ચંડપ : સોલંકી સમયના ગુજરાતના ઇતિહાસમાં પ્રાપ્ત થતા ‘ચંડપ’ નામના બે ઉલ્લેખો : (1) વાગડના પરમાર શાખાના રાજા ચંડપ અને (2) સોલંકી રાજવીઓના મંત્રી ચંડપ.
(1) વાગડના પરમાર શાખાના રાજા ચંડપ : રાષ્ટ્રકૂટોના પ્રતિનિધિ નિમાયેલા ઉપેન્દ્ર કૃષ્ણરાજના બીજા પુત્ર ડંબરસિંહથી પરમાર વંશની બીજી શાખા ડુંગરપુર વાંસવાડાના ભીલ પ્રદેશ ‘વાગડ’માં ચાલી. આ શાખાની રાજધાની અર્થુણા હતી. ડંબરસિંહ પછી ધનિક ને પછી ચચ્ચ ઉર્ફે કંકદેવ થયા. આ કંકદેવ સીયક બીજા(ઈ. સ. 970)ના સમયમાં કર્ણાટકના રાજા ખોટ્ટિગદેવની સાથે લડતાં માર્યો ગયો હતો. એનો પુત્ર ચંડપ હતો જે રાજા બન્યો હતો.
(2) મંત્રી ચંડપ અને તેના વંશજો : અણહિલપુરમાં પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના ચંડપનું કુલ પણ ગુર્જરેશ્ર્વર ચૌલુક્ય વંશ સાથે સતત સંબંધ ધરાવતું. ચંડપ એ રાજ્યમાં મંત્રીપદે હતો. એને ચાંપલદેવી નામે પત્ની હતી. એનો પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતો. એ પોતે શંકરભક્ત હતો, જ્યારે એની પત્ની જયશ્રી જૈન હતી. ચંડપ્રસાદને વામલદેવી નામે પત્નીથી સૂર અને સોમ નામે બે પુત્ર હતા. સોમ સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. 1094–1142)ના ખજાનચી તરીકે અધિકાર ધરાવતો. એને સીતાદેવી નામે પત્ની અને અશ્વરાજ કે આશરાજ નામે પુત્ર હતો. અશ્વરાજ પણ મંત્રીપદ ધરાવતો. એને કુમારદેવી નામે પત્ની હતી. એ દંડપતિ આભૂની બાળવિધવા પુત્રી હતી ને એણે પુનર્લગ્ન કર્યું હતું. એને 4 પુત્રો લૂણિગ, મલ્લદેવ, વસ્તુપાલ અને તેજપાલ અને 7 પુત્રીઓ હતી. લૂણિગ બાળવયે મૃત્યુ પામ્યો. મલ્લદેવને પૂર્ણસિંહ નામે પુત્ર અને પેથડ નામે પૌત્ર હતો. વસ્તુપાલ-તેજપાલ રાજા ભીમદેવ બીજા(ઈ. સ. 1178–1242)ની સેવામાં હતા. આશરાજે કૂવા અને તળાવો ખોદાવીને તથા મંદિરો બંધાવીને પુણ્યકાર્યો કર્યાં હતાં. માને પાલખીમાં બેસાડીને યાત્રા કરાવી હતી. ઈ. સ. 1193માં પિતા સાથે યાત્રા કરનાર વસ્તુપાલ-તેજપાલ ઈ. સ. 1185–86ની આસપાસમાં જન્મ્યા હોવાનો સંભવ છે. રાજાને વિનંતી કરીને ધોળકાના રાણા વીરધવલે તેમને પોતાના મંત્રી બનાવી બધો રાજકારભાર સોંપ્યો (ઈ.સ. 1220). વસ્તુપાલે ખંભાતનો વહીવટ વ્યવસ્થિત કરી ત્યાં પોતાના પુત્ર જયંતસિંહની નિમણૂક કરી (ઈ. સ. 1223). મહામાત્ય તરીકે એણે ધોળકાના અને ગુજરાતના રાજ્યને સુરક્ષિત રાખવામાં ઘણો ફાળો આપ્યો. તેજપાલ રાજકાર્ય વધારે સંભાળતો. એણે ગોધરાના રાજા ઘૂઘુલનો પરાભવ કર્યો હતો. તેજપાલની પત્ની અનુપમાદેવી ચંદ્રાવતીના પ્રાગ્વાટ શ્રેષ્ઠી ધરણિગની પુત્રી હતી. તેમને લૂણસિંહ નામે પુત્ર હતો. તેજપાલને સુહડાદેવી નામે બીજી પત્ની હતી. એને સુહડસિંહ નામે પુત્ર હતો. મહામાત્ય વસ્તુપાલ ઈ. સ. 1240માં અને મહામાત્ય તેજપાલ ઈ. સ. 1248માં મૃત્યુ પામ્યા હતા.
યતીન્દ્ર દીક્ષિત