ઘો (Varanus) : વર્ગ સરીસૃપ, શ્રેણી સ્ક્વૅમાટા, કુળ વૅરાનિડીની પ્રજાતિનું મોટા કદનું ચપળ પ્રાણી. તે પોતાના અત્યંત તીણા નહોરની મદદથી પથ્થર પર મજબૂત પકડ જમાવે છે, તેથી અગાઉના સમયમાં તેની કમરે દોરડું બાંધી કિલ્લા પર ચડવા તેનો ઉપયોગ કરવામાં આવતો એવી માન્યતા છે. શિવાજીના સેનાની તાનાજી માલુસરેએ સિંહગઢ સર કરવા ‘યશવંતી’ નામની પાળેલી ઘોનો ઉપયોગ કર્યો હતો.

ઘો

ઘો ભૂખરા કે લીલા-ભૂખરા રંગની હોય છે. લંબાઈ 1થી 4 મીટર અને વજન 25 કિગ્રા.થી 120 કિગ્રા. જેટલું હોય છે. શરીર ભરાવદાર અને મજબૂત હોય છે. ચામડી જાડી અને બરછટ હોય છે અને તેના પર નાનાં ગોળાકાર ભીંગડાં આવેલાં હોય છે. પેટ પરની ચામડી પાતળી, કુમળી અને લંબચોરસ ભીંગડાં વડે છવાયેલી હોય છે. તેને આંખ બાજુ પર હોય છે અને તે પોપચાં વગરની હોય છે. જીભ લાંબી, છુટ્ટી ફરતી તેમજ બે ભાગવાળી હોય છે, જે સ્પર્શેન્દ્રિયની ગરજ સારે છે. પગની આંગળી લાંબી અને મજબૂત હોવા ઉપરાંત છેડે તીક્ષ્ણ નહોર હોય છે. પૂંછડી જાડી અને મજબૂત હોય છે. સ્વરક્ષણાર્થે તે જોરથી પટપટાવીને દુશ્મનનો સામનો કરે છે.

ઘો જંગલમાં, ખુલ્લા મેદાનમાં જળાશયની આસપાસના વિસ્તારમાં રહે છે. તે ઝાડ પર ચડે છે ને પાણીમાં તરે છે. સામાન્ય રીતે ભીરુ મનાતું આ પ્રાણી, આપત્તિકાળમાં શરીરને ફુલાવીને ભયંકર દેખાવ કરે છે અને પૂંછડીને પટપટાવે છે. માંસ તેનો ખોરાક છે અને તે પક્ષી, પક્ષીનાં ઈંડાં, ઉંદર, સાપ, માછલી, મૃદુકાયો અને કીટકોને આરોગે છે. કોહેલું માંસ પણ તે ખાય છે.

માદા ઘો દરમાં કે રાફડામાં ઈંડાં મૂકે છે અને પાંદડાં જેવા પદાર્થો મૂકીને દ્વાર બંધ કરે છે. દરની ઉષ્ણતામાં ઈંડાંનું સેવન થાય છે. નાઈલ નદીના કિનારે વાસ કરતી ઘોને ઈંડાં સેવતાં આશરે દસ મહિના લાગે છે.

ઘોનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે જ્યારે તેની ચામડીનો ઉપયોગ ઢોલ મઢવા અને બૅગ, કમરપટા વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. ઘોની ચરબી દવા તરીકે વપરાય છે.

ઉષ્ણકટિબંધ પ્રદેશમાં વાસ કરતું આ પ્રાણી આફ્રિકા, ભારત, દક્ષિણ એશિયા, મલેશિયામાં જોવા મળે છે, તેની આશરે 30 જેટલી જાતિઓ છે; તેમાંની ચાર,Varanus monitor, V. bengalensis, V. salvator અને V. plaviceps ભારતમાં વસે છે. V. monitor ભારતમાં બધે જોવા મળે છે. V. bengalensis  બંગાળમાં વસે છે. V. salvator હિમાલયના 1800 મીટર ઊંચાઈએ આવેલા ગારો પ્રદેશની વતની છે અને તે જળચર છે. તેની ત્વચા ઊંચી કિંમતે વેચાય છે. V. plaviceps સહેજ પીળાશ પડતા રંગની છે. પંજાબ તેમજ બંગાળ તેનાં નિવાસસ્થાનો છે.

ઈસ્ટ ઇન્ડીઝમાં રહેતી ઘો V. komodoensis આશરે ચાર મીટર લાંબી અને 110 કિગ્રા. વજનની હોય છે. V. salvator ભારત ઉપરાંત શ્રીલંકા, મલેશિયા તથા મ્યામનાર(બ્રહ્મદેશ)માં વાસ કરે છે. તે કમોડોએન્સિસ કરતાં સહેજ નાની હોય છે. V. niloticus નાઈલ નદીના કિનારાની આસપાસ અંશત: જળચર તરીકે રહે છે. તે 2 મીટર લાંબી અને રંગે કાળાશ પડતી હોય છે અને શરીરે પીળાં ટપકાં ધરાવે છે.

યોગેશ મણિલાલ દલાલ