્યમાં આવેલું હતું. નન્નુક પછી એનો પુત્ર વાક્પતિ ગાદીએ આવ્યો. વાક્પતિને જયશક્તિ અને વિજયશક્તિ નામના બે પુત્ર હતા. વાક્પતિ પછી જયશક્તિ રાજા બન્યો. જયશક્તિ જેજ્જાક અથવા જેજા તરીકે પણ ઓળખાતો. તેથી ચંદેલાઓનો પ્રદેશ ‘જેજાકભુક્તિ’ તરીકે પ્રસિદ્ધ થયો. જયશક્તિ પછી એનો નાનો ભાઈ વિજયશક્તિ ગાદીએ આવ્યો. તે વિજ્જક તરીકે ઓળખાતો હતો. આ બંને ભાઈઓએ 851થી 875 દરમિયાન રાજ્ય કર્યું. વિજયશક્તિ પછી એનો પુત્ર રાહિલ રાજા બન્યો. ઉત્તરપ્રદેશમાં હમીરપુર જિલ્લામાં મહોબા શહેરથી 3 કિલોમીટર દૂર રાહિલ્ય નામનું ગામ છે તે એણે વસાવ્યું હોવાનો સંભવ છે. રાહિલ પછી એનો પુત્ર હર્ષ ગાદીએ આવ્યો. એણે લગભગ 900થી 925 સુધી રાજ્ય કર્યું.
હર્ષના રાજ્યકાલ દરમિયાન ચંદેલાઓની રાજકીય સત્તામાં ઘણો વધારો થયો. એણે કનોજના પ્રતિહાર રાજવી ક્ષિતિપાલદેવ ઉર્ફે મહીપાલ પહેલાને કનોજની ગાદી મેળવી આપવામાં મદદ કરી. એણે માળવાના ચાહમાન વંશની કંચુકા નામની રાજકન્યા સાથે લગ્ન કર્યાં હતાં. હર્ષના અવસાન પછી તેનો યશોવર્મન ઉર્ફે લક્ષવર્મન નામનો પુત્ર રાજા બન્યો. પ્રતિહારોની નબળાઈનો લાભ લઈને એણે એમની પાસેથી કાલિંજર જીતી લીધું. તેણે તેના રાજ્યની હદ ચેદિ તથા માળવા સુધી વિસ્તારી. એણે પાલ અને કંબોજ વંશના પ્રદેશો ઉપર ચડાઈ કરી. ઉપરાંત ગૌડ અને મિથિલા જીતી લીધાં. આમ યશોવર્મન એક મહાન વિજેતા અને સેનાપતિ હતો. એણે ખજુરાહોમાં ભવ્ય ચતુર્ભુજ મંદિર બંધાવીને તેમાં પ્રતિહાર રાજા દેવપાલ પાસેથી મેળવેલ વિષ્ણુની મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
યશોવર્મન પછી એનો પુત્ર ધંગ ગાદીએ આવ્યો. ધંગ ચંદેલ વંશનો પ્રથમ સ્વતંત્ર રાજવી હતો. એ પોતાને કાલિંજરના અધિપતિ તરીકે ઓળખાવતો હતો. વજ્રદામન નામના રાજાએ તેની પાસેથી 977 આસપાસ ગ્વાલિયર જીતી લીધું; પરંતુ બીજી તરફ ધંગે કાશિકા (બનારસ) સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. એણે ‘મહારાજાધિરાજ’નું બિરુદ ધારણ કર્યું. એણે ખજુરાહોમાં કેટલાંક મંદિરો બંધાવ્યાં. આ મંદિરો શિલ્પસ્થાપત્ય અને કામક્રીડાનાં ર્દશ્યો માટે પ્રસિદ્ધ છે. એણે લગભગ 954થી 1002 સુધી રાજ્ય કર્યું. તેનું 100 વર્ષની ઉંમરે પ્રયાગમાં અવસાન થયું. ધંગ પછી એનો પુત્ર ગંડ અને ગંડ પછી એનો પુત્ર વિદ્યાધર રાજગાદીનો વારસ બન્યો. વિદ્યાધરના સમયમાં મહમૂદ ગઝનવીએ બે વખત કાલિંજર પર હુમલો કર્યો; પરંતુ વિદ્યાધરે એને મોટી રકમ આપી એની સાથે સંધિ કરી. વિદ્યાધર પછી ગાદીએ આવેલ એના પુત્ર વિજયપાલે કલચુરિ વંશના રાજા ગંગેયદેવને હરાવ્યો. વિજયપાલ પછી એનો પુત્ર દેવેન્દ્રવર્મન રાજા બન્યો. તેણે 1050 સુધી રાજ્ય કર્યું. દેવેન્દ્રવર્મન પછી એનો નાનો ભાઈ કીર્તિવર્મન ગાદીએ આવ્યો, તેણે 1073 સુધી રાજ્ય કર્યું. એણે કીર્તિગિરિ નામનો કિલ્લો બંધાવ્યો જે હાલમાં દેવગઢ તરીકે ઓળખાય છે. કીર્તિવર્મનના કેટલાક સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે.
કીર્તિવર્મન પછી એનો પુત્ર સલક્ષણવર્મન ગાદીએ આવ્યો. તેણે માળવાના પરમાર રાજા નરવર્મન અને ચેદિના કલચુરિ રાજા યશકર્ણને હરાવ્યા. 1117 આસપાસ એનો પુત્ર જયવર્મન ગાદીએ આવ્યો. એણે થોડો સમય રાજ્ય કરીને પોતાના કાકા (સલક્ષણવર્મનના નાના ભાઈ) પૃથ્વીવર્મનની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. પૃથ્વીવર્મન પછી એનો પુત્ર મદનવર્મન ગાદીએ આવ્યો. તેણે 1129થી 1163 સુધી રાજ્ય કર્યાના નિર્દેશ મળે છે. તેના સમયમાં ગુજરાતના ચૌલુક્ય રાજવી જયસિંહ સિદ્ધરાજે ધારાની જીત વખતે મહોબા (મહોત્સવનગર) ઉપર આક્રમણ કર્યું હતું. મદનવર્મન પછી તેનો પૌત્ર (યશોવર્મનનો પુત્ર) પરમર્દી 1165 આસપાસ ગાદીએ આવ્યો. પરમર્દીનો છેલ્લો અભિલેખ 1201નો મળે છે. 1182માં ચાહમાન રાજા પૃથ્વીરાજ ત્રીજાએ પરમર્દીને હરાવીને જેજાકભુક્તિ મંડળ જીતી લીધું. 1202માં કુતુબુદ્દીન ઐબકે કાલિંજર જીતી લીધું; પરંતુ 1205 પૂર્વે પરમર્દીના પુત્ર ત્રૈલોક્યવર્મન ઉર્ફે ત્રૈલોક્યમલ્લે તે પાછું મેળવ્યું. ત્રૈલોક્યવર્મનના 1205થી 1242 સુધીના અભિલેખો મળે છે. તેના સમયમાં ભોજક નામના રાજાએ બુંદેલખંડ ઉપર અને સુલતાન ઈલ્તુત્મીશના સેનાપતિ મલિક નસરતુદ્દીન તપસાઈએ કાલિંજર ઉપર આક્રમણ કર્યું હતું.
ત્રૈલોક્યવર્મન પછી એનો પુત્ર વીરવર્મન ગાદીએ આવ્યો (1254). એણે એના રાજ્યને અખંડિત રાખ્યું. વીરવર્મન પછી ભોજવર્મન (સંભવત: એનો પુત્ર) અને ભોજવર્મન પછી એનો ભાઈ હમીરવર્મન 1289માં ગાદીએ આવ્યો. એણે 1308 સુધી રાજ્ય કર્યું. 1309માં અલાઉદ્દીન ખલજીએ તેનું દામોહ પરગણું જીતી લીધું. એ પછી 1315માં બુંદેલખંડમાં વીરવર્મન બીજો રાજ્ય કરતો હતો એમ જાણવા મળે છે. એ વીરવર્મન બીજાના વંશજો વિશે કોઈ માહિતી મળતી નથી.
ચંદેલ રાજાઓ જેવા પરાક્રમી હતા તેવા જ સાહિત્ય અને કલાને પ્રોત્સાહન આપનાર હતા. તેમના વહીવટી તંત્રમાં મંત્રી નામનો એક અધિકારી હતો, જે ‘મહામહત્તક’ અને ‘માંડલિક’નાં બિરુદો ધરાવતો હતો. એ ઉપરાંત, ‘સંધિવિગ્રહિક’ (વિદેશી બાબતોનો પ્રધાન), ‘કોટ્ટપાલ’ (શહેરનો રક્ષક) અને ‘શ્રેષ્ઠી’ (નાણાં વ્યાજે આપનાર) નામના અધિકારીઓ હતા. છેલ્લા 3 અધિકારીઓની સમિતિને ‘પંચકુલ’ તથા ‘ધર્માધિકરણ’ (ન્યાયની અદાલત) તરીકે ઓળખવામાં આવતી. મૃત્યુ પામેલા સૈનિકોનાં કુટુંબોની સંભાળ લેવા માટે ખાસ વ્યવસ્થા હતી. સ્થાનિક વહીવટી તંત્રમાં ગામોના સમૂહને ‘વિષય’ અથવા ‘પંથક’ તરીકે ઓળખવામાં આવતા.
મુગટલાલ પોપટલાલ બાવીસી