ઘૂમલી : જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં બરડા ડુંગરની તળેટીમાં આવેલી પ્રાચીન નગરી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલ સૈંધવ રાજ્યની રાજધાની ભૂતાંબિલિકા કે ભૂતાંબિલી હતી. આગળ જતાં એને ભૂભૃત્યલ્લી કે ભૂમિલિકા કે ભૂમલિકા કહી છે, જે હાલની ઘૂમલી છે. ઘૂમલીનો સૈંધવ વંશ લગભગ 735થી 920 સુધી સત્તા ધરાવતો હતો. એ પછી ત્યાં જેઠવા વંશ સત્તારૂઢ થયો. સોલંકી કાલ દરમિયાન મોટું નવલખા મંદિર બંધાયું.
એ પંચાંગી છે. વિસ્તૃત જગતીની સોપાનશ્રેણીના મથાળે કીર્તિતોરણ હતું. પ્રદક્ષિણા-પથમાં એકેક ઝરૂખો કરેલો છે. મંડપની ત્રણે બાજુએ પ્રવેશચોકીઓ છે. મંડપના બંને મજલાના સ્તંભોની શિરાવટીઓમાં વિવિધ શિલ્પ કંડારેલાં છે. ગુજરાતના સૂબા ઝફરખાન મુઝફ્ફર ખાને સોરઠના રા’ મોકલસિંહની મદદથી ઈ.સ. 1396ના અરસામાં ઘૂમલીનો નાશ કરી ત્યાં મુસ્લિમ સત્તા પ્રવર્તાવી. જેઠવા રાજાએ પછી રાજધાની રાણપુરમાં રાખી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી