ચંદરયા, મનુભાઈ પ્રેમચંદ (જ. 1 માર્ચ 1929, નૈરોબી, કેન્યા) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ કેન્યામાં લીધું હતું. ભારતમાં આવીને 1949માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (રસાયણ અને ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવ્યા બાદ 1950માં અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીમાંથી બી. એસ. (એન્જિનિયરિંગ) અને 1951માં એમ. એસ.(એન્જિનિયરિંગ)ની પદવીઓ પ્રાપ્ત કરી.
1951માં આફ્રિકા પરત આવી નૈરોબીમાં વાસણો, પ્રેશર-કૂકર, ફાનસ વગેરેના ઉત્પાદનની શરૂઆત કરી. પાછળથી યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં પણ તેનું ઉત્પાદન શરૂ કર્યું. સમયાંતરે તેમણે ઝામ્બિયા, નાઇજીરિયા, કૅમેરૂન્સ, મોરૉક્કો, સેનિગૉલ વગેરે દેશોમાં વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતા 40 ઔદ્યોગિક એકમોની સ્થાપના કરી હતી; પરંતુ રાજકીય પલટાઓના પરિણામે ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ થવાથી હાલ અમુક દેશોમાં જ તેમના ઔદ્યોગિક એકમો કાર્યરત છે. દા.ત., ચંદેરિયા ગૃહના ઉદ્યોગો ભારત, અગ્નિ એશિયાના દેશો, ઑસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા અને યુરોપમાં વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમનાં આફ્રિકાનાં સાહસોમાં મબાટી રોલિંગ મિલ્સ, ગેલશીટ કેન્યા, કાલુ વર્ક્સ ઍલ્યુમિનિયમ આફ્રિકા, યુગાન્ડા બાટી, કોલોરકોટ નાઇજીરિયા લિ. વગેરેને ગણાવી શકાય. ઔદ્યોગિક ક્ષેત્રે નાણાકીય રોકાણની ર્દષ્ટિએ તેમની ગણના આફ્રિકાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે થાય છે.
મનુભાઈ બૅંક ઑવ્ ઇન્ડિયાની સલાહકાર સમિતિ, પૂર્વ આફ્રિકા કોમક્રાફ્ટ જૂથના ચેરમેન, વ્યાપાર સમિતિ અને નૈરોબી યુનિવર્સિટી ઉદ્યોગ લિ.ના ચૅરમૅન અને કેનઇન્ડિયા ઍશ્યોરન્સ કં.ના ઉપાધ્યક્ષ છે. વળી તેઓ કેન્યાની રાષ્ટ્રીય આપાતકાલીન ભંડોળ સમિતિ, કંપનીઓની ભાગીદારી અને નાદારીને લગતા કાયદાઓની સમીક્ષા સમિતિ, પૂર્વ આફ્રિકા પુન: વીમાકરણ કં. અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંકના નિયામકમંડળના સભ્ય છે. આ ઉપરાંત તેમણે 1982માં અસરગ્રસ્ત ઉદ્યોગોની પુન:સ્થાપન સમિતિ, ઔદ્યોગિક અને વ્યાપાર સલાહકાર સમિતિ, મૂડીરોકાણ ઉત્તેજન સમિતિ, વીમા સલાહકાર સમિતિ, કેન્યા બંદીજન મદદ મંડળ વગેરેનાં કાર્યોમાં અગ્ર ભાગ લીધો હતો.
તેમણે સ્થાપેલ ચંદેરિયા ફાઉન્ડેશન સેવાભાવી, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડે છે. તેમણે એશિયન ફાઉન્ડેશન, લિમુરુ બાલિકા કેન્દ્ર, કેન્યા શ્રુતિ સંસ્થાપન, રોટરી ક્લબની કેન્યા ગ્રામ અંધજન નાબૂદી પરિયોજનાની સ્થાપનામાં અગ્રભાગ લીધો હતો. તેઓ કેન્યાની ઉન્ડુગુ સોસાયટી, હૃદય સંસ્થાપન, ગાંધી સ્મારકનિધિ ભંડોળ, કચ્છી ગુજરાતી હિંદુ સંગઠન અને જિમખાના ક્લબના ટ્રસ્ટી પણ છે. તેમણે સ્થાપેલ ચંદેરિયા ફાઉન્ડેશન ભારતમાં પણ વિવિધ ક્ષેત્રોમાં સહાય પૂરી પાડે છે.
ઔદ્યોગિક અને વ્યાપાર ક્ષેત્રોમાં બજાવેલી તેમની સેવાઓની કદર રૂપે ડિસેમ્બર 1997માં નૈરોબી યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનાર્હ પદવી એનાયત કરી હતી. ઈ. સ. 2003માં ક્વીન ઇલીઝાબેથે તેમને ઓ.બી.ઈ.ના ઇલ્કાબથી નવાજ્યા હતા. જ્યારે કેન્યાના પ્રમુખ મવાઈ કિબીકીથે તેમને એલ્ડર ઑવ્ બર્નીંગ સ્પીવરનો ઉચ્ચ નાગરિક ઇલ્કાબ આપ્યો હતો. પ્રવાસી ભારતીય સન્માન તેમને પ્રાપ્ત થયું છે.
જિગીશ દેરાસરી