ચંડીદાસ

January, 2012

ચંડીદાસ : બંગાળી ફિલ્મ. તે બંગાળી ભાષામાં પ્રથમવાર બંગાળની પ્રસિદ્ધ નિર્માણસંસ્થા ન્યૂ થિયેટર્સ દ્વારા નિર્માણ પામી. તેની પટકથા દેવકી બોઝની હતી અને નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. ફિલ્મના તસવીરકાર તરીકે બંગાળના પ્રસિદ્ધ કૅમેરામૅન નીતિન બોઝ હતા પાછળથી તે નિર્દેશક તરીકે પણ ખૂબ જાણીતા થયા. 24 સપ્ટેમ્બર 1932ના રોજ રજૂઆત પામેલી આ બંગાળી ફિલ્મે એક જ સિનેમાગૃહમાં 52 અઠવાડિયાં સુધી ટકી રહેવાનો વિક્રમ સ્થાપ્યો. આ ફિલ્મમાં પ્રથમવાર પાર્શ્વગાયનનો પ્રયોગ થયો. પ્રથમ પાર્શ્વગાયકો દુર્ગાદાસ બૅનરજી અને ઉમા શશી હતાં. હિન્દીમાં પ્રથમવાર પાર્શ્વગાયન પ્રયોગ ‘ધુપછાંવ’, ‘ભાગ્યચક્ર’ (1935)માં થયો હતો. સંગીતનિર્દેશક તરીકે રાયચંદ બોરાલ હતા. ફિલ્મની કથા બંગાળના સંત ચંડીદાસના જીવન પર આધારિત હતી. આ બંગાળી ફિલ્મની સફળતા પછી ન્યૂ થિયેટર્સ દ્વારા હિન્દી ફિલ્મ ચંડીદાસ તૈયાર કરવામાં આવી જે 24 માર્ચ 1934ના રોજ પ્રથમ રજૂઆત પામી. આ ફિલ્મનાં હિન્દી ગીતોના રચનાકાર આગા હશ્ર કાશ્મીરી હતા તેમજ ફિલ્મના સંવાદોનું લેખન પણ તેમણે જ કર્યું હતું. નિર્દેશક તરીકે નીતિન બોઝ હતા અને ફિલ્મનું સંગીત રાયચંદ બોરાલ દ્વારા અપાયું હતું. ચંડીદાસના પાત્રમાં સાયગલ અને ચંડીદાસની પ્રેમિકા રામી તરીકે ઉમા શશીએ ફિલ્મમાં અભિનય આપ્યો હતો. અન્ય અદાકારોમાં પહાડી સન્યાલ, એમ. નવાબ, એમ. અન્વરી, આઈ. એચ. સિદ્દીકી, પાર્વતીદેવી, અન્વરીબાઈ, અહિ સન્યાલ વગેરે હતા.

‘ચંડીદાસ’ ફિલ્મ પ્રેમની સચ્ચાઈના વિજયની અને જાતિભેદના પરાભવની કથા છે. ગોપીનાથ ગામનો મુખી છે. ધર્માવતારના અંચળા હેઠળ તેનો શયતાનનો ચહેરો છુપાયેલો છે. ગામના બૈજુ નામના ગરીબ ધોબીની યુવાન વયની બહેન રામી પર મુખીની લંપટ નજર પડે છે. પરંતુ રામી તો ગામના મંદિરના મહંત આચાર્યજીના પરમ શિષ્ય ચંડીદાસ તરફ આકર્ષાયેલી છે. ચંડીદાસ પરમજ્ઞાની અને પરમસત્યનો ઉપાસક છે. ચંડીદાસ જેવો કુલીન બ્રાહ્મણ અને રામી જેવી ધોબણ યુવતી વચ્ચે સામાજિક વિષમતા અને જાતિભેદની વિશાળ ખાઈ પડેલી હતી. ગોપીનાથ રામીને વશ કરવા સામ-દામનો ઉપયોગ કરે છે; પરંતુ તેની યુક્તિઓ કારગત નીવડતી નથી. રામી પર અત્યાચાર કરવા તૈયાર થયેલા ગોપીનાથના દુષ્ટ પંજામાંથી પત્ની કલ્યાણી છૂટકો કરાવે છે. હાર પામેલો ગોપીનાથ ગામના બ્રાહ્મણોને ચંડીદાસ વિરુદ્ધ ઉશ્કેરે છે. કુલીન બ્રાહ્મણ ચંડીદાસે નીચ જાતિની ધોબણ કન્યા સાથે વ્યવહાર રાખવા બદલ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ તેવો દુરાગ્રહ બ્રાહ્મણો રાખે છે. સમાજનાં દબાણોની સામે ઝૂકી પડેલો ચંડીદાસ પ્રાયશ્ચિત્ત માટે વિવશ બનીને તૈયાર થાય છે. ગ્રામજનો દ્વારા આ ખબર રામીને મળે છે. તમામ બંધનો અને અવરોધો ફગાવીને રામી પ્રાયશ્ચિત્ત વિધિ ચાલતી હતી ત્યાં ઉપસ્થિત થાય છે. ચંડીદાસને પ્રેમની મહત્તા અને પ્રેમની સચ્ચાઈ સમજાય છે. મનુષ્યની ભીતર પડેલા સંસ્કારો એ જ તેનો સાચો ધર્મ છે. ચંડીદાસ તમામ પ્રકારનાં સામાજિક બંધનો, ધર્મશાસનના અંકુશો અને જાતિભેદને અવરોધીને રામીનો સ્વીકાર કરે છે.

ફિલ્મમાં કુલ 9 ગીત છે જે હિન્દુસ્તાન કંપનીની રેકર્ડ પર ઉપલબ્ધ થાય છે. સાયગલ અને ઉમા શશીના કંઠે ગવાયેલું પ્રથમ ગીત ‘પ્રેમનગર મૈં બનાઉંગી ઘર મેં, તજ કે સબ સંસાર’ ખૂબ જ જાણીતું થયું હતું. સમગ્ર કથાના સારરૂપ આ ગીતની અંતિમ પંક્તિ ‘પ્રેમ ધર્મ હૈ, પ્રેમ કર્મ હૈ, પ્રેમ હી સત્ય વિચાર…’ પ્રેમતત્વની ફિલસૂફી પ્રગટ કરે છે. ફિલ્મનાં અન્ય ગીતોમાં વસંતગીત, આધ્યાત્મિક ભાવના, ભજનો અને પ્રેમની સંવેદનાને વ્યક્ત કરતાં ગીતો પણ ભાવસભર છે. સાયગલના કંઠનું કામણ આ ફિલ્મનાં ગીતોને લોકકંઠ સુધી પહોંચાડવામાં સફળ નીવડે છે. ‘ચંડીદાસ’ એ જમાનાની અત્યંત મશહૂર ફિલ્મ તરીકે પંકાયેલી હતી.

હરીશ રઘુવંશી