ઘસારો (erosion) : ભૂપૃષ્ઠના ખડકો કે પૃથ્વીની સપાટી પરનો કોઈ પણ દ્રવ્ય જથ્થો જે જે પ્રક્રિયાઓ દ્વારા તેમના મૂળ માતૃખડક કે સમૂહમાંથી મુક્ત થઈ છૂટો પડે અને દ્રાવ્ય બને તે તમામ પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં ખવાણ, ધોવાણ, દ્રાવણ અને વહનક્રિયાનો સમાવેશ કરી શકાય. ભૌતિક (વિભંજન) કે રાસાયણિક (વિઘટન) ક્રિયા દ્વારા છૂટા પડેલા ખડકટુકડા, ખડકચૂર્ણ નદી, હિમનદી, પવનની સાથે વહી જતી વખતે કે સમુદ્રમોજાંની ક્રિયા દરમિયાન અંદર અંદર પણ અથડાય છે, કચરાય છે, દળાય છે અને ઘસારો પામતાં જઈ સૂક્ષ્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ક્યારેક કેટલોક પદાર્થ દ્રાવણમાં પણ પરિવર્તન પામે છે. ખેતીની જમીનો, કાંપનાં મેદાનો, ત્રિકોણપ્રદેશો, નિક્ષેપકૃત ખડકો વગેરે ઘસારાનાં પરિબળો મારફત તૈયાર થયેલાં સ્વરૂપો છે.

ગિરીશભાઈ પંડ્યા