ઘસારો (depreciation) : મિલકત કાળક્રમે જીર્ણ થવાથી અથવા વેપારઉદ્યોગમાં વપરાવાથી તેના મૂલ્યની કિંમતમાં ક્રમશ: અને કાયમી ધોરણે થતો ઘટાડો અને તેના ફળસ્વરૂપે ખર્ચ તરીકે દર વર્ષે નફાનુકસાન ખાતે ઉધારવામાં આવતો નાણાકીય બોજ. મિલકત કેટલા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને તેની ઉપયોગિતાની ક્ષમતા કેટલી છે તે બંને પરિસ્થિતિને ખ્યાલમાં રાખી તેનું આયુષ્ય તથા ઘસારાની રકમ નક્કી થાય છે.
ભાવવધારો સતત નોંધાતો હોય ત્યારે જૂની મિલકતને વેચતાં જો તેની કિંમત વધુ ઊપજે તો આવા કિસ્સામાં મિલકત ઉપર ઘસારો ગણવો કે નહિ તેવો પ્રશ્ન સહજ ઉદભવે; પરંતુ હકીકતમાં મિલકત ગમે તેટલી મજબૂત અને ટકાઉ હોય, તેની મરામત અને જાળવણી બરાબર થયેલ હોય છતાં અમુક વર્ષો બાદ જો બીજી નવી અને વધારે કાર્યક્ષમ મિલકતની શોધખોળ થાય તો મૂળ મિલકત તેના ખાસ હેતુ માટે કાર્યક્ષમ અને ઉપયોગી રહેતી નથી અને તે કાળગ્રસ્ત (obsolete) થઈ ગણાય છે. આથી તે મિલકતની કિંમત તેના આયુષ્ય દરમિયાન વપરાઈ ગયેલી ગણીને માંડી વાળવી જોઈએ. મિલકતની પડતર-કિંમતના સંદર્ભમાં તેના ઉપયોગી આયુષ્ય દરમિયાન માંડી વાળેલી રકમને તે મિલકતના ઘસારા તરીકે લેખવામાં આવે છે.
ઘસારાની ગણતરી કરવામાં આગ, અકસ્માત અને કુદરતી સંકટો જેવાં પરિબળોથી થતા અચાનક અને અણધાર્યા નુકસાનનો સમાવેશ કરવામાં આવતો નથી. યંત્રો અને મકાન જેવી વાસ્તવિક સ્થાવર-જંગમ મિલકતો માટે જ ઘસારાની જોગવાઈ કરવામાં આવે છે તેવું નથી; પરંતુ ભાડા-પટ્ટા-અધિકાર અને ગ્રંથસ્વામિત્વ-અધિકાર જેવી મર્યાદિત અને અમૂર્ત (intangible) મિલકતો માટે પણ ઘસારાની જોગવાઈ કરવામાં આવે છે. સામાન્ય રીતે કાર્યકારી સમય અને અન્ય લક્ષણો સરખાં હોય તેવી મિલકતોનું સુવિધા ખાતર જૂથ બનાવીને તેમની કિંમત ઉપર ઘસારાની ગણતરી કરવામાં આવે છે.
ઘસારાનાં કારણોમાં : (1) સમયના વહેણનું પરિણામ, (2) વપરાશ કે ઉપયોગ, (3) બજારકિંમતમાં સતત ઘટાડો, (4) નવી શોધખોળના કારણે માગમાં ફેરફાર, (5) મિલકતમાં રહેલો જથ્થો ખૂટી જવો/પૂરો થઈ જવો, (6) પૂરતા પ્રમાણમાં મરામતનો અભાવ અને (7) કુદરતી રીતે થતી જીર્ણ અવસ્થાને ગણાવી શકાય.
ઘસારો ગણવાની પદ્ધતિઓ : મિલકતની વિશિષ્ટતા અને ઘસારાનાં ઉપર્યુક્ત કારણો ધ્યાનમાં લઈને ઘસારો ગણવાની વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે :
(1) સીધી ગણતરી અથવા સરખા હપતાની પદ્ધતિ (straight line method) : આ પદ્ધતિમાં મિલકતની મૂળ કિંમત ઉપર દર વર્ષે એકસરખા નિશ્ચિત દરે એકસરખી રકમના ઘસારાની ગણતરી કરવામાં આવે છે. આ પદ્ધતિ સરળ છે પરંતુ મિલકત જેમ જેમ વપરાતી જાય તેમ તેમ પાછળનાં વર્ષોમાં તેના ઉપર મરામતનો ખર્ચ વધતો જાય છે. તેથી ઘસારા અને મરામતનો સંયુક્ત ખર્ચ આગળનાં વર્ષો કરતાં પાછળનાં વર્ષોમાં વધતો જાય છે. તેથી નફાની ગણતરીની સમતુલા જળવાતી નથી.
(2) ઘટતી જતી બાકીની પદ્ધતિ (written down value method) : આ પદ્ધતિમાં મિલકતની મૂળ કિંમત ઉપર પ્રથમ વર્ષે નિશ્ચિત દરે ઘસારાની રકમ ગણવામાં આવે છે અને તેને મૂળ કિંમતમાંથી બાદ કરવામાં આવે છે. પ્રથમ વર્ષની આખરે આ પ્રમાણે નક્કી થયેલી મિલકતની ઘટાડેલી કિંમત ઉપર બીજા વર્ષે તે જ નિશ્ચિત દરે ઘસારાની રકમ ગણવામાં આવે છે અને તેને પ્રથમ વર્ષની આખરની (એટલે કે બીજા વર્ષની શરૂઆતની) ઘટાડેલી કિંમતમાંથી બાદ કરવામાં આવે છે. આમ, વર્ષોવર્ષ મિલકતની ઘસારાપાત્ર કિંમત અને તેના ઉપર મળવાપાત્ર ઘસારાની રકમ ઘટતી જાય છે. આ પદ્ધતિમાં આગળનાં વર્ષો કરતાં પાછળનાં વર્ષોમાં મળવાપાત્ર ઘસારાની રકમ ઘટતી જતી હોવાથી પાછળનાં વર્ષોમાં મરામતનો ખર્ચ વધે છતાં પણ બંને રકમોનો સંયુક્ત બોજો વર્ષોવર્ષ લગભગ સરખો રહે છે.
(3) યાંત્રિક કલાક–દરની પદ્ધતિ : આ પદ્ધતિમાં યંત્ર તેના સમગ્ર આયુષ્ય દરમિયાન કેટલા અપેક્ષિત કલાક કામ કરી શકશે તેનો આંકડો નક્કી કરીને યંત્રની મૂળ કિંમતને કુલ અપેક્ષિત કલાકના આંકડા વડે ભાગવાથી પ્રતિ યાંત્રિક કલાક ઘસારાનો દર નક્કી થાય છે. વર્ષ દરમિયાન યંત્ર જેટલા કલાક વપરાયું હોય તેટલા કલાકના આંકડાને પ્રતિ યાંત્રિક કલાક ઘસારાના દર વડે ગુણવાથી જે તે વર્ષના ઘસારાની રકમ નક્કી કરવામાં આવે છે.
(4) એકમદીઠ દરની પદ્ધતિ : આ પદ્ધતિમાં યંત્ર તેના સમગ્ર આયુષ્ય દરમિયાન કેટલા અપેક્ષિત એકમનું ઉત્પાદન કરી શકશે તેનો આંકડો નક્કી કરીને યંત્રની મૂળ કિંમતને કુલ અપેક્ષિત ઉત્પાદનના એકમના આંકડા વડે ભાગવાથી પ્રતિ એકમ ઘસારાનો દર નક્કી થાય છે. વર્ષ દરમિયાન યંત્રે જેટલા એકમનું ઉત્પાદન કર્યું હોય તેટલા એકમના આંકડાને પ્રતિ એકમ ઘસારાના દર વડે ગુણવાથી જે તે વર્ષના ઘસારાની રકમ નક્કી કરવામાં આવે છે.
(5) વીમાપૉલિસીની પદ્ધતિ : આ પદ્ધતિમાં મિલકતનું આયુષ્ય પૂરું થાય ત્યારે તેવી જ બીજી મિલકત મૂળ કિંમત જેટલી રકમ વડે ખરીદી શકાશે તેવું અનુમાન કરીને વીમાકંપની પાસેથી મૂળ કિંમતની રકમની પૉલિસી લેવામાં આવે છે અને તેનું પ્રીમિયમ ભરવામાં આવે છે. પ્રીમિયમની ચૂકવેલી રકમ નફાનુકસાન ખાતે ઉધારીને ઘસારા માટેની જોગવાઈ ખાતે જમા કરવામાં આવે છે.
(6) પુનર્મૂલ્યાંકનની પદ્ધતિ : આ પદ્ધતિમાં નાનાંમોટાં છૂટક ઓજારોની મૂળ કિંમત ઉપર ઘસારાની ગણતરી કરવામાં આવતી નથી; પરંતુ દર વર્ષની આખરે તૂટફૂટ બાદ બાકી રહેલાં ઓજારોનું મૂલ્યાંકન કરીને ઓજારોની હિસાબી ચોપડા મુજબની કિંમત તથા મૂલ્યાંકનની રકમ વચ્ચેનો તફાવત નુકસાન ગણવામાં આવે છે અને તે નફાનુકસાન ખાતે ઉધારવામાં આવે છે.
દીપક શાહ