ચંડી : चण्डि (चण्ड्) कोपे એ ધાતુ ઉપરથી નિષ્પન્ન થતો શબ્દ. તેનો અક્ષરશ: અર્થ અત્યંત કોપવાળી એવો થાય છે. વેદાન્તના મતે આ ચંડી પરબ્રહ્મની માયાશક્તિ છે, જ્યારે તંત્રશાસ્ત્ર તેને પરબ્રહ્મમહિષી (= પટરાણી) કહે છે. મધુ અને કૈટભ, મહિષાસુર, ધૂમ્રલોચન, ચંડ અને મુંડ, શુંભ અને નિશુંભ જેવા દુર્ધર અને દુર્જેય દાનવોનો સંહાર કરવા ક્યારેક આ ચંડીશક્તિ યોગનિદ્રા રૂપે, ક્યારેક તમામ દેવોના તેજસમૂહમાંથી મહિષમર્દિની મહાલક્ષ્મી રૂપે તો ક્યારેક પાર્વતીના દેહમાંથી અંબિકા કે કૌશિકી કે ચંડિકા રૂપે પ્રગટ થઈ દુષ્ટ દાનવોનો સંહાર કરી દેવોને ઉગારે છે. મહાકાળી રૂપે મધુકૈટભને મોહ પમાડી વિષ્ણુ દ્વારા તેમને હણાવે છે. મહાલક્ષ્મી રૂપે મહિષનો વધ કરે છે. મહાસરસ્વતી રૂપે ધૂમ્રલોચનને ભસ્મ કરે છે. કાલિકા રૂપે ચંડ-મુંડને મારી ચામુંડા નામ ધારણ કરે છે.
એનો કોપ દેવો માટે પણ અસહ્ય છે. એના કોપના ભયથી વાયુ સદા વહેતો રહે છે; સૂર્ય નિયમિત ઊગે છે; અગ્નિ, ઇન્દ્ર અને યમ પણ એનાથી ભય પામીને પોતપોતાનાં કાર્યો કરે છે. (તૈત્તિ. ઉપ. 2–8) આમ એનું ‘ચંડી’ નામ સાર્થક છે.
‘માર્કંડેય પુરાણ’માં આ ચંડીનાં પરાક્રમોનું વર્ણન કરતા દુર્ગા માહાત્મ્ય નામના 13 અધ્યાયો છે જે ચંડીપાઠ તરીકે સુપ્રસિદ્ધ છે.
અરુણોદય જાની