ઘોષ, લાલમોહન (જ.1 જાન્યુઆરી 1849, કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 18 ઑક્ટોબર 1909, કૉલકાતા) : અગ્રણી દેશસેવક અને રાજકીય નેતા. તથા કૉંગ્રેસપ્રમુખ (1903). ઉચ્ચ મધ્યમ વર્ગમાં જન્મ. પિતા રામમોહન બંગાળ પ્રાંતમાં ન્યાય ખાતામાં નોકરી કરતા. શરૂઆતનું શિક્ષણ વતનમાં કૃષ્ણનગર ખાતે. કાયદાની પ્રવેશપરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ
કર્યા પછી 1869માં ઇંગ્લૅન્ડ ગયા, જ્યાંથી બાર ઍટ-લૉની પદવી પ્રાપ્ત કરી અને 1873માં સ્વદેશ આવીને કૉલકાતામાં વકીલાત શરૂ કરી. ઇંગ્લૅન્ડની પ્રજાને ભારતના લોકોની આકાંક્ષાઓ, માગણીઓ તથા તકલીફો અંગે વાકેફ કરવા તેઓ 1879માં ઇંગ્લૅન્ડની મુલાકાતે ગયા. ભારતમાં તે જમાનામાં વિદેશી શાસકોએ ભારતની પ્રજાના કેટલાક મૂળભૂત અધિકારો પર તરાપ મારવાના ઇરાદાથી પ્રેસ ઍક્ટ અને આર્મ્સ ઍક્ટ પ્રયોજ્યા હતા, જે રદ કરવા માટે 1880માં રચાયેલી ખાસ સમિતિના તેઓ સભ્ય હતા. ઇન્ડિયન સિવિલ સર્વિસ(ICS)ની પરીક્ષામાં બેસવા માટે ઉંમરનું જે ધોરણ હતું તે વધારવા માટે તેમણે ઝુંબેશ ઉપાડી હતી. ઉપરાંત, ભારતમાં પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતી ધારાસભા વિના વિલંબે અસ્તિત્વમાં આવે તે માટે પણ તેમણે આંદોલન કર્યું હતું. ભારતમાં બ્રિટિશ સરકારે દાખલ કરેલ ઇલ્બર્ટ બિલનો તેમણે સખત વિરોધ કર્યો હતો અને તેના અનુસંધાનમાં 1883માં તેમણે ઇંગ્લૅન્ડની ફરી મુલાકાત લીધી હતી. તે જ વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે ત્યાંની આમસભા(House of Commons)માં દાખલ થવાનો તેમણે પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને સફળતા મળી ન હતી. 1903માં ચેન્નાઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કૉંગેસના વાર્ષિક અધિવેશનના પ્રમુખ હતા. આ અધિવેશનમાં તેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોરદાર હિમાયત કરી હતી. ભારતની પ્રજામાં એકતાની ભાવના પ્રબળ થાય તે માટે પાશ્ચાત્ય શિક્ષણપ્રથા ઉપયોગી નીવડશે એવી તેમની શ્રદ્ધા હતી. કાયદાનું શાસન (Rule of Law), વાણીસ્વાતંત્ર્ય તથા લોકશાહી પર આધારિત ધારાકીય સંસ્થાઓની રચના જેવા મૂળભૂત અધિકારના તેઓ આજીવન ટેકેદાર હતા અને સમર્થ વક્તા હોવાથી આ સિદ્ધાંતો વિશે ભારતની જનતાને સભાન અને જાગ્રત કરવા માટે તેમણે જીવનભર પ્રયાસ કર્યો હતો. ભારતની આઝાદીની લડતમાં તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે