ઘાસ : એકદળીય (monocot) પોએસી કુળની વનસ્પતિ. તેની જગતભરમાં 14 જનજાતિઓ (tribes), 600 ઉપરાંત પ્રજાતિઓ (genus) અને 9,000 ઉપરાંત જાતિઓ (species) જોવા મળે છે. ઘાસ માનવીને અત્યંત ઉપયોગી છે. સમગ્ર જગતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ચારા અને દાણાની કુલ ખપતના લગભગ 53 % જેટલો જથ્થો ઘાસમાંથી મળી રહે છે. એકંદરે જોતાં, પડતર ભૂમિમાં ઘણે ભાગે સૌપ્રથમ ઊગી નીકળતું ઘાસ એ સૌથી વધારે સફળ વનસ્પતિ છે. ઘાસના રોપામાં નક્કર સાંધા (joints) હોય છે અને તેમાં પાંદડાં બે હારમાં ગોઠવાયેલાં હોય છે. દરેક સાંધા ઉપર એક એક પાંદડું ઊગે છે. ઘાસનાં જે પ્રકાંડ જમીન નીચે વિસ્તરે છે તેને ગાંઠામૂળી (rhizome) અને જમીન ઉપર પ્રસરે તેને ભૂસ્તારી (runner) કહેવાય છે. ઘાસ મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : એકવર્ષાયુ (annual) અને બહુવર્ષાયુ (perennial). ઘાસની અમુક જાતો ચરિયાણના ભારે દબાણ સામે ટક્કર ઝીલી શકે છે કારણ કે તેનાં પ્રકાંડ માટી સાથે મળી રહીને ગીચ ગુંફનવાળું માળખું રચીને સતત ચરિયાણ-દબાણને સારી રીતે સહી શકે છે. જ્યારે ઘાસની અમુક જાતોનાં જડિયાં મોકળાશથી વિકસતાં રહે છે. તેમાં નહિવત્ આંતરગુંફન થતું હોય છે. એટલે તેનું ઘાસ ચરિયાણને બદલે સાઇલો (silo) તથા વાઢેલ ઘાસચારા માટે વધારે અનુકૂળ રહે છે. અલબત્ત, આવાં બધાં ઘાસને મજબૂત તંતુમૂળ હોય છે જે માટીના કણોને જકડી રાખવામાં અસરકારક રહે છે.

ઘાસ વૃક્ષ કરતાં વધારે કઠિન ગણાય છે. વળી તે વાતાવરણની કઠોરતા, શુષ્કતા, ઠંડી અને ભેજનો વધારે સારી રીતે સામનો કરી શકે છે. આને લીધે પહાડોમાં જ્યાં વૃક્ષમાળા (tree-line) પૂરી થાય છે તેની ઉપરના વિસ્તારમાં પણ ઘાસનો વિકાસ થતો જોવા મળે છે. હિમાલય, નીલગિરિ તેમજ ઇતર બરફીલી અથવા ઘણી ઠંડી ગિરિમાળાઓમાં વિશાળ ઘાસ-મેદાનો ઉનાળાની મોસમ દરમિયાન સારા પ્રમાણમાં ચરિયાણ પૂરું પાડે છે. ભારતનાં લાખો ઘેટાં ઉનાળાની મોસમ દરમિયાન આવાં ઊંચાં મેદાનોમાં ચરવા જતાં રહે છે.

આબોહવા જ વનસ્પતિ માટે મુખ્ય નિયંત્રક પરિબળ હોય તેવા વિસ્તારમાં હળવાથી મધ્યમ ચરિયાણ-દબાણ હેઠળ જોવા મળતાં ઘાસિયાં મેદાનો નૈસર્ગિક છે. બીજી તરફ નૈસર્ગિક વનવિસ્તારોની વનરાજિને કાપી નાખવામાં આવ્યા બાદ ત્યાં ખેડ, સિંચાઈ, ચરિયાણ દબાણ તેમજ તેવી ઇતર પ્રક્રિયા વડે ઘાસ ઉગાડવામાં આવે છે અથવા તો ત્યાં વૃક્ષનું પુનર્જનન રોકીને ઘાસ-આચ્છાદનને લગભગ સ્થિરતા પ્રદાન કરવામાં આવે છે. તેવા વિસ્તારોને અર્ધનૈસર્ગિક ઘાસિયા પ્રદેશ (seminatural grasslands) તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ કોઈ કારણસર વૃક્ષો કપાઈ ગયાં હોય અથવા તો તેનો નાશ થયો હોય ત્યાં ગીચ પ્રમાણમાં ઘાસ ફેલાઈ જાય તો તેવા પ્રદેશોમાં વૃક્ષ-પુનર્જનન દુષ્કર બને છે. કારણ કે ઘાસનું આવરણ વૃક્ષ પુનર્જનનને રોકે છે.

ઘાસનું આવરણ ઇતર વનસ્પતિના આવરણ કરતાં વધારે આક્રમક અને અવરોધક ગણાય છે, કારણ કે ઘાસ વૃક્ષ કરતાં વધારે ભેજવૈવિધ્ય સહી શકે છે; અથવા તેની ખાસિયત પ્રમાણે તે તલસર્પી (trailing) અથવા ટટ્ટાર (erect) પણ હોય છે. તેનાં મૂળ ઉપરછલ્લાં (superficial) હોય છે. તેની પુનર્જનનશક્તિ સવિશેષ હોય છે. કોઈ લૈંગિક (sexually) રીતે, તો કોઈ અલૈંગિક રીતે (asexually) વિસ્તરે છે. ઘાસનું ફળ-વિકિરણ (dispersal) ઘણું અસરકારક અને સક્ષમ હોય છે. ઘાસમાં ઘણે ભાગે પવનથી પરાગનયન થાય છે. તે આગ સામે, પવનના ઘસારા અને ચરિયાણ સામે વધારે સારી ટક્કર ઝીલી શકે છે. આ તેમજ એવાં બીજાં ઘણાં કારણોને લીધે ઘાસનું આવરણ જામી ગયા પછી ત્યાં ઇતર વનસ્પતિ વાવવામાં ભારે જહેમત અને ખાસ પ્રક્રિયાઓનો આશરો લેવો પડે છે.

વિખ્યાત તૃણજ્ઞ ડૉ. આર. ઓ. વ્હાઇટે ઘાસનાં ફૂલોની તથા ઘાસની જાતોની લાક્ષણિકતા ઉપરથી ભારતમાં આઠેક જાતના ઘાસિયા પ્રદેશો તારવ્યા છે જેમની અગત્યની વિગત નીચે પ્રમાણે છે :

1. સણિયાર-જીંજવા પ્રકાર (Schima-Dichanthium type) : કાળી જમીન(black soil)માં મુખ્યત્વે પશ્ચિમ આંધ્રપ્રદેશ, પશ્ચિમ મહારાષ્ટ્ર, દક્ષિણ મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ તેમજ ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળે છે.

2. જીંજવા-અંજન પ્રકાર (Dicanthium-Cenchrous types) : રેતાળ કાંપવાળા પ્રદેશ જેવા કે પંજાબનાં મેદાનો, દિલ્હી, રાજસ્થાન પ્રદેશ, પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્રમાં), ઉત્તર ગુજરાત વગેરે સ્થળોએ જોવા મળે છે.

3. નાલી-કાંસ પ્રકાર (Phregmites saccharum type) : ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ તથા આસામના ભેજયુક્ત તરાઈ વિસ્તારોમાં, સુંદરવન અને તામિલનાડુના કાવેરી મુખત્રિકોણ (delta) પ્રદેશમાં જોવા મળે છે.

4. ધરફ પ્રકાર (Bothriochloa type) : ડાંગર પકવતા અને ભારે વરસાદવાળા, મહારાષ્ટ્રના લોનાવલા વિસ્તારમાં જોવા મળે છે.

5. બાજરિયા પ્રકાર (Arundinella type) : પશ્ચિમઘાટની નીલગિરિ પર્વતમાળામાં તેમજ પૂર્વ-પંજાબ-હિમાચલપ્રદેશના હિમાલય વિસ્તારોમાં ઉત્તરપ્રદેશ, બિહાર, આસામના 2,000 મીટર સુધીની ઊંચાઈવાળા પ્રદેશોમાં જોવા મળે છે.

6. રાસ પ્રકાર (Cymbopogon type) : વિંધ્ય, સાતપુડા, અરવલ્લી, પશ્ચિમઘાટ વગેરે પર્વતમાળામાંના 1,000 મીટર સુધીની ઊંચાઈવાળા પ્રદેશોમાં જોવા મળે છે.

આ ઉપરાંત હિમાલય પર્વતમાળામાં હિમમાળા ઉપરના પ્રદેશમાં ઉનાળા દરમિયાન જે ઘાસ ફૂટી નીકળે છે અને જે ખાસ કરીને ઘેટાં-બકરાંને ઉપયોગી ઘાસિયું ચરિયાણ આપે છે તે ઘાસિયાં મેદાનો પણ ઉલ્લેખનીય છે. વિખ્યાત વનતજ્જ્ઞ સર ચૅમ્પિયનના મત પ્રમાણે ભારતમાં વનસ્પતિ આબોહવાની પરાકાષ્ઠા (vegetation climatic climax) તો વન અથવા તો રણપ્રદેશ જ છે જ્યારે ઘાસિયા પ્રદેશો તો હજારો વર્ષોથી ચાલતાં આવતાં દબાણો જેવાં કે દવ, ફરતી ખેતી, ચરિયાણ-દબાણ, શાખાચ્છેદ (lopping) વગેરેને જ આભારી છે. હિમાલયમાંના બરફીલા વિસ્તારોમાં ઘાસિયા વિસ્તારો આબોહવાની પરાકાષ્ઠા નથી.

ઘાસની અગત્ય ઘણી રીતે છે. ચારા માટે ઉપયોગી જાતોમાં વર્ષાયુ જાતો જેવી કે ઝીંઝવો (Andropogon pumilus), ખેવ (Ischaemum pilosum), ભાતડું (Themeda cymbaria), ધ્રામણું (Cenchrus setigerus) વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે બહુવર્ષાયુ જાતોમાં સણિયાર, ધરફ, અંજન અથવા ધ્રામણું, ગીની ઘાસ (Panicum maximum), મોસરી (Iseilema anthephoroides) વગેરેનો સમાવેશ થાય છે.

કાગળના માવા માટે વાંસ (Bamboos), ભાબર ઘાસ (Baib grass), કાંસ, સબાઈ ઘાસ (Sebai grass), બરુ વગેરે ઉપયોગી જાતો છે. શેરડીનો કૂચો પણ ખૂબ ઉપયોગી બને છે.

ઘરની શોભા માટે કાંસ, મુંજ વગેરે વાપરવામાં આવે છે. પડદા તથા રમકડાં માટે કાંસ, મુંજ વગેરે જાતનું તેમજ ખસનું ઘાસ ઉપયોગી થાય છે.

ઔષધ માટે લીલી ચા, દરભ, રાસ, વાળો/ખસ વગેરે વપરાય છે.

જમીનધોવાણ અટકાવવા માટે ખસ ઘાસ (vetiver grass) ઘણું સારું કામ આપે છે.

ઘરઆંગણાની લૉન માટે, રમત તથા ઘોડદોડનાં મેદાનો વગેરે માટે ‘ટર્ફ’ ઘાસ ખૂબ જ ઉપયોગી છે.

ચા માટે જે ઘાસિયાં મેદાનો ઉપયોગમાં લેવામાં આવે છે તેની માવજત ઘણી જરૂરી બને છે. તેમાં ચરિયાણ-નિયંત્રણ, સંરક્ષણ, ભૂમિ-ભેજ ધોવાણ-અટકાવ પગલાં, ખાતર, સિંચાઈ, કાંટાળી વનસ્પતિનું ઉન્મૂલન વગેરે પગલાં ઉપરાંત અમુક નત્રલ પ્રકારની વનસ્પતિ(જેવી કે સ્ટાઇલો અને સિરાટ્રો વગેરે)નું સંમિશ્રણ આવી જમીનોની ઉત્પાદકતા અને ઉપયોગિતા ટકાવી રાખી શકે છે. ઘાસિયા પ્રદેશો પોતાની ઉત્પાદકતા જાળવી શકે તે માટે ચરિયાણપદ્ધતિને અંકુશિત રાખવી જરૂરી છે, જેથી ઘાસનું બિયારણ પાકી જતાં તે જ જમીનમાં પડે અને પુનર્જનન શક્ય બને, ઘાસનાં જડિયાંને અપરિપક્વતાને લીધે પોષણનો અભાવ નડે નહિ અને તે માફકસર વિકાસ સાધી શકે. ઘણેભાગે ચોમાસા દરમિયાન ચરિયાણ પ્રતિબંધ અને બિયારણ પાકી ખરી જાય તે પછી નિયંત્રિત ચરિયાણપદ્ધતિ આ દિશામાં ઘણી ઉપયોગી બની રહે. અમુક રાજ્યસરકારો અછત દરમિયાન ઢોરઢાંખરને ઉપયોગમાં આવી શકે તેવું સૂકું ઘાસ સહકારી વહીવટ હેઠળનાં બીડ અને વન્ય પ્રદેશમાંથી વઢાવી, ગાંસડીઓ બંધાવી તેનો ગોદામ-ગંજીઓમાં સંગ્રહ કરાવે છે તેમજ ઘાસિયાં બીડોનું ઉત્પાદન સુધરે તે માટેની ઘાસવિકાસ યોજનાનાં કામો હાથ ધરી ‘ચારાબક’ યોજના પણ હાથ ધરે છે. લીલા ઘાસને વાઢી તેનો પડવાશ હવા વગરના ખાડામાં દાબીને ગોઠવવામાં આવે તો ચારાની ખેંચવાળા સમય દરમિયાન તેમાંથી પોષણયુક્ત ચારો મેળવી શકાય છે. આ પદ્ધતિ ‘સ્ટાઇલો-પદ્ધતિ’ તરીકે ઓળખાય છે અને તેને લીધે ઓછી ગુણવત્તાવાળા ઘાસની પણ ઢોરના આહારમાં યોગ્ય રીતે વપરાશ કરી શકાય છે. આ પદ્ધતિને શક્ય હોય ત્યાં પ્રચલિત કરવાની જરૂર છે.

ભારતની ઢોરસંખ્યા 42 કરોડ કરતાં પણ વધારે છે અને ઢોરને લીધે થતી વાર્ષિક આવક દેશની કૃષિ-આધારિત વાર્ષિક આવકના લગભગ ચોથા ભાગ જેટલી થવા જાય છે, જે ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે ઢોરની અગત્ય સ્પષ્ટ કરે છે. દુનિયામાં ભારત સૌથી વધારે પશુધન (livestock) ધરાવે છે. દુનિયાની ભેંસની કુલ વસ્તીના
57 % અને કુલ ઢોર(cattle)ના 14 % ઢોર ભારતમાં થાય છે. એક અંદાજે પ્રમાણે, ભારતમાં ગાય લગભગ 20 કરોડ, ભેંસ 9.8 કરોડ, ઘેટાં 6.147 કરોડ અને બકરાં 12.436 કરોડ થાય છે. આ પશુધનને વિપુલ પ્રમાણમાં ઘાસચારાની જરૂર રહેશે. ઘાસચારાના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે અને તેની પૌષ્ટિકતા સુધારવા માટે સુયોગ્ય ચરિયાણનીતિ અપનાવવી ઘટે, જેમાં બિનઉપજાઉ ઢોરની સંખ્યા પર નિયંત્રણ, ગમાણ-ખાણ પ્રથાને પ્રોત્સાહન, ઘાસનાં બીડોને વધારે સારી માવજત રૂપે કાંટાળી જાતોનાં ઝાડી-ઝાંખરાંની સફાઈ, ભૂમિ-ભેજ-સંરક્ષણ-કાર્યો, વધારે સારું સંરક્ષણ, ચરિયાણ પર અંકુશ, સેંદ્રિય તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ, ચારો આપતાં વૃક્ષોની જાતો તેમજ નત્રલ પ્રકારના રોપાઓ તેમજ વધુ ઉત્પાદન આપતી ઘાસની જાતોનો સમન્વય વગેરે અંગે વધારે ઘનિષ્ઠ જોગવાઈની પણ અગત્ય છે.

ભારતમાંનાં ઘાસિયાં બીડોનો વધારે સારી રીતે વહીવટ કરવામાં આવે તો તેનું વાર્ષિક ઉત્પાદન ત્રણથી ચાર ગણું વધારી શકાય અને અમુક કિસ્સામાં તો પ્રતિહેક્ટર 3,500થી 4,000 કિગ્રા. સૂકો ઘાસચારો મેળવી શકાય તેમ છે. આ માટે જમીનની પ્રત મુજબ પ્રતિ-હેક્ટર જમીનમાં 20 કિલો નત્રલ પાયાનું ખાતર તૈયાર કરતી વખતે અને પછીના વર્ષે 20–30 કિલો નાઇટ્રોજન ખાતર આપવાથી ઘાસચારા અને વૃક્ષોનો ઉગાવો વધુ સંતોષકારક થઈ શકે છે.

ઘાસચારાની અગત્યની જાતો, તેને માટે માફક વરસાદ અને જમીન અંગેની મુખ્ય ખાસિયતો સારણીમાં દર્શાવી છે.

ઘાસચારાના બિયારણ માટેનાં મુખ્ય પ્રાપ્તિસ્થાનો નીચે પ્રમાણે છે :

                                                           સારણી

ઘાસચારાનું

સ્થાનિક

નામ

લૅટિન નામ માફક

વરસાદ

(મિમી.માં)

વિશેષ નોંધ
ક. ઘાસ
1. પીળી

ધામણ,

અંજન

(Cenchrus

ciliaris)

300 અને

વધુ

સી.એ.ઝેડ; આર.આઇ. 358

નંબરની જાત ગોરાડુ જમીન

માટે ઉત્તમ ગણાય છે. આ જાત

અછતગ્રસ્ત વિસ્તારોમાં પણ ટકી

રહે છે. ગોરાડુ, હલકી મધ્યમ

કાળી જમીન, ચૂનાવાળી લાલ

જમીન, હલકી, રેતાળ, ગોરાડુ

જમીન માફક આવે છે.

2. અંજન

કાળી-

ધામણ

(Canchrus

setigerus)

300 અને

વધુ

પીળી ધામણ કરતાં ઓછું

ઉત્પાદન આપે છે, પરંતુ ટૂંકી

વર્ષાઋતુ માટે સારું ઘાસ

ગણાય છે.

3. ઝીંઝવો

મારવેલ

ઘાસ

(Dicanth-

ium

annula-

tum)

300 કે

વધુ

કાળી, સપાટ અને ભેજવાળા

વાતાવરણની જમીન માફક

આવે છે. ક્ષારવાળી જમીનમાં

પણ વાવી શકાય છે. આ

ઘાસ કાયમી ઘાસ છે.

4. સણિયાર (Schima

nervosum)

250 અને

વધુ

ડુંગરાળ, ઢાળવાળી અને રતાશ

પડતી કાળી જમીન માફક

આવે છે.

5. ધરફલું (Chrysop-

ogon

montanus)

ક્ષારવાળી જમીનમાં પણ થઈ

શકે છે.

6. સેવન (Lasiurus

hirsutus)

300થી

ઓછો

ઝીંઝવો, સેવન અને અંજન સાથે

થઈ શકે છે. સપાટ, રેતાળ અને

સૂકો વિસ્તાર માફક આવે છે.

7. બ્લૂપેનિક,

ધુસડો

(Panicum

antidotale)

300 કે

વધુ

આ ઘાસ ક્ષારવાળી જમીનમાં

પણ થઈ શકે છે. કાળી, સારા

નિતારવાળી જમીન તેમજ

હલકી રેતાળ જમીનમાં પણ

થઈ શકે છે.

ખ. નત્રલ ચારો
1. સ્ટાઇલો (Stylo-

santhes

hamata)

500 અને

વધુ

કઠોળ વર્ગનો કાયમી ચારો.

અન્ય ઘાસોની સાથે સાથે

વાવવાથી બીડ વધારે ઉપજાઉ

અને ઘસારા સામે ટક્કર

ઝીલનાર બને છે. તેને રેતાળ

અને ક્ષારવાળી જમીન માફક

આવતી નથી.

2. સિરાટ્રો (Micro-

ptelium

atropur-

pureum)

600થી

વધારે

ઘાસની તમામ જાતો સાથે થઈ

શકે છે અને અછતગ્રસ્ત

વિસ્તારમાં પણ વાવી શકાય છે.

1. પ્રૉજેક્ટ કો-ઑર્ડિનેટર, ઇન્ડિયન ગ્રાસલૅન્ડ ઍન્ડ ફૉડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઝાંસી (ઉ.પ્ર.)

2. સેન્ટ્રલ ઍરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જોધપુર

3. ફોરિજ રિસર્ચ પ્રૉજેક્ટ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ

4. ઘાસચારા ઉત્પાદન કેન્દ્ર, ધામરોડ, જિ. સૂરત, ગુજરાત

5. ઇન્ડો-ઑસ્ટ્રેલિયન ફૉડર સીડ પ્રોડક્શન ફાર્મ, હસટ ઘટ્ટા, બૅંગાલુરુ, કર્ણાટક.

આ ઉપરાંત જે તે રાજ્યના વનવિભાગ તેમજ પશુપાલન અને કૃષિ વિભાગનો સંપર્ક સાધવાથી પણ ઘાસચારા સુધારણા માટે વિશેષ માર્ગદર્શન સહાય મેળવી શકાય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ