ઘરનો દીવો : ત્રિઅંકી ગુજરાતી નાટક (1952). જૂની અને નવી રંગભૂમિના સેતુરૂપ મનાતા નાટ્યકાર પ્રાગજી ડોસા(1908)નું એક સફળ નાટક. એમાં તત્કાલીન આર્થિક પરિબળોમાં ગૂંચવાતાં, ગૂંગળાતાં પાત્રોનું ચિત્રણ છે અને નારીગૌરવનું યથાર્થ મૂલ્ય નિરૂપાયું છે. સમગ્ર નાટકમાં પ્રતીતિજનક, જીવંત અને ગંભીર કથાવસ્તુની સમાંતર નર્મ-મર્મનો પ્રવાહ નોંધપાત્ર છે. પ્રવીણ, હસમુખ, સુરેશ, પસાકાકા, રેખા અને અરુ એ સહુ પાત્રો હસતાં હસતાં અતિ કરુણ રસને ઘૂંટે છે. દુનિયાદારીની રીતથી અજાણ, ભોળો, સ્નેહાળ હસમુખ જુગારી છે અને સામે પક્ષે ડંખીલો, ખંધો, સ્વાર્થી સુરેશ છે. રેખા અને પિતા પસાકાકાની જિંદાદિલી રીઢા થયેલા માનસને સરસ રીતે પ્રસ્તુત કરે છે. સામે પક્ષે ઠાવકી, સ્વમાનશીલ અરવિંદા (અરુ) પોતાના ગૌરવ માટે ઝઝૂમે છે. નાટકના સંવાદો વેધક છતાં રમતિયાળ. કથાવસ્તુની કલાત્મક ગૂંથણી, પાત્રાલેખનની સ્વાભાવિકતા એના જમા પક્ષે છે. ‘મુંબઈ ગુજરાતી નાટ્યસ્પર્ધા’માં આ નાટકને પારિતોષિક પ્રાપ્ત થયું હતું. રંગભૂમિ પર આ નાટક સંખ્યાબંધ વાર ભજવાયું છે.

હસમુખ બારાડી