ઘનતા (density) : પદાર્થના એકમ કદ(volume)માં રહેલું દ્રવ્ય (matter) કે દળ (mass). પદાર્થના દળને તેના કદ વડે ભાગવાથી ઘનતાનું મૂલ્ય મળે છે. તેથી ઘનતા માટેનું સૂત્ર :
ઘનતાના આ મૂલ્યને નિરપેક્ષ ઘનતા (absolute density) કહે છે. કોઈ પદાર્થની સાપેક્ષે મેળવવામાં આવતી ઘનતાને સાપેક્ષ ઘનતા (relative density) કહે છે.
S. I. પદ્ધતિમાં ઘનતાને કિલોગ્રામ દર ઘનમીટર (કિગ્રા./મી3) વડે દર્શાવવામાં આવે છે. C.G.S. માપપદ્ધતિમાં ઘનતાનો એકમ ગ્રામ દર ઘન સેન્ટિમીટર (કે મિલીલિટર) છે. (1 મિલીલિટર = 1 લિટરનો હજારમો ભાગ = 1 ઘન સેમી. કે 1 cc.) સાપેક્ષ ઘનતામાં બે ઘનતાની સરખામણી થતાં ગુણોત્તર હોવાને કારણે તેમાં કોઈ એકમ હોતા નથી, તે ફક્ત સાદો અંક જ હોય છે.
આપેલા દ્રાવણમાં પદાર્થ કેટલી માત્રામાં ઓગળેલો છે (એટલે કે પદાર્થની સાન્દ્રતા, concentration) તેનો ખ્યાલ દ્રાવણની ઘનતા ઉપરથી મળે છે.
વાયુની ઘનતાને ઘણી વાર બાષ્પ-ઘનતા(vapour density)ના ગુણોત્તરમાં પણ દર્શાવવામાં આવે છે, જેમાં દબાણ તથા તાપમાનના એકસરખા સંજોગોમાં, વાયુની ઘનતાની હાઇડ્રોજન વાયુ સાથે તુલના કરવામાં આવે છે. રસાયણશાસ્ત્રમાં બાષ્પ-ઘનતા બહુ ઉપયોગી છે, કારણ કે તેના વડે વાયુના પરમાણુભાર(molecular weight)નું ચોક્કસ માપ સહેલાઈથી મળે છે (પરમાણુભાર = 2 × બાષ્પ-ઘનતા).
એરચ મા. બલસારા