ઘરાય : મૈત્રકકાલીન વહીવટી વડું મથક. વલભીના મૈત્રક રાજા ધરસેન બીજા(લગભગ ઈ. સ. 570–595)ના નામના એક બનાવટી દાનશાસન(શક વર્ષ 400)નું બીજું પતરું મળ્યું છે, જે ખરેખર અનુ-મૈત્રક(ઈ. સ. 788–942) કાલના આરંભિક ભાગ દરમિયાન રાષ્ટ્રકૂટ દાનશાસનોના આધારે ઉપજાવાયું લાગે છે. એમાં ઘરાય વિષયનો ઉલ્લેખ આવે છે. આ વિષય(જિલ્લા)નું વડું મથક ઘરાય એ સૂરત જિલ્લાના કામરેજ તાલુકાનું ઘલા ગામ હોવાનું માલૂમ પડ્યું છે. ઘલા તાપીના તટ પર વસેલું છે. દાનશાસનમાં જણાવેલાં ગામ ઘરાયની દક્ષિણે પંદરેક કિમી.ની અંદર આવેલાં જણાય છે. આમ ઘરાય (ઘલા) મૈત્રકકાલ દરમિયાન મૈત્રક રાજ્યના મોટા વહીવટી વિભાગનું વડું મથક હતું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી