ઘોરી, અમીનખાન : તાતારખાન ઘોરીનો પુત્ર તથા સોરઠ પ્રાંતનો સૂબો. ઈ. સ. 1561માં મુહમદશાહ 3જાને ગુજરાતની ગાદીએ બેસાડી તેને માત્ર નામનો બાદશાહ બનાવી એતેમાદખાન તથા બીજા મુખ્ય અમીરોએ રાજ્યની અંદરોઅંદર વહેંચણી કરી તેમાં જૂનાગઢ સહિત સોરઠ પ્રાંત તાતારખાન ઘોરીના લગભગ સ્વતંત્ર કબજામાં આવ્યો. પિતાના મૃત્યુ પછી અમીનખાન સોરઠ પ્રાંતનો સર્વોપરી સત્તાધારી થયો.
અકબરે ઈ.સ. 1572માં ગુજરાત જીત્યું ત્યારે તેણે અકબર તરફ આદરભાવ વ્યક્ત કર્યો પણ અકબરના આગ્રાપ્રસ્થાન પછી તેણે પોતાનું સ્વતંત્ર શાસન ચાલુ રાખ્યું અને સોરઠ કબજે કરવાના મુઘલ સૂબેદારોના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા તેમજ ગુજરાતના પદભ્રષ્ટ સુલતાન મુઝફ્ફરશાહ 3જાને ગુજરાતનું રાજ્ય પાછું મેળવવાની ઝુંબેશમાં નવાનગરના જામ રાજા સાથે મળીને સહાય પણ કરી. ઈ. સ. 1580માં તેનું મૃત્યુ થયું ત્યાં સુધી સોરઠ પ્રાંત મુઘલોના કબજામાં આવવા દીધો નહોતો.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ