ઘાસચારા સંશોધનકેન્દ્ર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે આણંદ ખાતે ચાલતી સંસ્થા. હાલમાં ગુજરાત રાજ્યમાં 8.61 લાખ હેક્ટરમાં ઘાસચારાના પાકોનું વાવેતર થાય છે, જે અંદાજે કુલ ભૌગોલિક વિસ્તારના 4 % જેટલું છે. ઘાસચારા અંગેનું સંશોધનકાર્ય 1963માં ઘાસ સંશોધનયોજના હેઠળ વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલ. આ યોજના 1970માં આણંદ ખાતે ખસેડવામાં આવી હતી. વરસાદ-આધારિત ઘાસચારાના પાકોનું સંશોધનકાર્ય 1963માં ધારી (અમરેલી જિલ્લો) ખાતે શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 1970માં પિયતથી વવાતા ઘાસચારાના પાકોના સંશોધનાર્થે અખિલ ભારતીય સંશોધનયોજના મુખ્ય કેન્દ્ર આણંદ ખાતે શરૂ થઈ. 1985–86 વર્ષ દરમિયાન ઘાસચારાના પિયત પાકોના સંશોધનને વેગીલું બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન એક યોજના મંજૂર કરવામાં આવી. હાલમાં આ યોજના ગુજરાત કૃષિ યુનિવર્સિટી અંતર્ગત મુખ્ય કેન્દ્ર આણંદ તથા પેટા કેન્દ્ર ધારી ખાતે ચાલે છે. તેના હેતુઓ નીચે મુજબ છે :
હેતુઓ : (1) જુદા જુદા વિષયના નિષ્ણાત જેવા કે પાક-સંવર્ધક, ક્ષેત્રવ્યવસ્થાપક અને રસાયણશાસ્ત્રી(ગુણવત્તા ચકાસણી)ના જૂથ દ્વારા ઘાસચારાના વિવિધ વિષયોને લગતા પ્રશ્નોના ઉકેલ માટેના સંશોધન અખતરા હાથ ધરવા, (2) ઘાસચારાનું વધુ ઉત્પાદન આપતી તેમજ સારી ગુણવત્તા ધરાવતી જાતો વિકસાવવી. (3) ઘાસચારાના જુદા જુદા પાકોનો ક્ષેત્રીય અભ્યાસ કરી વધુ ઉત્પાદન મળે તેવી ખેતીપદ્ધતિ વિકસાવવી. (4) અખિલ ભારતીય સંકલિત યોજનાની જુદી જુદી જાતોના તથા શસ્યવિજ્ઞાનના અખતરા ગોઠવવા. (5) સુધારેલી ખેતીપદ્ધતિનું જ્ઞાન ખેડૂતોમાં પ્રસારવું. (6) પ્રૉજેક્ટ દ્વારા વિકસાવવામાં આવતી જાતોનું ગુજરાત રાજ્ય બીજ નિગમ અને રાષ્ટ્રીય બીજ નિગમ(NSC)ની માગ પ્રમાણે આગળ વૃદ્ધિ માટે બ્રીડર કક્ષાનું બિયારણ પૂરું પાડવું.
સંશોધનના પરિણામે ઘાસચારાના કેટલાક પાકોની સુધારેલ જાતો વિકસાવી ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવેલ છે. ઉપરાંત ઘાસચારાના વધુ અને આર્થિક રીતે પરવડતા ઉત્પાદન માટે સુધારેલ ખેતીપદ્ધતિઓ, ખાસ કરીને વાવેતર-અંતર; ખાતર, જસત જેવાં અલ્પ માત્રામાં જરૂરી દ્રવ્યો; પિયત વગેરેની જરૂરિયાતો અંગેની ભલામણો કરવામાં આવેલ છે.
જગદીશભાઈ પટેલ