ઘરે ફેરાર દિન (1962) : અમીય ચક્રવર્તી(જ. (1901)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને માટે એમને 1963નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિનાં 72 કાવ્યો, એ યુરોપનું ભ્રમણ કરી આવ્યા તે પછી રચાયેલાં છે. એમનાં પ્રારંભિક કાવ્યોમાં રવીન્દ્રનાથના પ્રભાવને કારણે સૃષ્ટિનું રહસ્ય સમજવા માટે એમણે બાહ્ય ભૌતિક સૃષ્ટિને બદલે માનવીની આંતરસૃષ્ટિ ઉપર ભાર મૂક્યો હતો, જ્યારે આ કૃતિનાં કાવ્યોમાં કવિ વિજ્ઞાન અને ધ્યાન બંનેના સમન્વય પર ભાર મૂકે છે. આમ, આ સંગ્રહ એમના ચિંતનમાં આવેલા પરિવર્તનનો દ્યોતક છે. તે રવીન્દ્રનાથ ટાગોરને સમર્પિત કરાયેલો છે.
ચન્દ્રકાન્ત મહેતા