ઘરે બાહિરે (1919) : રવીન્દ્રનાથ ઠાકુરની બંગભંગ આંદોલનની ભૂમિકા પર રચાયેલી નવલકથા. બંગભંગ આંદોલનનો જે અંશ રવીન્દ્રનાથને અરુચિકર લાગ્યો તેનું એમાં નિરૂપણ થયું છે. નવલકથામાં ત્રણ મુખ્ય પાત્રો છે — સંદીપ, નિખિલ અને નિખિલની પત્ની વિમલા. બંગભંગ આંદોલનનું વરવું રૂપ એમણે સંદીપના પાત્ર દ્વારા આલેખ્યું છે. એ બંગભંગના આંદોલનનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે. એ નિખિલનો મિત્ર હતો અને એની વાક્છટાથી વિમલાને પોતાની જાળમાં લે છે. એને ભારતમાતાનું મૂર્તિમંત રૂપ કહીને એના અહમને પોષી, આંદોલનને બહાને એની પાસે ઘરેણાંની ચોરી પણ કરાવે છે. નિખિલને એમણે સાચા દેશભક્ત તરીકે આલેખ્યો છે. એ ઉદાર છે. હિંસાનો વિરોધી છે અને પોતે જમીનદાર હોવા છતાં, ગરીબ ખેડૂતો તરફ તથા શ્રમજીવીઓ તરફ એને અઢળક પ્રેમ છે. શોષણનો તે પ્રબળ વિરોધ કરે છે અને વિમલાએ ચોરી કરી હોવા છતાં, એની પ્રત્યે પ્રેમથી વર્તે છે કારણ કે એ પોતાના વિચારો કોઈની પર ઠોકી બેસાડવા માગતો નથી. તે વ્યક્તિસ્વાતંત્ર્યનો હિમાયતી છે. અંતમાં વિમલાનું હૃદયપરિવર્તન થાય છે અને સંદીપની કુટિલતામાં ફસાવા માટે એ પશ્ચાત્તાપ કરે છે. સ્વદેશી આંદોલનના ટીકાત્મક નિરૂપણ બદલ આ નવલકથાનો બંગાળમાં પ્રબળ વિરોધ થયેલો; પરંતુ આ કૃતિમાં રવીન્દ્રનાથે બંગભંગ આંદોલનને માત્ર ખંડનાત્મક ર્દષ્ટિથી નિરૂપવાને બદલે નિખિલેશ તથા માસ્ટર મશાયનાં પાત્રો દ્વારા આંદોલનનું સાચું સ્વરૂપ કેવું હોવું જોઈએ તેનું પણ સૂચન કર્યું છે. સત્ય દેશ કરતાં પણ ઊંચું છે તે એનો કેન્દ્રવર્તી વિચાર છે. આ નવલકથા પરથી ફિલ્મ પણ ઊતરી હતી.
ચન્દ્રકાન્ત મહેતા