ઘરમાખી : ચેપી રોગોનો ફેલાવો કરી માનવોને અત્યંત પરેશાન કરનાર, શ્રેણી દ્વિપક્ષ(diptera)ના musidae કુળનો કીટક. શાસ્ત્રીય નામ, Musca domestica. એ વિશ્વના દરેક દેશમાં જોવા મળતો અગત્યનો કીટક છે. માખીના વક્ષનો રંગ ભૂખરો અને પીળાશ પડતો હોય છે. તેના ઉપર ચાર કાળા પટ્ટા હોય છે. ઉદરપ્રદેશનો રંગ પીળાશ પડતો હોય છે. પુખ્ત માદા માખી એકીવખતે 100થી 150 જેટલાં અને સંપૂર્ણ જીવનકાળ દરમિયાન 600 જેટલાં ઈંડાં મૂકે છે. ઘરમાખી ઈંડાં મૂકવા માટે ખાસ કરીને ઘોડાની તાજી લાદ વધારે પસંદ કરે છે. ઈંડાં સફેદ રંગનાં હોય છે. લગભગ 12થી 14 કલાકમાં ઈંડાંનું સેવન થતાં તેમાંથી નાનાં ડિમ્ભ નીકળે છે. તેના મુખ તરફનો છેડો અણીદાર હોય છે. આવાં ડિમ્ભ 3થી 7 દિવસમાં પુખ્ત બનતાં જમીનમાં કોશેટા-અવસ્થામાં પરિણમે છે. તે ભેજવાળી જમીનમાં કોશેટા બનાવે છે. કોશેટા-અવસ્થા 3થી 10 દિવસની હોય છે. કોશેટામાંથી નીકળેલ માખી 19થી 30 દિવસ સુધી જીવે છે. ઘરમાખીની જીવનશૈલી અને ખાસ પ્રકારનાં મુખાંગોને લીધે તે કેટલાક રોગના વાહક તરીકે મુખ્ય ભાગ ભજવે છે. તેના શરીર પર રહેલા નાના વાળને લીધે રોગનાં સૂક્ષ્મ જંતુ તેની સાથે ચોંટી જાય છે અને તંદુરસ્ત પ્રાણીઓના જખમ પર તે બેસે છે ત્યારે સૂક્ષ્મ જંતુઓને તેમાં છોડે છે. મનુષ્યોમાં તે કૉલેરા, ટાઇફૉઇડ, ક્ષય, મરડો અને કાળિયો તાવ જેવા રોગોનો ફેલાવો કરે છે.

ઘરમાખી
માખીના ઉપદ્રવને કાબૂમાં રાખવા માટે રહેઠાણની આજુબાજુની સ્વચ્છતા ખાસ જરૂરી છે. મેલાથિયૉન 0.5 ટકા અથવા સુમીથીઓન 0.1 ટકા પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાથી, બહારથી ઘરમાં આવતી માખી નાશ પામે છે. આ જીવાતનું પ્રજનન કોહવાયેલી જગ્યાઓએ અને ખાતરના ખાડામાં થતું હોય છે; એટલા માટે આવી જગ્યાએ કોઈ પણ ભૂકારૂપ કીટનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. ઢોર માટેના તબેલા, ડેરી-ફાર્મ કે ઘરમાં તેના નિયંત્રણ માટે વિષપ્રલોભિકાનો ઉપયોગ કરવામાં આવે છે. માખીને આકર્ષવા માટે દૂધમાં ખાંડ ઓગાળવામાં આવે છે અને તેમાં ઍપ્રોકાર્બ (બૅગોન), ડાયાઝિનોન, રોગર કે ટ્રાયક્લૉરફેન જેવી કીટનાશી દવા મિશ્ર કરીને આવા મિશ્રણમાં બોળેલી સૂતરની દોરી ટિંગાડવાથી જ્યારે માખીઓ તેના ઉપર બેસે છે ત્યારે દવા સાથે સંપર્ક થવાથી માખી મરી જાય છે. આ પ્રમાણેની વિષપ્રલોભિકા બનાવવા માટે દૂધ 5 % + ખાંડ 5 % + કીટનાશી દવા 5 %નું પ્રમાણ રાખવામાં આવે છે. આ પ્રમાણેની વિષપ્રલોભિકાનો ઉપયોગ સતત કરવાથી લાંબા ગાળે માખીની વસ્તીમાં ઘટાડો થાય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ