ઘુર્યે, જી. એસ.

February, 2011

ઘુર્યે, જી. એસ. (જ. 12 ડિસેમ્બર 1893, માલવણ, રત્નાગિરિ જિલ્લો; અ. 28 ડિસેમ્બર 1983, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય સમાજશાસ્ત્રી. તેમનું આખું નામ ગોવિંદ સદાશિવ ઘુર્યે હતું. શરૂઆતનું શિક્ષણ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના માલવણ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ અને જૂનાગઢમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી સંસ્કૃત વિષય માટેનું સુપ્રતિષ્ઠિત ભાઉ દાજી પારિતોષિક મેળવ્યું (1916). 1918માં પ્રથમ વર્ગમાં એમ.એ. પાસ થયા અને કુલાધિપતિનો સુવર્ણચંદ્રક મેળવ્યો. થોડોક સમય મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ આપ્યા પછી મુંબઈ યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી. માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોકલ્યા. 1923માં ત્યાંથી ડૉક્ટરેટ મેળવી ભારત પાછા આવ્યા અને 1924માં મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. આ પદ પર સતત પાંત્રીસ વર્ષ સુધી (1924–59) કાર્ય કર્યું અને તે દરમિયાન સમાજશાસ્ત્ર વિષયને લગતાં સંશોધનો તથા પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. તેમણે 80 જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિવૃત્તિ પછી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર ઇમેરિટસ નિમાયા હતા. તેઓ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. 1951માં તેમના પ્રયત્નોને લીધે ‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી’ની સ્થાપના થઈ હતી. ભારતમાં સમાજશાસ્ત્ર વિષયના પદ્ધતિસરના અધ્યયન અને અધ્યાપનનો તેમણે પાયો નાખ્યો હોવાથી સમાજશાસ્ત્રના અધ્યાપકો અને વિદ્યાર્થીવર્ગમાં તેઓ મહર્ષિ તરીકે ઓળખાતા.

તેમનો પ્રથમ ગ્રંથ ‘કાસ્ટ ઍન્ડ રેસ ઇન ઇન્ડિયા’ (1932) ખૂબ પ્રસિદ્ધિ પામતાં તેની અત્યાર સુધી (2010) પાંચ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. તેમના અન્ય મુખ્ય ગ્રંથોમાં ‘ઍબૉરિજિનલ્સ સોકૉલ્ડ ઍન્ડ ધેઅર ફ્યૂચર’ (1943), ‘ઇન્ડિયન કૉસ્ચ્યૂમ્સ’ (1951), ‘ઇન્ડિયન સાધૂઝ’ (1953), ‘ફૅમિલી ઍન્ડ કિન ઇન ઇન્ડો-યુરોપિયન કલ્ચર’ (1955), ‘રિલિજસ કૉન્શસનેસ’ (1965) તથા ‘સોશિયલ ટેન્શન્સ ઇન ઇન્ડિયા’ (1968) વગેરે છે. મૌલિક વિચારસરણી, શાસ્ત્રશુદ્ધ રજૂઆત તથા અધિકૃત માહિતી તેમનાં લખાણોની લાક્ષણિકતા ગણાય છે. તેમના કુલ 31 જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે